ચૂંટણી હાર્યા બાદ પવન સિંહે રાજકીય કારકિર્દી અંગે ખેલ્યો દાવ, પોતાની રાજકીય પાર્ટી બનાવવાની કરી જાહેરાત
Pawan Singh New Party Announcement: ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહે લોકસભા ચૂંટણી 2024માં બિહારની કારકાટ બેઠકથી અપક્ષ ચૂંટણી લડી હતી. ભોજપુરી સ્ટારના કારણે આ બેઠક પર દરેકની નજર હતી. જોકે, આ ચૂંટણીમાં પવન સિંહે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમને NDAના ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહા કરતા વધુ મત મળ્યા. રસપ્રદ વાત એ છે કે, પીએમ મોદી અને અમિત શાહે પણ કુશવાહાનો પ્રચાર કર્યો હતો. બીજી તરફ ચૂંટણીમાં બીજા સ્થાન પર રહેલા પવન સિંહે હવે સંપૂર્ણ રીતે રાજકારણમાં ઉતરીને પોતાની તાકાત બતાવવાની તૈયારી કરી રહ્યા છે. હવે તેના માટે તેમણે આખો પ્લાન પણ તૈયાર કરી લીધો છે.
ચૂંટણીમાં હાર બાદ પવન સિંહની મોટી જાહેરાત
પવન સિંહ લોકસભા ચૂંટણીમાં મળેલા જનતાના પ્રેમ અને સમર્થનને કારણે ઉત્સાહમાં છે અને આ સાથે જ ભોજપુરી સ્ટારે પોતાની રાજકીય કારકિર્દી અંગે મોટો દાવ ખેલ્યો છે. તેમણે પોતાની રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. જો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પવન સિંહની પાર્ટીનું નામ 'સર્વ સમાજ પાર્ટી' હશે અને તેમની પાર્ટી વર્ષ 2025માં બિહારની તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી પણ લડશે. એટલું જ નહીં પવન સિંહના નજીકના લોકોના જણાવ્યા પ્રમાણે ભોજપુરી સ્ટાર હવે સમગ્ર બિહારમાં આશીર્વાદ યાત્રા પણ કરવાની તૈયારી કરી રહ્યા છે.
પવન સિંહે લોકો માટે કામ કરતા રહેવાનો આપ્યો હતો સંકેત
બીજી તરફ લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ પણ પવન સિંહે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ સાથે જ એ પણ સંકેત આપ્યો હતો કે, હું લોકો માટે કામ કરતો રહીશ. તેમણે X એકાઉન્ટ પર કરવામાં આવેલી પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, હાર તો ક્ષણિક હોય છે પરંતુ હિંમત નિરંતર રહેવી જોઈએ અમે તો એ લોકો છીએ જેઓ જીત પર ગર્વ નથી કરતા અને હાર પર શોક નથી કરતા. મને ખુશી અને ગર્વ છે એ વાતનો છે કે, કારકાટના જનતાએ મને પોતાના પુત્ર અને ભાઈ તરીકે સ્વીકાર્યો અને મને આટલો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ આપવા બદલ મારા હૃદયથી આપ સૌનો આભાર માનું છું.
પવન સિંહ કારાકાટ બેઠકથી લડ્યા હતા ચૂંટણી
ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ બિહારની કારકાટ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તેમની સામે NDAના ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહા અને ઈન્ડિયા ગઠબંધનના સીપીઆઈ (એમએલ)ના રાજા કામ હતા. કારકાટ બેઠકની આ ત્રિકોણીય હરીફાઈમાં રાજારામ સિંહ 3 લાખ 18 હજાર 730 મતો મેળવીને વિજયી બન્યા હતા. પવન સિંહ 2 લાખ 26 હજાર 474 મત મેળવીને બીજા ક્રમે રહ્યા. જ્યારે ઉપેન્દ્ર કુશવાહા 2 લાખ 17 હજાર 109 મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.