Get The App

સીએએના 4 વર્ષ બાદ નિયમો આવ્યા, અમલ શરૂ

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
સીએએના 4 વર્ષ બાદ નિયમો આવ્યા, અમલ શરૂ 1 - image


- 2019માં સીએએ બિલ સંસદમાં પસાર થયું હતું, હવે કેન્દ્રનું નોટિફિકેશન જાહેર

- પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી સહિત તમામ બિનમુસ્લિમોને સરળતાથી ભારતીય નાગરિકતા મળી રહેશે

- બાંગ્લાદેશી હિન્દુઓને આસામની નાગરિતા મળશે તો અમારા અધિકારો છીનવાઇ જશે : આસામમાં વિરોધ શરૂ 

- નાગરિકતા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે, અરજદારો પાસેથી કોઇ દસ્તાવેજો નહીં માગવામાં આવે

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં સીએએ એટલે કે નાગરિક સુધારા કાયદો ૨૦૧૯નો અમલ કરી દેવામાં આવ્યો છે. સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા સીએએના અમલની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે હવેથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના બિનમુસ્લિમ નાગરિકો જેમ કે હિન્દુઓ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ વગેરેને ભારતની નાગરિકતા સરળતાથી મળી રહેશે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તેના થોડા જ દિવસ પહેલા સીએએના અમલના નિયમોને બહાર પાડી દેવામાં આવ્યા છે. 

વર્ષ ૨૦૧૯માં સંસદમાં નાગરિકતા કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો, તે સમયે સમગ્ર દેશમાં તેનો ઉગ્ર વિરોધ થયો હતો અને કેટલાક લોકો માર્યા ગયા હતા. સીએએ લાવવામાં આવ્યો ત્યારે એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન)નો અમલ કરવાની વાત સંસદમાં કરવામાં આવી હતી. જેને કારણે મુસ્લિમો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરાયો હતો. આ ઉપરાંત આસામમાં પણ ભારે વિરોધ થયો હતો. જોકે બાદમાં સરકારે એનઆરસીનો અમલ નહીં થાય તેવી સ્પષ્ટતા કરી હતી. અને માત્ર સીએએનો જ અમલ કરવાની વાત કરી હતી. જોકે હવે ચાર વર્ષ બાદ કેન્દ્ર સરકાર દ્વારા સીએએ માટે નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ સાથે જ દિલ્હીમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.  

સુધારેલા કાયદા મુજબ વર્ષ ૨૦૧૪ના અંત સુધીમાં ભારતમાં વસતા ત્રણ દેશના બિન મુસ્લિમોને નાગરિકતા આપવામાં આવશે. જે માટેના નિયમો અને પ્રક્રિયાને વધુ સરળ બનાવી દેવામાં આવ્યા છે. સરકારે નિયમોની સાથે નાગરિકતા માટે અરજી કરવા માટેના ફોર્મ પણ જાહેર કર્યા છે. જેમાં અરજી કરનારા સામે કોઇ આપરાધિક કેસ છે કે કેમ, તેમના પરિવારમાંથી કોઇ ભારતમાં રહે છે કે નહીં વગેરે માહિતી પણ માગવામાં આવી છે. સમગ્ર અરજી પ્રક્રિયા ઓનલાઇન રહેશે, અરજદારોએ તેઓ ભારત ક્યારે આવ્યા તેની માહિતી પણ આપવાની રહેશે. પાસપોર્ટ કે દસ્તાવેજો ના હોય તો પણ અરજી કરી શકાશે. જે માટે ભારતમાં રહેવાનો સમયગાળો પાંચ વર્ષથી વધુ રખાયો છે. 

સીએએના અમલનો આસામમાં વિરોધ શરૂ થઇ ગયો છે. ઓલ આસામ સ્ટૂડેન્ટ્સ યૂનિયને જાહેરાત કરી છે કે તે રાજ્યભરમાં સીએએની કોપીઓ સળગાવશે. સંગઠનનો દાવો છે કે આસામમાં રહેતા બિનઆસામી નાગરિકોને રાજ્યની નાગરિકતા મળી જશે તેનાથી રાજ્યના મૂળ નાગરિકો સાથે અન્યાય થશે. ૧૯૭૧ના યુદ્ધ પછી બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં હિન્દુઓ આસામમાં આવીને વસ્યા છે. તેઓને સીએએ હેઠળ નાગરિકતા આપવામાં આવશે. જેનો સ્થાનિક આસામના નાગરિકો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. આસામમાં અગાઉ સીએએનો હિંસક વિરોધ થઇ ચુક્યો છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આસામ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી છે. આસામના એક્ટિવિસ્ટ અખિલ ગોગોઇએ શાંતિપૂર્વક રીતે વિરોધ પ્રદર્શનો શરૂ કરવા આસામના નાગરિકોને અપીલ કરી હતી. જોકે હાલ હિંસા કે ઉગ્ર વિરોધ પ્રદર્શનની કોઇ ઘટના સામે નથી આવી. અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ સીએએનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે રાજ્યમાં તેનો અમલ નહીં કરવામાં આવે. તેથી કેન્દ્ર દ્વારા હાલ બહાર પાડવામાં આવેલા સીએએના નોટિફિકેશનને લઇને ફરી વિવાદ શરૂ થવાની પણ શક્યતાઓ છે.

મમતા સહિત વિપક્ષ મેદાનમાં, જામિયા કેમ્પસમાં સીએએ સામે વિરોધ પ્રદર્શન

સીએેએનો અમલ શરૂ થતા જ તેનો વિરોધ શરૂ થઇ ગયો છે. આસામ બાદ દિલ્હીમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી કેમ્પસમાં મુસ્લિમ સ્ટૂડન્ટ ફેડરેશનના વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હી પોલીસ અને મોદી સરકાર સામે સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. એનએસયુઆઇ દ્વારા પણ વિરોધ કરાયો હતો. યુનિ.ના વીસી ઇકબાલ હુસૈને કહ્યું હતું કે કેમ્પસ કે તેની આસપાસ કોઇ પણ વિદ્યાર્થીના વિરોધ પ્રદર્શનને અનુમતી નહીં આપવામાં આવે. જ્યારે વરીષ્ઠ પોલીસ અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે જામિયા કેમ્પસની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

આસામ, બંગાળમાં હજુસુધી અધિકારીને સત્તા નથી ફાળવાઇ : 9 રાજ્યોને સત્તા

કેન્દ્રીય ગૃહ બાબતોના મંત્રાલયના ૨૦૨૧-૨૦૨૨ના રિપોર્ટ અનુસાર ૧ એપ્રીલ, ૨૦૨૧થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧  દરમિયાન આ ત્રણ દેશોના ૧૪૧૪ બિનમુસ્લિમોને નાગરિકતા કાયદો ૧૯૫૫ હેઠળ ભારતની નાગરિકતા આપવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં નવ રાજ્યોના ૩૦ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવને નાગરિકતા આપવા માટેની સત્તા ફાળવવામાં આવી છે. જે નવ રાજ્યોમાં રજિસ્ટ્રેશન આધારિત નાગરિકતા આપવાની સત્તા મળી છે તેમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. જોકે પશ્ચિમ બંગાળ અને આસામમાં સ્થિતિ સંવેદનશિલ હોવાથી અહીંયા એક પણ જિલ્લામાં નાગરિકતા આપવા માટેની સત્તા હજુસુધી કોઇ અધિકારીને ફાળવવામાં આવી નથી. 


Google NewsGoogle News