મોદી સામે એકલે હાથે લડવાનું એલાન તો કર્યું પછી કેજરીવાલે, દિલ્હીથી દૂર પ્લાન કેમ બદલ્યો ?
- 24ની ચૂંટણી પહેલાં જ વિપક્ષો અંદરો અંદર લડી પડશે
- હવે, વિપક્ષોને એક જૂથ કરવાની કવાયત શરૂ કરી છે, પરંતુ PM થવા કેસીઆર, નીતીશ અને મમતા મેદાનમાં છે
નવી દિલ્હી: મોદી સામે એકલે હાથે ૨૦૨૪ની ચૂંટણીમાં એલાન કરનારર કેજરીવાલે, દિલ્હીથી દૂર છેક તેલંગાણામાં તેમનો પ્લાન શા માટે બદલી નાખ્યો તે રહસ્યમય બની રહ્યું છે.
તેલંગાણામાં બુધવારે ચંદ્રશેખર રાવે યોજેલી રેલીમાં, કેજરીવાલ હાજર રહ્યા હતા. ત્યારે અન્ય કેટલાયે વિપક્ષી નેતાઓ સાથે મંત્રણાો પણ કરી હતી; અને વિપક્ષોને એક જૂથ કરવાની કવાયત શરૂ કરી દીધી હતી. આ ઉપરથી સ્પષ્ટ થઇ જાય છે કે આપે મોદી સામે એકલે હાથે લડવાની તેમની યોજના બદલી નાખી છે.
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી નીતીશકુમાર પણ તેમનાં નેતૃત્વ નીચે વિપક્ષી એકતા સ્થાપવાના પ્રયત્નો કરી રહ્યા છે. તો બીજી તરફ પોતાની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિનું નામ બદલી 'ભારત રાષ્ટ્ર સમિતિ' રાખી કેસીઆર પોતાની અલગ ધરી રચવામાં વ્યસ્ત છે. તેમની નજર પણ લાલ-કિલ્લા પર છે.
આ તરફ નીતીશ સાથે સંબંધો તોડી કેજરીવાલ હવે કે.ચંદ્રશેખર રાવની સાથે જોડાવા તૈયાર થયા છે. બુધવારે તેલંગાણાનાં ખમ્મીમમાં કેજરીવાલ કે.સી.આર. ઉપરાંત, કેરલના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે એક મંચ ઉપર બેઠા હતા.
આટલું જ નહીં પરંતુ, કેજરીવાલે તેને પણ શુભ સંકેત તરીકે જણાવ્યો હતો કે કેટલાયે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓ એક મંચ ઉપર આવ્યા છે.
કેજરીવાલે ૨૦૨૪માં મોદીને સત્તા ઉપરથી દૂર કરવા વિપક્ષી નેતાઓને અપીલ કરતાં વિપક્ષોથી એક જૂથતાને તેમણે આશાનું કીરણ પણ દર્શાવ્યું હતું.
તેમણે કહ્યું પહેલી જ વખત કેટલાક મુખ્યમંત્રીઓ એક સાથે આવ્યા છે, અને અખિલેશજી યાદવ જેવા નેતા પણ સાથે આવ્યા છે. બધા સાથે મળી દેશના વિકાસની ચર્ચા કરી રહ્યા છીએ. ઉપરાંત શિક્ષણ કઇ રીતે સુધરે હોસ્પિટલો કઇ રીતે સારી બને, સીંચાઈ કઈ રીતે સારી બની શકે મજૂરો અને ખેડૂતો માટે શું કરી શકીએ તેની ચર્ચા કરવા દેશના કેટલાક મુખ્યમંત્રીઓ એકઠા થયા છે. આમ કહેતાં કેજરીવાલે જણાવ્યું હતું કે પરિવર્તન માગે છે. ૧૦ વર્ષમાં દેશ બર્બાદ થઇ ગયો છે ક્યાં સુધી રાહ જોશું ? તેમને ઉખેડી નાખીએ.
કેજરીવાલનાં આ વિધાનો અંગે નિષ્ણાતો કહે છે કે વિપક્ષોમાં પણ ખરો રંગ જામ્યો છે. મમતા કહે છે મારે પીએમ થવું છે, નીતીશકુમાર પણ સર્વોચ્ચ સ્થાન ઝંખે છે. ત્યાં કેજરીવાલે કમર કસી છે. તેમાં બાકી રહ્યં હોય તેમ કેસીઆરની નજર પણ લાલ કીલ્લા ઉપર છે. ભય તો તે છે કે ચૂંટણી પહેલાં જ કે તે સમયે વિપક્ષો અંદરોઅંદર જ લડી પડશે.