માંઝીના નીતિશ અંગેનું નિવેદન NDAમાં વિવાદનો સંકેત, વિરોધી પક્ષના દાવાથી રાજકીય ગરમાવો
Image : IANS (File Photo) |
Bihar Politics: ભાજપ શાસિત રાજ્યોમાં હાલ બધુ બરોબર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું નથી. એક તરફ મહારાષ્ટ્રમાં અજિત પવારના સાથીઓએ પક્ષ છોડી દીધો છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં યોગી સામે કેશવ પ્રસાદ મોર્યના બળવાખોર વલણને લઈને રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. ત્યારે હવે કેન્દ્રિય મંત્રીએ બિહારના મુખ્યમંત્રી (Bihar CM)ને લઈને એવું નિવેદન આપ્યું કે બિહારની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. માંઝીના નિવેદનને લઈને RJDએ ભાજપ અને જેડી(યુ) પર નિશાન સાધતા કહ્યું કે NDAમાં જલદી જ ભગદડ મચી જશે.
માંઝીના નિવેદન બાદ બિહારનું રાજકારણ ગરમાયું
હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM)ના અધ્યક્ષ અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં સામેલ કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી (Jitan Ram Manjhi)એ નીતિશ કુમાર (Nitish Kumar)ને લઈને આપેલા નિવેદન બાદ બિહારનું રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન જીતન રામ માંઝીએ કહ્યું કે 'જ્યારે તેઓ મહાગઠબંધનમાં હતા ત્યારે નીતિશ કુમારે મને મારી પાર્ટીને તેમની (નીતિશ) પાર્ટીમાં સામેલ કરવાની વાત કહી હતી.'
મને ગઠબંધન છોડી દેવા પણ કહી દીધુ : માંઝી
આ ઉપરાંત માંઝીએ કહ્યું હતું કે 'જ્યારે મે પાર્ટીમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે મને ગઠબંધન છોડી દેવા પણ કહી દીધુ હતું. જ્યારે મેં 2015માં અલગ પાર્ટી (HAM) બનાવી ત્યારે નીતિશ કુમારે કહ્યું હતું કે પાર્ટી કેવી રીતે ચલાવશે, પાર્ટી ચલાવવા માટે પૈસા અને લોકોની જરૂર હોય છે. ત્યારે હું કહેવા માંગુ છું કે હવે મારી પાર્ટી માત્ર ચાલી રહી નથી પણ દોડી રહી છે અને મારા પુત્રની સાથે હું કેન્દ્રમાં મંત્રી પણ બની ગયો છું.'
આ પણ વાંચો : ભારત ચીનથી શીખે અને રોજગારી પેદા કરવાનું આર્થિક મોડેલ ઊભું કરે, નીતિન ગડકરીની સલાહ
માંઝીના નિવેદન પર RJDએ તાક્યું નિશાન
માંઝીના આ નિવેદન પર NDAના સહયોગી ભાજપ (BJP) અને જનતા દળ (યુનાઇટેડ) (JD(U))એ પણ પ્રતિક્રિયા આપી છે. જેડી(યુ)એ કહ્યું છે કે માંઝીના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે, તો ભાજપે કહ્યું કોઈ પણ પાર્ટી બને છે તો તે ચાલતી રહે છે. તો માંઝીના નિવેદનને લઈને રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ ભાજપ અને જેડી(યુ) પર નિશાન સાધતા કહ્યું કે NDAમાં બધુ સારું નથી અને તમામ પક્ષો એકબીજાને નીચા બતાવવામાં વ્યસ્ત છે, એનડીએની અંદર માથાકૂટ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ એનડીએમાં ભગદડ મચી જશે.