2009માં 10 કલાક સુધી ચાલી હતી મનમોહન સિંહની હાર્ટ સર્જરી, ઉઠતાંવેંત દેશ અને કાશ્મીર પર પૂછ્યો હતો સવાલ
Dr. Manmohan singh : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગઈ કાલે 26 ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. વર્ષ 2009માં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને લઈને દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ(AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. એ સમયે તેમની લગભગ 10થી 12 કલાક લાંબી કોરોનરી બાયપાસ હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. આ સાથે જોડાયેલી એક ઘટના ખૂબ રસપ્રદ છે. મનમોહન સિંહની સારવાર કરનારા સિનિયર કાર્ડિયાક સર્જન ડૉ. રમાકાંત પાંડાએ ઇન્ટરવ્યૂ દરમિયાન પૂર્વ પીએમ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો કહી હતી.
સર્જરી પછી ડૉ. મનમોહન સિંહે તરત જ કર્યો આ સવાલ?
ડૉ. રમાકાંત પાંડાએ જણાવ્યું હતું કે આટલી લાંબી સર્જરી થયા પછી જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેમણે પહેલો પ્રશ્ન પોતાના સ્વાસ્થ્ય વિશે પૂછ્યો ન હતો. હકીકતમાં તેમનો પહેલો પ્રશ્ન દેશ અને કાશ્મીરને સંબંધિત કર્યો હતો. ડૉ. રમાકાંતે કહ્યું, 'જ્યારે અમે તેમની હાર્ટ સર્જરી પૂરી કરી અને રાત્રે અમે શ્વાસ લેવાની નળી કાઢી નાખી જેથી કરીને તેઓ વાત કરી શકે, ત્યારે તેમણે મને સૌથી પહેલું પૂછ્યું કે, મારો દેશ કેવો છે? કાશ્મીર કેવું છે?
મને સર્જરીની નહીં પરંતુ દેશની ચિંતા વધુ છે
ત્યારે મેં તેમને કહ્યું હતું કે, 'તમે મને તમારી સર્જરી વિશે કશું પૂછ્યું નહીં.' આના પર મનમોહન સિંહે કહ્યું કે, 'હું જાણતો હતો કે હું ઠીક થઈ જઈશ. મને સર્જરીની ચિંતા નથી. મને મારા દેશની ચિંતા વધુ છે.' ડૉ. રમાકાંત પાંડાએ વધુમાં કહ્યું હતું કે, 'તેઓ એક મહાન, વિનમ્ર અને દેશભક્ત વ્યક્તિ હતા. તેઓ મારા આદર્શ હતા.' ડૉ. રમાકાંતના કહેવા પ્રમાણે 'આવી સર્જરીઓ પછી દર્દીઓને ઘણીવાર છાતીમાં દુખાવાની ફરિયાદ રહે છે. પરંતુ તેમણે ક્યારેય કંઈપણ પૂછ્યું કે ફરિયાદ કરી હતી નહીં. આ એક મજબૂત વ્યક્તિની નિશાની હતી. દરેક વખતે જયારે તેઓ ચેકઅપ માટે આવતા હતા ત્યારે અમે તેમને લેવા માટે હૉસ્પિટલના ગેટ પર જતા હતા. પરંતુ તેઓ હંમેશા અમને આવું કરવાની ના પડતા હતા.'
બે વખત દેશના વડાપ્રધાન રહ્યા હતા ડૉ. મનમોહન સિંહ
'ભારતના આર્થિક સુધારાના આર્કિટેક્ટ' તરીકે જાણીતા મનમોહન સિંહે વર્ષ 2004થી 2014 સુધી કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારમાં બે વખત દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેમના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.