ભાજપના ટેન્શનમાં વધારો, ચૂંટણી પહેલાં જ વધુ એક કદાવર નેતાએ CM પદ માટે દાવો ઠોક્યો
Rao inderjit Singh Claims CM Post: અંબાલા કેન્ટ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડનાર અનિલ વિજે તાજેતરમાં જ પોતાને સીએમ ચહેરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે જો ભાજપ હરિયાણા વિધાનસભા ચૂંટણી જીતશે તો તેઓ પાર્ટીમાં સીએમ પદ માટે દાવો રજૂ કરશે. તેણે કહ્યું કે, 'હું સૌથી સિનિયર છું અને કામનો લાંબો અનુભવ ધરાવતો છું. મારા સમર્થકો વારંવાર પૂછે છે કે આટલા સિનિયર હોવા છતાં તમને મુખ્યમંત્રી કેમ ન બનાવવામાં આવ્યા. હવે તેને જોતા હું હાઈકમાન્ડ પાસે માંગ કરીશ અને જો હું મુખ્યમંત્રી બનીશ તો હરિયાણાનો ચહેરો બદલી નાખીશ.' ચૂંટણી પહેલા અનિલ વિજે આવું નિવેદન કેમ આપ્યું તે અંગે ભાજપમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.
રાવ ઈન્દ્રજીત સિંહે પણ પોતાને સીએમ પદ માટે લાયક જાહેર કર્યા
હવે તેમના પછી કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહે પણ પોતાને સીએમ પદ માટે લાયક જાહેર કર્યા છે. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, 'મેં ક્યારેય વ્યક્તિગત રીતે સીએમ પદની માંગણી કરી નથી. પરંતુ મારા કદ, સિદ્ધિઓ અને રાજકીય પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, મને લાગે છે કે હું યોગ્ય ઉમેદવાર છું. રાવ ઈન્દ્રજીત સિંહે કહ્યું કે મારા સમર્થકો લાંબા સમયથી આ ઈચ્છતા હતા. મેં પોતે ક્યારેય આ માટે કોઈ માંગણી કરી નથી. પરંતુ મારા કદ, કામ અને સિદ્ધિઓને જોતા લાગે છે કે હું એક સક્ષમ ઉમેદવાર છુ. હું 2014થી દાવેદાર છુ.'
ભાજપ માટે આ સ્થિતિ થોડી અસહજ
રાવ ઈન્દ્રજીત સિંહે કહ્યું કે, 'જો પાર્ટી મને સીએમ પદની ઓફર કરે છે તો હું તેને કેમ નકારી શકું. હું કોઈપણ જવાબદારી નિભાવવા તૈયાર છું.' આ સ્થિતિ ભાજપ માટે થોડી અસહજ બની શકે છે. એક તરફ રાવ ઈન્દ્રજીત સિંહ પોતાને સક્ષમ માની રહ્યા છે તો બીજી તરફ અનિલ વિજ વરિષ્ઠતાના આધારે દાવો કરી ચૂક્યા છે.
ગુરુગ્રામના આ સાંસદ છે ભાજપ માટે મોટી એસેટ
રાવ ઈન્દ્રજીત સિંહ ગુરુગ્રામના સાંસદ છે, પરંતુ સમગ્ર અહિરવાલ બેલ્ટ પર તેમનો પ્રભાવ માનવામાં આવે છે. દક્ષિણ હરિયાણા કહેવાતા ગુરુગ્રામ, રેવાડી અને મહેન્દ્રગઢમાં તેમનું વર્ચસ્વ હોવાનું માનવામાં આવે છે, જ્યાંથી એક ડઝન બેઠકો આવે છે. પાર્ટીએ આ બેઠકોની કમાન પણ રાવ ઈન્દ્રજીત સિંહને આપી છે અને તેમનું કદ ઘણું વધી ગયું છે. આવી સ્થિતિમાં રાવ ઈન્દ્રજીત સિંહને ભાજપ માટે મોટી એસેટ માની શકાય છે કારણ કે તેમની પાસેથી માત્ર જાટ બેલ્ટમાં થયેલા નુકસાનની ભરપાઈની અપેક્ષા રાખવામાં આવે છે.