તમિલનાડુમાં બસપા પ્રમુખ બાદ વધુ એક રાજનેતાની હત્યા, મોર્નિંગ વોક દરમિયાન જ ઘેરીને માર્યા
Balasubramanian Murder: તમિલનાડુમાં બસપા પ્રમુખની હત્યા બાદ હવે વધુ એક નેતાની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી છે. મદૂરેમાં 'નામ તમિલર પાર્ટી'ના ઉત્તર જિલ્લાના ડેપ્યુટી સેક્રેટરી બાલાસુબ્રમણ્યમની આજે સવારે હત્યા કરી નાખવામાં આવી. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેઓ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા તે દરમિયાન કેટલાક લોકોએ તેમને ઘેરી લીધા અને તેમની હત્યા કરી નાખી.
મોર્નિંગ વોક દરમિયાન જ ઘેરીને હત્યા કરી નાખી
પોલીસના જણાવ્યા અનુસાર હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. આ હત્યા ચોક્કિકુલમના વલ્લભી રોડ પર થઈ હતી, જે તલ્લાકુલમ પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાલાસુબ્રમણ્યમને ચાર લોકોએ ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યા બાદ તેઓ ભાગી ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
વધુ વાંચો: તલવાર-તીક્ષ્ણ હથિયારો વડે આ રાજ્યના બસપા પ્રમુખની હત્યા, 6 હુમલાખોરોએ ઘરની સામે રહેંશી નાખ્યા
5 જુલાઈના રોજ BSP ચીફની હત્યા
5 જુલાઈના રોજ BSP ચીફ આર્મસ્ટ્રોંગની રાજ્યમાં તેમના જ ઘરે હત્યા કરી નાખવામાં આવી હતી. તે પોતાના ઘરમાં જ પાર્ટીના કેટલાકકાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે બાઈક પર સવાર છ લોકો આવ્યા અને ચાકુ-તલવારથી તેમના પર હુમલો કરી દીધો. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ હત્યાના મુખ્ય આરોપીનું પણ પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. આરોપીનું નામ તિરુવેંગડમ હોવાનું જણાવાયું હતું. આ કેસમાં કુલ 11 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.