કેજરીવાલની ધરપકડ બાદ અમેરિકાની ટિપ્પણીથી નારાજ ભારતે રાજદ્વારીને બોલી બરાબરના ખખડાવ્યાં
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 27 માર્ચ 2024 બુધવાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અમેરિકા તરફથી કરવામાં આવેલી ટિપ્પણી પર ભારતે કડક એક્શન લીધુ છે. ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે ભારતમાં અમેરિકાના કાર્યકારી મિશન ડેપ્યુટી ચીફ ગ્લોરિયા બર્બેનાને સમન્સ પાઠવ્યુ છે. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને અમેરિકી ડિપ્લોમેટની વચ્ચે લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઈ છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં અમુક કાયદાકીય કાર્યવાહીઓ વિશે અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાની ટિપ્પણી પર અમે આકરો વાંધો વ્યક્ત કરીએ છીએ. કૂટનીતિમાં કોઈ પણ દેશથી બીજા દેશોની સંપ્રભુતા અને આંતરિક મામલાનું સન્માન કરવાની અપેક્ષા કરવામાં આવે છે. જો મામલો સહયોગી લોકતાંત્રિક દેશોનો હોય તો આ જવાબદારી વધી જાય છે. આવુ ન થવા પર ખોટુ ઉદાહરણ રજૂ થાય છે. ભારતની કાયદાકીય પ્રક્રિયાઓ એક સ્વતંત્ર ન્યાયપાલિકા પર આધારિત છે જે ઓબ્જેક્ટિવ અને સમયસર નિર્ણયો માટે પ્રતિબદ્ધ છે. ભારતીય ન્યાયપાલિકા પર આક્ષેપ લગાવવો અયોગ્ય છે.
ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકી ડિપ્લોમેટને એવા સમયે સમન્સ પાઠવ્યુ છે જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યુ હતુ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના રિપોર્ટ્સ પર અમે નજર રાખી રહ્યા છીએ. અમેરિકાએ એ પણ કહ્યુ હતુ કે કેજરીવાલ મામલે અમે નિષ્પક્ષ, પારદર્શી અને સમયબદ્ધ કાયદાકીય પ્રક્રિયાની આશા રાખીએ છીએ.
જર્મન વિદેશ મંત્રાલયે પણ ટિપ્પણી કરી હતી
જોકે, અમેરિકા પહેલો દેશ નથી જેણે કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી છે. આ પહેલા જર્મન વિદેશ મંત્રાલયે પણ કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી હતી. કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલયે ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે અમે આને નોટ કર્યુ છે. ભારત એક લોકતાંત્રિક દેશ છે. અમને આશા છે કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને મૂળભૂત લોકશાહી સિદ્ધાંતો સાથે સંબંધિત તમામ ધોરણોને આ મામલે પણ લાગુ કરવામાં આવશે. કેજરીવાલને નિષ્પક્ષ સુનાવણીનો પૂર્ણ અધિકાર છે.
ભારતે વાંધો વ્યક્ત કર્યો હતો
અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલય તરફથી કરવામાં આવેલી ટિપ્પણી પર ભારતે વાંધો વ્યક્ત કર્યો હતો. જર્મનીના રાજદૂત જ્યોર્જ એનજવીલરે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે અમે આવી ટિપ્પણીઓને અમારી ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને કમજોર કરવાના રૂપમાં જોઈએ છીએ. ભારત કાયદાના નિયમવાળુ એક જીવંત અને મજબૂત લોકતંત્ર છે. જે રીતે ભારત અને અન્ય લોકતાંત્રિક દેશોમાં કાયદો પોતાનું કામ કરે છે. આ મામલે પણ કાયદો પોતાનું કામ કરશે. આ મામલે પક્ષપાતપૂર્ણ ધારણાઓ બનાવવી અયોગ્ય છે.
21 માર્ચે ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી હતી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ લગભગ બે કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી. દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં તેમની ભૂમિકાની તપાસને લઈને તેમને રાઉજ એવન્યૂ કોર્ટે 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા. પોતાની ધરપકડ બાદ પણ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યુ નથી.