NDAમાં 400 પારના નારા વિરુદ્ધ અવાજ ઊઠ્યો, વધુ એક સાથી પક્ષે કહ્યું ‘મોટું નુકસાન કરાવ્યું’
JDU Leader KC Tyagi Attack On BJP : ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી-2024ના પ્રચાર દરમિયાન ‘અબકી બાર 400 પાર’નો નારો આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ પોતાના ભાષણમાં આનો ઉલ્લેખ કર્યો હતો. જો કે પરિણામોમાં ભાજપ (BJP) 300 પાર પણ જઈ શકી નથી, તેથી હવે તેના સાથી પક્ષો આ નારા સામે અવાજ ઉઠાવી રહ્યા છે. એક તરફ ભાજપે એનડીએના સહારે સરકાર બનાવ્યા બાદ ચૂંટણી પરીક્ષણોની સમીક્ષા શરૂ કરી દીધી છે. બીજી તરફ અન્ય પક્ષોના નેતાઓ ‘અબ કી બાર 400 પાર’ જાતભાતના નિવેદનો કરી રહ્યા છે.
વિપક્ષોએ ભાજપના 400 પારના નારાનો દુરુપયોગ કર્યો: કે.સી. ત્યાગી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ભાજપની ‘અબ કી બાર 400 પાર’ને નુકસાન થયું છે. શિંદેના નિવેદનને જેડીયુએ પણ સમર્થન આપ્યું છે. જેડીયુના નેતા કે.સી. ત્યાગીએ કહ્યું કે, ‘વિપક્ષો દળોએ આપણા દ્વારા શરૂ કરાયેલા 400 પારના નારાને બંધારણ બદલવાની બાબત સાથે જોડીને દુરુપયોગ કર્યો.’
400 પારના નારાના કારણે લોકોના મનમાં શંકા ઊભી થઈ: શિંદે
આ પહેલા એકનાથ શિંદેએ કહ્યું હતું કે, ‘આ નારાના કારણે બંધારણ બદલવાના અને અનામત હટાવવા મુદ્દે લોકોમાં શંકા ઊભી થઈ છે. તેમણે મુંબઈમાં યોજાયેલી એક બેઠકમાં કહ્યું હતું કે, ‘વિપક્ષો દ્વારા 400 પારના નારા અંગે ખોટી વાતો ફેલાવાઈ, જેના કારણે આપણે કેટલીક બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો. આ કારણે મહારાષ્ટ્રમાં પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો.’
ભાજપને મહારાષ્ટ્રમાં મોટો ફટકો
તેમણે કહ્યું હતું કે, ‘400 પારના નારાના કારણે લોકો એવું સમજ્યા કે, ભવિષ્યમાં બંધારણ બદલવાથી અને અનામત હટવા જેવા મુદ્દાઓમાં ગડબડ થઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેનાએ મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી સાત પર, ભાજપે નવ પર જીત હાંસલ કરી છે, જ્યારે બિહારમાં જેડીયુ અને ભાજપે 12-12 બેઠકો જીતી છે. જ્યારે એનડીએના સાથી પક્ષ ચિરાગ પાસવાનની લોજપા અને જીતનરામ માંઝીની પાર્ટી એક-એક બેઠકો જીતવામાં સફળ થઈ છે.
સરકાર બનાવ્યા બાદ હવે ચૂંટણી પરિણામોની સમીક્ષા
ઉલ્લેખનીય છે કે, ભગવા પાર્ટી પોતાના દમ પર સરકાર બનાવા માટે લોકસભાની ચૂંટણીમાં બહુમતીનો જાદુઈ આંક 272 સુધી પણ પહોંચી શકી નથી. જોકે ભાજપે બહુમતી મેળવનાર એનડીએના સહારે ત્રીજી વાર સરકાર બનાવી લીધી છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજ વખત સરકાર બનાવવામાં સફળ થયા છે. સરકાર બનાવ્યા બાદ હવે ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવામાં આવી રહી છે.