રામ મંદિર માટે 32 વર્ષથી મીઠાઈ-ચાનો ત્યાગ, કહ્યું હવે કારસેવક નહીં રામભક્ત બની અયોધ્યા જઈશું
રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોતાં કારસેવકોમાં ભારે ઉત્સાહ
Ram Mandir News | ઘણાં વર્ષો સુધી રાહ જોયા પછી અયોધ્યામાં નવનિર્મિત ભગવાન રામમંદિરમાં આગામી 22મી જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ભગવાન રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને દેશભરના લોકોમાં અનેરો ઉત્સાહ છે. 30 વર્ષ પહેલાં અમદાવાદથી અયોધ્યામાં કાર સેવક તરીકે ગયેલા તે લોકો ઘણી મુશ્કેલીનો સામનો કર્યા પછી પહોંચ્યા હતા ત્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને કાર સેવકોમાં ઘણો ઉત્સાહ છે સાથે તેમના માટે આ દિવસ અમૃત સમાન બની રહેશે.
રામમંદિરમાં દર્શન કરતા મારું જીવન ધન્ય થઇ જશે
21 વર્ષની ઉંમરે હું કાર સેવક તરીકે અયોધ્યા જવા માટે નીકળ્યો હતો. મારી સાથે મેઘાણીનગરમાંથી 15થી વધુ કાર સેવકો હતા. દરેક દિવસ અમારા માટે નવી મુશ્કેલીઓ લાવતો હતો અને તેમાંથી અમે પસાર થતા હતા. એક અઠવાડિયું તો અમે થોડી જલેબી અને દૂધ પીને દિવસો પસાર કર્યા હતા. ડગલે પગલે અમારા જીવનું જોખમ હતું. 30 વર્ષ પહેલાં અયોધ્યામાં ભગવાનના દર્શન કરવાનો ડર લાગતો હતો પણ આજે ભવ્ય રામમંદિર તૈયાર થયું છે ત્યારે હું આવનારા દિવસોમાં પરિવાર સાથે રામલલ્લાના દર્શન કરવાની મારી ઇચ્છા પૂરી કરીશ. - બિપીન પટેલ
ઝાંસીની જેલમાં મને એક અઠવાડિયું પૂરી રાખ્યો હતો
હું 1990-92માં કારસેવકની સેવામાં અયોધ્યા ગયો છું. અયોધ્યામાં રામ મંદિર બને તે માટે આવેલી વિકટ સ્થિતિમાં પણ જીવના જોખમે ગભરાયા સિવાય સેવા આપી હતી. 1990-92માં કાર સેવક તરીકે અયોધ્યા હતો ત્યારે મારી ધરપકડ કરીને ઝાંસીની જેલમાં એક અઠવાડિયું માટે પૂરી દીધો હતો. વર્ષો પહેલાંના 10દિવસ 10 વર્ષ કરતા વધારે મુશ્કેલી ભર્યા હતા અને ત્યારે મનોમન સંકલ્પ કરેલો કે અયોધ્યામાં જ્યારે ભગવાન રામનું મંદિર બનશે ત્યારે દર્શન કરવા માટે આવીશ અને એ સમય આવી ગયો છે. આમંત્રણ મળશે તો જવાનું છે નહીં તો પછીના દિવસોમાં અમે પરિવાર સાથે ભગવાનના દર્શન કરવા જવાના છીએ. - પ્રકાશ રાવલ
અમે અલ્હાબાદથી અયોધ્યા સુધી ચાલતા ગયા હતા
1990-91માં અમે ટ્રેનમાં બેસીને કાર સેવક તરીકે અયોધ્યા જવા માટે નીકળ્યા હતા પણ મારા પરિવારને ખબર ન હતી. મધ્યપ્રદેશની બોર્ડરથી અમને સૂચનાઓ મળતી તે મુજબ અમે કાર્ય કરતા હતા. મારા જેવા પાંચ હજાર કાર સેવક ગુજરાતમાંથી આવ્યા હતા. તે સમયે અયોધ્યામાં સ્થિતિ ઘણી વિકટ હતી અને તંગીભર્યું વાતાવરણ હતું. અમારે અલ્હાબાદથી અયોધ્યા ચાલીને જવાનું હતું. અયોધ્યાથી માત્ર ત્રણ કિલોમીટર દૂર ફૂલપુર ગામે પહોંચ્યા ત્યારે દોઢસો કાર સેવક રહ્યા હતા અને તેઓએ ભગવાન રામમંદિર જઇને ભગવાનના દર્શન કર્યા હતા. આજે ભવ્ય મંદિર તૈયાર થયું છે ત્યારે અમને આમંત્રણ મળશે તો અમે ભગવાન રામલલ્લાના દર્શન કરી ધન્ય બનીશ. - વિપુલ પટેલ
રામલલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ મારા માટે ગૌરવભર્યો દિન
અયોધ્યામાં કાર સેવક તરીકે ગયો હતો પણ ડગલે-પગલે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ભગવાન રામનું ભવ્ય મંદિર તૈયાર થઈ રહ્યું છે તેની ઘણી ખુશી છે સાથે ભગવાન રામના દર્શન કરીને મારા જીવનની અંતિમ ઇચ્છા પૂરી કરીશ. જ્યારે જ્યારે અયોધ્યા ગયો છું ત્યારે ઘરે પાછો આવીશ કે નહીં તેની ચિંતા સતાવતી હતી. મધ્યપ્રદેશની બોર્ડર પર કાર સેવકોની ધરપકડ થઇ હતી, જેમાં હું પણ હતો. આગામી દિવસોમાં ભગવાન રામમંદિરમાં બિરાજશે ત્યારે તે દ્રશ્ય મારા જીવનમાં અમૃતકાળ સમાન બની રહેશે. હવે કાર સેવક તરીકે નહીં પણ ભગવાન રામના સેવક બનીને દર્શન કરવાના માટે જઇશું. - છગન રાઠોડ
રામમંદિર માટે 32 વર્ષથી આઇસક્રીમ અને ગુલાબજાંબુનો ત્યાગ કર્યો
મેં અયોધ્યામાં બે કારસેવા કરી છે. મારી સાથે વડોદરાના સેંકડો રામભક્તો કારસેવમાં જોડાયા હતા. ત્યાં અમારા ઉપર ગુજારવામાં આવેલા અત્યાચાર પછી મે પાણીગ્રહણ કર્યું હતું કે જ્યાં સુધી રામ મંદિરનું નિર્માણ નહીં થાય ત્યા સુધી મને ગમતી વાનગીઓ ગુલાબજાંબુ અને આઇસક્રીમ નહીં ખાઉ.' આ શબ્દો છે વડોદરાના વકીલ નિરજ જૈનના. મારો ધર્મ જૈન છે પણ ભગવાન રામમાં મને ખૂબ આસ્થા છે. 1990માં પ્રથમ વખત કાર સેવા થઇ ત્યારે વડોદરાથી સેંકડોની સંખ્યામાં કાર સેવકો વીએચપીના આગેવાનો વિલાસભાઇ સેન્ડે અને જનકભાઇ ઠક્કરની આગેવાનીમાં અયોધ્યા પહોંચ્યા હતા. મારી સાથે એમ.એસ.યુનિવર્સિટીના પ્રોફેસર ગોપાલ ભાટી અને વેપારી નાગાર્જુન ચતુર્વેદી પણ હતા.
3 મિત્રો બાધા છોડશે
30 ઓક્ટોબર 1990ના રોજ દેશભરમાંથી આવેલા હજારો કાર સેવકો કહેવાતા બાબરી ઢાંચા પરિસરમાં ઘુસ્યા અને તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે ફાયરિંગનો આદેશ આપી દીધા ત્યારે એટલા કાર સેવકોની હત્યા થઇ કે સરયૂ નદીના પાણી લાલ થઇ ગયા હતા. આ દ્રશ્ય જોઇને મેં ત્યારે જ મારી ગમતી વાનગી ગુલાબજાંબુનો ત્યાગ કર્યો અને પાણી ગ્રહણ કર્યુ કે જ્યા સુધી મંદિર નહી બને ત્યા સુધી ગુલાબજાંબુ નહી ખાઉં. તો ગોપાલ ભાટીએ મીઠાઇ અને નાગાર્જુને ચાનો ત્યાગ કર્યો હતો. જે બાદ 6 ડિસેમ્બર 1992 ના રોજ કાર સેવકો અયોધ્યા પહોંચ્યા જેમાં અમે પણ સામેલ હતા અને તે દિવસે ઇતિહાસ સર્જાઇ ગયો. બાબરી ઢાંચો તોડી પડાયો. તે સમયે પણ મંદિરનું નિર્માણ ના થાય ત્યા સુધી આઇસક્રીમ નહીં ખાવા પ્રણ લીધા. હવે જ્યારે રામ મંદિરનું નિર્માણ થઇ ગયુ છે અને પ્રભુ શ્રી રામ અયોધ્યામાં આવી રહ્યા છે ત્યારે રામ મંદિરમાં પ્રસાદ ધરાવ્યા બાદ ત્રણ મિત્રો બાધા છોડીશું.