પ.બંગાળમાં બર્બરતા, ટ્રેઈની ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસે CCTVની મદદથી નરાધમને પડક્યો
Image: Twitter and Freepik
Trainee Doctor Rape and Death Case in Kolkata: પશ્ચિમ બંગાળમાં કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં એક ટ્રેઈની ડોક્ટર સાથે થયેલી બર્બરતાએ દરેકને હચમચાવી મૂક્યા છે. લેડી ડોક્ટરની દુષ્કર્મ બાદ દર્દનાક હત્યા કરી દેવાઈ.
પોલીસે આ મામલે દુષ્કર્મનો કેસ નોંધ્યો અને સીસીટીવી ફૂટેજના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. લેડી ડોક્ટર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં બેભાન હાલતમાં મળી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ ડોક્ટર તેને બચાવી શક્યા નહીં. આ મામલે પોલીસે શુક્રવારે (9 ઓગસ્ટ) એ સીસીટીવી ફૂટેજના આધારે સંજય રોયની ધરપકડ કરી. ટ્રેઈની ડોક્ટર સેકન્ડ યરની સ્ટુડન્ટ હતી.
પીડિતાના પરિવાર સાથે મમતા બેનર્જીએ કરી વાત
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીડિતાના માતા-પિતા સાથે વાત કરી છે. પરિવારે તેમને મામલાની નિષ્પક્ષ તપાસની વિનંતી કરી છે. પોલીસ મામલામાં આગળની તપાસ કરી રહી છે.
પોલીસે ટ્રેઈની ડોક્ટરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું છે. આ મામલાની તપાસ માટે બંગાળ પોલીસે એક એસઆઈટીની પણ રચના કરી છે. શરૂઆતી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યૌન શોષણ અને હત્યાની વાત સામે આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેની બંને આંખો અને મોઢામાંથી લોહી વહી રહ્યું હતું, ચહેરા અને નખ પર ઈજા હતી. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી વહી રહ્યું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણો હાથ અને હોઠો પર પણ ઈજા હતી.
બે મહિલા સાક્ષી અને મહિલાની માતા પોસ્ટમોર્ટમ દરમિયાન હાજર હતાં, જેને કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યુ. કોલકાતા પોલીસના એક અન્ય વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ગુનો સવારે 3થી 6 વાગ્યાની વચ્ચે થયો.
શરીર પર ઘા, સારવાર દરમિયાન મૃત્યુ
ટ્રેઈની ડોક્ટરની સાથે કથિત યૌન શોષણ મામલે ભાજપના વરિષ્ઠ નેતા અગ્નિમિત્ર પોલે કહ્યું કે યુવતીના શરીર પર ઘા હતાં. સારવાર બાદ પીડિતાનું મોત નીપજ્યું. અમે ઈચ્છીએ છીએ કે પૂછપરછ થાય. તેમણે ટ્રેઈની ડોક્ટરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા અંગે પણ વિરોધ વ્યક્ત કર્યો અને પૂછ્યું, 'શા માટે સાંજે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું?'
પોસ્ટમોર્ટમ બહાર કરાવવામાં આવે
કોલકાતાના ડોક્ટર માનસ ગુમટાએ મામલા અંગે કહ્યું કે આ ચોંકાવનારી ઘટના છે. આવું પહેલા ક્યારેય થયું નથી. આ માત્ર ડોક્ટરો વિશે નથી. અમે કહી શકીએ છીએ કે પશ્ચિમ બંગાળ ગુંડાઓના હાથમાં જતું રહ્યું છે અને અમને લાગે છે કે તંત્ર તથ્યોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને તેને આત્મહત્યા ગણાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ કારણોથી અમે માગ કરીએ છીએ કે પોસ્ટમોર્ટમ આરજી કર હોસ્પિટલની બહારના ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા કરવું જોઈએ. આરજી કર હોસ્પિટલના ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા નહીં.
તેમણે વિદ્યાર્થીઓ સાથે વિરોધ-પ્રદર્શન પણ કર્યું અને આરોપી વિરુદ્ધ આકરી કાર્યવાહીની અપીલ કરી. આરજી કર કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સંદીપ ઘોષે પણ આ મામલે કહ્યું, 'આ ખૂબ ખોટું થયુ છે. તે મારી પુત્રી જેવી હતી અને આ અંગે કાર્યવાહી ઝડપથી થવી જોઈએ.'