NEET બાદ હવે UPPCS J પરીક્ષામાં ધાંધલબાજી, લાંચ લઈને ઉત્તરવહી બદલવામાં આવી

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
NEET બાદ હવે UPPCS J પરીક્ષામાં ધાંધલબાજી, લાંચ લઈને ઉત્તરવહી બદલવામાં આવી 1 - image


UPPSC Exam: ભારતમાં લેવાતી ટોચની પરીક્ષાઓમાંની એક NEETમાં કથિત ધાંધલબાજીએ સમગ્ર શિક્ષણ તંત્રની પોલ ખોલી દીધી છે. જોકે હજી આ એક પરીક્ષામાં થયેલ ધાંધલબાજીનો કોયડો ઉકેલાયો નથી ત્યાં હવે ઉત્તર પ્રદેશમાં વધુ એક પરીક્ષામાં ગરબડ થઈ હોવાના આક્ષેપ લાગ્યા છે. 

યુપીમાં PCS જ્યુડીશિયલ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના અહેવાલ છે. યુપી પબ્લિક સર્વિસ કમિશને અલ્હાબાદ હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે, પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. યુપી પબ્લિક સર્વિસ કમિશન પર પીસીએસની કોપી બદલવા અને ઉમેદવારોને લાંચ લઈને પાસ કરાવવાનો આરોપ છે. મુખ્ય પરીક્ષામાં 50 નકલો બદલાઈ હોવાનો આરોપ લાગ્યો હતો.

યુપી ન્યાયિક સેવા સિવિલ જજ (મુખ્ય) પરીક્ષા 2022, 22થી 25 મે 2023 દરમિયાન લેવામાં આવી હતી. મુખ્ય પરીક્ષાનું પરિણામ 1 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે અંતિમ પરિણામ 30 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં પીસીએસ ન્યાયિક પરીક્ષા દ્વારા નીચલી અદાલતોમાં જજ બનાવવામાં આવે છે. 

યુપી પબ્લિક સર્વિસ કમિશને કોર્ટમાં સ્વીકાર્યું છે કે, ખોટા કોડિંગ દ્વારા નકલો બદલવામાં આવી છે. આ મોટી ઘટનામાં ત્રણ જુનિયર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસની આગામી સુનાવણી હાઈકોર્ટમાં 8 જુલાઈના રોજ યોજાશે.

સામે પક્ષે ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને PCS J ઉમેદવારની ઉત્તરવહી બદલવાના કથિત કેસમાં પાંચ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. UPPSC સેક્રેટરી અશોક કુમારનું કહેવું છે કે, આ કેસની તપાસમાં બેદરકારીના આરોપ સાબિત થયા બાદ સેક્શન ઓફિસર શિવ શંકર, રિવ્યુ ઓફિસર નીલમ શુક્લા અને આસિસ્ટન્ટ રિવ્યુ ઓફિસર ભગવતી દેવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

સુપરવાઇઝરી ઓફિસરે ડેપ્યુટી સેક્રેટરી સતીશ ચંદ્ર મિશ્રા સામે ખાતાકીય કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લીધો છે. નિવૃત્ત આસિસ્ટન્ટ રિવ્યુ ઓફિસર ચંદ્રકલા સામે કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર પાસેથી પણ પરવાનગી માંગવામાં આવી છે.

RTIએ સમગ્ર ભાંડો ફોડ્યો :

PCS (J) મુખ્ય પરીક્ષા-2022ના ઉમેદવાર શ્રવણ પાંડેએ RTI હેઠળ પોતાની આન્સરશીટ જોઈ. આ ઉત્તરવહી જોયા બાદ કઈંક ગરબડ થઈ હોવાની આશંકા સાથે તેમણે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો કે મારી અંગ્રેજી આન્સરશીટમાં હસ્તાક્ષર અલગ હતા અને બીજી આન્સરશીટના કેટલાક પાના ફાટી ગયા હતા અને તેના કારણે હું મુખ્ય પરીક્ષામાં સફળ ન થઈ શક્યો.

આ પ્રકારની દલીલ બાદ હાઈકોર્ટે યુપીપીએસસીને 5 જૂન 2024ના રોજ અરજદારના છ પ્રશ્નપત્રોની ઉત્તરવહીઓ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ સફાળે જાગેલા પંચે 7 જૂન, 2024ના રોજ હાઈકોર્ટમાં હાજર રહીને એક એફિડેવિટ આપ્યું કે આ મામલો પ્રકાશમાં આવ્યા પછી મુખ્ય પરીક્ષામાં હાજર તમામ 3019 ઉમેદવારોની 18,042 ઉત્તરવહીઓ તપાસવામાં આવી રહી છે. પંચે 20 જૂનથી ઉમેદવારોને ઉત્તરવહીઓ બતાવવાનું પણ શરૂ કરી દીધું છે. PCS-J 2022ની મુખ્ય પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને 30 જુલાઈ સુધી તેમના રોલ નંબર અનુસાર તેમની કોપી બતાવવામાં આવશે. અત્યાર સુધીમાં 232 ઉમેદવારોએ તેમની આન્સરશીટ જોઈ છે.


Google NewsGoogle News