એરલાઇન્સ બાદ હવે CRPFની શાળાઓમાં બોમ્બની ધમકીથી હડકંપ, સુરક્ષા એજન્સીઓ થઈ ઍલર્ટ
Bomb Threat In CRPF Schools: દેશમાં CRPF દ્વારા સંચાલિત ઘણી શાળાઓમાં બોમ્બની ધમકી મળી રહી છે. ધમકી મળી ત્યારથી જ પોલીસ ફોર્સ ઍલર્ટ છે અને મળેલી તમામ ધમકીઓની તપાસ કરી રહી છે. જે શાળાઓને ધમકી મળી, તેમાંથી બે દિલ્હી અને એક હૈદરાબાદની શાળા છે. નોંધનીય છે કે, દેશમાં હાલ ઘણી એરલાઇન્સને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળી રહી છે. જેને લઈને એરલાઇન્સને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઈમેલ દ્વારા શાળાના સંચાલકોને મળી ધમકી
પોલીસે જણાવ્યું કે, ઈમેલ દ્વારા શાળાના સંચાલકોને બોમ્બની ધમકીઓ આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આ ધમકીઓ દિલ્હીના રોહિણી સ્થિત CRPF શાળાની દીવાલની પાસે થયેલાં બોમ્બ વિસ્ફોટના એક દિવસ બાદથી મળી રહી છે. આ બોમ્બ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આસપાસની દુકાન અને વાહનોના કાચ તૂટી ગયા હતા. પોલીસ આ બોમ્બ ધમકીઓની તપાસ કરી રહી છે.
ખાલિસ્તાન એંગલથી પોલીસની તપાસ
દિલ્હીની CRPF શાળાની પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં દિલ્હી પોલીસ ખાલિસ્તાન એંગલથી તપાસ કરી રહી છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, CRPF શાળા પાસે થયેલો બોમ્બ ધમાકો ભારતીય એજન્ટ્સ દ્વારા ખાલિસ્તાન સમર્થકોને નિશાનો બનાવવાના જવાબમાં કરવામાં આવ્યો છે. પોલીસને સીસીટીવી કેમેરાની તપાસમાં એક શંકાસ્પદ વ્યક્તિ પણ જોવા મળી, જેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.