Get The App

ઘરેણાની જેમ હવે ગોલ્ડ બુલિયનનું હોલમાર્કિંગ ફરજિયાત કરવાની તૈયારી, ટૂંક સમયમાં નિર્ણય થશે

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
ઘરેણાની જેમ હવે ગોલ્ડ બુલિયનનું હોલમાર્કિંગ ફરજિયાત કરવાની તૈયારી, ટૂંક સમયમાં નિર્ણય થશે 1 - image


- ગ્રાહક સચિવ નિધિ ખરેએ સંકેત આપ્યા

- જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગોલ્ડ બુલિયન હોલ માર્કિંગ અમલી બની જાય તેવી પ્રબળ સંભાવના

- દેશમાં સોનાના ઘરેણાના કુલ 40 કરોડ એકમોનું હોલમાર્કિંગ કરાયું, રજિસ્ટર્ડ ઝવેરીઓની સંખ્યા બે લાખની નજીક પહોંચી

Hallmarking of gold bullion will Coming soon  : સરકાર ગોલ્ડ બુલિયનનું હોલમાર્કિંગ કરવા પર વિચાર કરી રહી છે. તેના અંગે ગ્રાહક સચિવ નિધિ ખરેએ  જણાવ્યું હતું કે હોલમાર્કિંગ જરૂરી બનાવવાના પ્રસ્તાવ પર વિચાર ચાલી રહ્યો છે. ઘરેણાઓની છ અંકવાળી એચયુઆઇડીના કારણે લોકોનો વિશ્વાસ વધ્યો છે. આ અંગે ઇન્ડિયન બુલિયન એસો.ના સચિવ સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે આ બહુ સારો નિર્ણય હશે. 

ગ્રાહકની સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી થવી ન જોઈએ. બુલિયન અને નવ કેરેટ પર હોલમાર્કિંગનો પ્રસ્તાવ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન તરફથી મૂકવામાં આવ્યો હતો. 

નવ કેરેટ પર હોલમાર્કિંગની વાત કરીએ તો નવ કેરેટની જ્વેલરી દેશના કેટલાય પછાત વિસ્તારોમાં વેચાય છે જ્યાં હોલમાર્કિંગ ફરજિયાત નથી. આ સંજોગોમાં કોઈની સાથે છેતરપિંડી ન થાય તે માટે નવ કેરેટ પર હોલમાર્કિંગ ફરજિયાત કરવું જરૂરી છે. 

આ ઉપરાંત સોનાના ભાવ સતત વધી રહ્યા છે. આ સંજોગોમાં ગ્રાહકને ૧૪ કેરેટની નીચે પણ હોલમાર્કિંગનો એક સારો વિકલ્પ મળવો જોઈએ. આ પ્રસ્તાવ લગભગ મંજૂર કરી દેવાયો છે.  જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી જ 9 કેરેટ હોલમાર્કિંગનો નિયમ અમલી બનાવવામાં આવશે. 

તેમણે આગળ જણાવ્યું હતું કે ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખતા રિસાઇકલ્ડ ગોલ્ડ પર હોલમાર્કિંગ ઘણં  જરૂરી છે. બાકીનું સોનું તો બીઆઇએસ રીફાઇનરીમાં રીફાઇન થાય છે અથવા તો આયાતી સોનું હોય છે જે પૂરુ સર્ટિફાઇડ હોય છે. તેમા હોલમાર્કિંગની જરૂરિયાત નથી, પરંતુ જે રિસાઇકલ્ડ ગોલ્ડ આવે છે તેના માટે હોલમાર્કિંગ અનિવાર્ય કરવાની જરૂરત છે. આમ લાગે છે કે પ્રાથમિક તબક્કામાં હોલમાર્કિંગ ૧૦૦ ગ્રામથી ઉપરથી શરૂ થશે અને પછી ધીમે-ધીમે બે વર્ષમાં તેને પાંચ ગ્રામ સુધી લાવવામાં આવશે. 

સરકાર તેના હોલમાર્કિંગમાં નિયમોમાં લેબગ્રોન ડાયમંડને આવરી લે તેવી પણ સંભાવના છે. 23 જુન 2021થી સોનાના ઝવેરાત અને સોનાના ઘરેણાઓના હોલમાર્કિંગનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવી રહ્યો છે.સોનાના ઝવેરાતની લગભગ 40 કરોડથી વધારે આઇટેમ્સને  યુનિક એચયુઆઇડીથી હોલમાર્કડ કરવામાં આવી છે. દેશમાં 2030 સુધીમાં હીરા અને ઝવેરાત ક્ષેત્રનું કદ 130 અબજ ડોલર સુધી પહોંચી જાય તેમ મનાય છે. 2023ના અંતે આ સેક્ટરનું કદ 44 અબજ ડોલરનું હતું. ભારત વિશ્વસ્તરે બીજા નંબરનું સોનાનું નિકાસકાર છે અને ભારતની કુલ નિકાસમાં સોનાનો 3.5 ટકા હિસ્સો છે. હાલમાં રજિસ્ટર્ડ ઝવેરીઓની સંખ્યા વધીને 1.95 લાખ થઈ ગઈ છે. 


Google NewsGoogle News