મહારાષ્ટ્રમાં પરાજય બાદ સંજય રાઉતના પૂર્વ CJI ચંદ્રચૂડ પર ગંભીર આક્ષેપ, કહ્યું- ઈતિહાસ તેમને માફ નહીં કરે
Maharashtra Election Result: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. મહાયુતિ ગઠબંધનને મોટી જીત મળી છે જ્યારે મહાવિકાસ અઘાડીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પરિણામને લઈને હવે ઉદ્ધવ જૂથની શિવસેનાના નેતા સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે મહાવિકાસ અઘાડીની હાર માટે પૂર્વ મુખ્ય ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડી. વાય. ચંદ્રચુડને જવાબદાર ગણાવ્યા છે.
મહારાષ્ટ્ર મોદી અને શાહને મત શા માટે આપે?: સંજય રાઉત
સંજય રાઉતે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું, 'મહારાષ્ટ્રના જે પરિણામ સામે આવ્ચા તે ખૂબ જ ચોંકાવનારા છે. કોઈની લહેર નહોતી, કોઈને આવા પરિણામની આશા નહોતી. મહારાષ્ટ્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહને મત શા માટે આપે? મહારાષ્ટ્રમાં આખોય ચૂંટણી પ્રચાર નરેન્દ્ર મોદી અને અમિત શાહની વિરોધમાં ચાલ્યો. કારણકે, તેઓએ મહારાષ્ટ્રના ઉદ્યોગને ગુજરાતમાં શિફ્ટ કરી દીધાં. શું લોકો તેમને મત આપે? મહારાષ્ટ્રમાં ખેડૂતોની હત્યા થઈ. મહારાષ્ટ્રમાં બેઈમાની થઈ રહી છે.'
મહારાષ્ટ્રમાં પરિણામ માટે ચંદ્રચુડ જવાબદાર: સંજય રાઉત
ચંદ્રચુડ પર મોટો આરોપ લગાવતા સંજય રાઉતે કહ્યું, 'જે પરિણામ આવ્યા, તેના માટે જવાબદાર ફક્ત પૂર્વ સી.જે.આઈ ડી. વાય. ચંદ્રચુડ છે. તેઓએ સમયસર પોતાનો નિર્ણય ન આપ્યો, ચુકાદો ન આપ્યો. 40 લોકોએ બેઈમાની કરી હતી. જે પાર્ટી ચૂંટાઈને આવી હતી, તે ચાલીને બીજી પાર્ટીની સત્તામાં જતા રહ્યાં. તમારી જવાબદારી છે બંધારણની રક્ષા કરવી. તમે જો ચુકાદો આપ્યો હોત તો આગળ કોઈ હિંમત ન કરત. તમે બારી-દરવાજા ખુલ્લા રાખીને ત્યાંથી નિવૃત્ત થઈ ગયાં. હવે કોઈપણ પ્રકારે પાર્ટી બદલી શકાય છે અથવા પોતાની પાર્ટી છોડીને સરકાર બનાવી શકાય છે. ઈતિહાસ ચંદ્રચુડ સાહેબને ક્યારેય માફ નહીં કરે.'
આ પણ વાંચોઃ ઉદ્ધવની હાલત : ભંડારે મેં ગયા તો ખાના ખત્મ, બહાર આયા તો ચપ્પલ ચોરી; મીમ્સનું ઘોડાપૂર
મહાયુતિને મળી શાનદાર જીત
જણાવી દઈએ કે, મહાયુતિ ગઠબંધનને મહારાષ્ટ્રમાં 234 બેઠકો પર જીત મળી છે. જોકે, મહાવિકાસ અઘાડીને ફક્ત 50 બેઠકો પર જીત મળી છે. મહાયુતિમાં સામેલ ભાજપને 132, શિવસેનાને 57 અને એનસીપીને 41 બેઠકો પર જીત મળી છે.