'જ્ઞાનવાપી બાદ કૃષ્ણ જન્મભૂમિનો પણ ASI સર્વે કરવામાં આવે', હેમા માલિનીએ કરી માંગ
Image Source: Twitter
- ન્યાયના હિતમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ આવશ્યક: અલ્હાબાદ હાઈકોર્ટ
નવી દિલ્હી, તા. 03 ઓગષ્ટ 2023, ગુરૂવાર
અલ્હાબાદ હાઈકોર્ટે આજે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. અદાલતે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટી (મુસ્લિમ પક્ષ) દ્વારા કરવામાં આવેલી અરજી પર આદેશ સંભળાવ્યો હતો જેમાં વારાણસી જિલ્લા અદાલત દ્વારા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ને એ નિર્ધારિત કરવા માટે સર્વેક્ષણ કરવાના નિર્દેશને પડકારવામાં આવ્યો હતો કે, શું જ્ઞાનવાપી મસ્જિદ એક મંદિરની ઉપર બાંધવામાં આવી હતી. બનાવવામાં આવ્યું હતું. ચુકાદો આપતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ન્યાયના હિતમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ આવશ્યક છે. આ નિર્ણય પર મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિનીએ પ્રતિક્રિયા આપતા કૃષ્ણ જન્મભૂમિનું પણ વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની વાત કરી હતી.
મુસ્લિમ પક્ષનો અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો વિચાર
હેમા માલિનીએ કહ્યું કે, સારું છે... સર્વે થવો જ જોઈએ. આનો નિર્ણય ઝડપી થવો થવો જોઈએ તે આખા દેશ માટે સારું છે. કૃષ્ણજન્મભૂમિનો પણ સર્વે થવો જોઈએ. શક્ય તેટલી વહેલી તકે બધું ક્લિયર થઈ જવું જોઈએ. નિર્ણય બને તેટલો વહેલો આવવો જોઈએ નહીં તો બસ મંત્રણા જ ચાલુ રહેશે. જો અંતિમ નિર્ણય જલ્દી આવે તો તે દેશ માટે સારું રહેશે. બીજી તરફ મુસ્લિમ પક્ષ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવા વિચારી કરી રહ્યો છે. હાઈકોર્ટના નિર્ણયનું અધ્યયન કર્યા બાદ અંજુમન ઈન્તઝામિયા મસ્જિદ કમિટી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલો સાથે ચર્ચા કરી રહી છે. અલ્હાબાદ હાઈકોર્ટે ઈન્તઝામિયા કમિટિની ASI સર્વેની રોક લગાવવાની અરજી ફગાવતા વારાણસી જિલ્લા અદાલતે 21 જુલાઈ 2023ના આદેશને યથાવત રાખ્યો હતો.
ત્યાં ઘણા પુરાવા હાજર છે જે જણાવે છે કે, તે હિન્દુ મંદિર હતું: વકીલ હરિશંકર જૈન
હાઈકોર્ટે અગાઉ 28 જુલાઈના રોજ બંને પક્ષોને સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વેક્ષણની મંજૂરી આપતા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર વરિષ્ઠ વકીલ હરિશંકર જૈને કહ્યું કે, ત્યાં ઘણા પુરાવા હાજર છે જે જણાવે છે કે તે હિન્દુ મંદિર હતું. ASIના સર્વેમાં હકીકત બહાર આવશે. મને ખાતરી છે કે મૂળ શિવલિંગ ત્યાં મુખ્ય ગુંબજની નીચે છુપાવી દેવામાં આવ્યું છે. આ સત્યને છુપાવવા માટે મુસ્લિમ પક્ષે વારંવાર વાંધો ઉઠાવ્યો છે. તેઓ જાણે છે કે ત્યારબાદ આ મસ્જિદ અસ્તિત્વમાં નહીં રહેશે અને ત્યાં ભવ્ય મંદિરના નિર્માણ માટે રસ્તો સાફ થઈ જશે. અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારુકે અબ્દુલ્લાએ કહ્યું કે, ભલે તે મંદિર હોય કે, મસ્જિદ. ભગવાન એક જ છે. તમે ભગવાનને કોઈ મંદિર કે, મસ્જિદમાં ગમે ત્યાં જોઈ શકો છો.