દિલ્હીની સાત સીટ પર ભાજપને હંફાવવા AAPનો પ્લાન, કેજરીવાલે કહ્યું કે આ પહેલા થવું જોઈતું હતું
જો કે હાલ કોંગ્રેસ આ ઓફર અંગે કંઈપણ કહેવાનું ટાળી રહી છે
હાલમાં દિલ્હીની તમામ સાત બેઠકો પર ભાજપના સાંસદો
AAP-Congress alliance in Delhi: લોકસભાની ચૂંટણી માટે ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ અઠવાડિયામાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. આ વચ્ચે દિલ્હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીને લઈને સમજૂતી થઈ છે.
અગાઉ કેજરીવાલે નારાજગી વ્યક્ત કરી હતી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર વાતચીત અંતિમ તબક્કામાં ચાલી રહી હતી. આજે બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને લઈને સમજૂતી થઈ છે, જેમાં દિલ્હીમાં લોકસભાની સાત બેઠકોમાંથી AAP 4 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસે 3 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી શકે છે. નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘણી વખત કોંગ્રેસ સાથે સીટ વહેંચણીમાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે "આ કામ ઘણું પહેલા થઈ જવું જોઈતું હતું"
હાલમાં દિલ્હીમાં તમામ સાંસદો ભાજપના છે
બંને પક્ષો ગઠબંધન હેઠળ દિલ્હીમાં ચૂંટણી લડવા સંમત થયા હોય તેવું લાગે છે. જો કે હાલ કોંગ્રેસ આ ઓફર અંગે કંઈપણ કહેવાનું ટાળી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આમ આદમી પાર્ટી દક્ષિણ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હી, નવી દિલ્હી અને પશ્ચિમ દિલ્હીની બેઠકો પર ચૂંટણી લડી શકે છે. બાકીની ત્રણ સીટો નોર્થ ઈસ્ટ, ચાંદની ચોક અને ઈસ્ટ દિલ્હી કોંગ્રેસને મળી શકે છે. હાલમાં દિલ્હીની તમામ સાત બેઠકો પર ભાજપના સાંસદો છે.
3 રાજ્યો માટે ડીલ ફાઈનલ
આ ઉપરાંત અન્ય બે રાજ્યોમાં પણ AAP અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણી નક્કી કરવામાં આવી છે. વહેંચણીની જે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે તે મુજબ AAP દિલ્હીમાં 4 સીટો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસને ત્રણ સીટો આપવામાં આવશે. જ્યારે હરિયાણામાં કોંગ્રેસ એક સીટ આમ આદમી પાર્ટીને અને 2 સીટ ગુજરાતમાં આપશે. આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.