22 જાન્યુઆરી બાદ તમને યાદ આવી જશે ત્રેતાયુગ', મથુરામાં મુખ્યમંત્રી યોગીએ કહી આ વાત
Image Source: Twitter
- આજે વિશ્વમાં ભારતનું સન્માન વધ્યું: CM યોગી આદિત્યનાથ
મથુરા, તા. 01 જાન્યુઆરી 2024, સોમવાર
Ram Mandir Pran Pratishtha: કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે નવા વર્ષના પ્રથમ દિવસે યુપીના મથુરાની મુલાકાતે છે. આ દરમિયાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વૃંદાવનમાં છોકરીઓ માટે 'સંવિદ ગુરુકુલમ, સૈનિક સ્કૂલ'નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ ભાજપના બંને વરિષ્ઠ નેતાઓએ ત્રણ દિવસીય ષષ્ઠિપૂર્તિ મહોત્સવને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન સીએમ યોગીએ કહ્યું કે 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અભિષેક બાદ તમને ત્રેતાયુગ યાદ આવી જશે.
આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે આજે વિશ્વમાં ભારતનું સન્માન વધ્યું છે. નવું ભારત દેખાઈ રહ્યું છે. જે લોકો અયોધ્યાનું નામ લેતા પણ કતરાતા હતા તેઓ હવે કહી રહ્યા છે કે અમને આમંત્રણ મળશે તો અમે પણ જઈશું. પરિવર્તન છે. અગાઉ અયોધ્યાની જે રચના હતી તેમાં ત્યાંના રસ્તે એક સિંગલ રેલવે લાઈન જાતી હતી અને તેના પરથી પણ ક્યારેક-ક્યારેક જ ટ્રેનો દોડતી હતી. આજે તમને અયોધ્યાની અંદર 4 અને 6 લેન રોડ જોવા મળશે. 22મી જાન્યુઆરી બાદ અયોધ્યા જઈને જોજો તમને ત્રેતાયુગ યાદ આવી જશે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે શું કહ્યું?
મથુરામાં ષષ્ઠીપૂર્તિ મહોત્સવને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જીવનનું સાધ્ય રાધા છે અને તેને પ્રાપ્ત કરવાનું સાધન પણ રાધા જી જ છે. મંત્રો પણ 'રાધા' છે અને મંત્રો આપનાર ગુરુ પણ સ્વયં રાધા જ છે. જેનું સર્વસ્વ રાધા છે અને જીવન પ્રાણ પણ રાધા છે. એવા જીવો માટે પ્રાપ્ત કરવા માટે કંઈ નથી રહેતું.