ભાજપ પર આપના ધારાસભ્ય ખરીદવાનો આરોપ, દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીને નોટિસ
આતિશીએ 24 કલાકની અંદર આ નોટિસનો જવાબ આપવાનો રહેશે
Crime Branch Notice To Atishi : દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે આમ આદમી પાર્ટીના સાત ધારાસભ્યોને રૂપિયાની ઓફર કરી હતી, આ અંગે દિલ્હી પોલીની ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે આતિશીના ઘરે પહોંચી હતી. જો કે આતિશીની ગેરહાજરીને કારણે ઓફિસ સ્ટાફને નોટિસ મળી હતી. હવે આતિશીએ 5મી ફેબ્રુઆરી સુધીમાં એટલે કે 24 કલાકની અંદર આ નોટિસનો જવાબ આપવાનો રહેશે.
કેજરીવાલ અને આતિશીએ દાવો કર્યો હતો
આ નોટિસના એક દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી હતી. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપે આમ આદમી પાર્ટીના સાત ધારાસભ્યોને 25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી અને સરકાર ઉથલાવવાનું કાવતરુ ઘડયું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ આપીને ત્રણ દિવસમાં જવાબ આપવા જણાવ્યું હતું. કેજરીવાલ અને આતિશીએ 27 જાન્યુઆરીએ દાવો કર્યો હતો કે ભાજપ આમ આદમી પાર્ટીની સરકારના ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયા અને આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવાની ઓફર કરીને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપે આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા
ભાજપે આ આરોપોને 'ખોટા' અને 'પાયાવિહોણા' ગણાવીને નકારી કાઢ્યા હતા અને મુખ્યમંત્રીને તેમના દાવાઓને સમર્થન આપવા પુરાવા રજૂ કરવાનો પડકાર ફેંક્યો હતો. બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ આતિશી પર પ્રહાર કરતા કહ્યું કે, 'મંત્રી આતિશી પણ અરવિંદ કેજરીવાલ જેવા પુરાવા હોવાની વાત કરી રહ્યા હતા. હવે ભાજપની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ પુરાવા એકત્ર કરવા ગઈ છે ત્યારે આતિશી ગુમ છે. ન કોઈ ખરીદનાર હતું કે ન કોઈ વેચનાર હતું. ઈડીનું ધ્યાન હટાવવા માટે ધારાસભ્યો ખરીદવાના કૌભાંડ જેવી ચાલ ચાલી હતી પરંતુ હવે આતિશી અને અરવિંદ કેજરીવાલ ખૂદ ફસાયા છે. પણ આતિશીએ પુરાવો આપવો પડશે.'