Get The App

ઉત્તરાખંડમાં વનીકરણ ભંડોળમાંથી આઈફોન, લેપટોપ ખરીદાયા: CAG રિપોર્ટમાં ખુલાસો

Updated: Feb 23rd, 2025


Google NewsGoogle News
afforestation


Uttarakhand Misuse of Afforestation Fund: જનતાના રૂપિયાનો સરકારી તંત્ર દ્વારા દુરુપયોગ થવો, એ હવે ભારતમાં કોઈ નવાઈની વાત નથી રહી. તાજેતરમાં પણ આવો એક દુરુપયોગ સામે આવ્યો છે. ઉત્તરાખંડમાં વનીકરણ માટે નિશ્ચિત કરાયેલા ભંડોળમાંથી રાજ્યના વન વિભાગે પોતાના અંગત વપરાશ હેતુ વિવિધ ચીજવસ્તુઓ ખરીદી લીધી હોવાનું જાણવા મળ્યું છે! આ હકીકતનો ખુલાસો ભારતના ‘કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ’ (CAG) દ્વારા હાથ ધરવામાં આવેલા ઑડિટમાં થયો છે.

શું છે મામલો?

‘દેવભૂમિ’ કહેવાતું ઉત્તરાખંડ રાજ્ય ત્યાંના પર્યાવરણ અને ખુશનુમા આબોહવાને લીધે જાણીતું છે. કુદરતે આ પર્વતાળ રાજ્યને લખલૂંટ કુદરતી સૌંદર્યની લહાણી કરી છે. જોકે, છેલ્લા થોડા વર્ષોમાં વિકાસના નામે આ રાજ્યની કુદરતી સંપદાઓનો કચ્ચરઘાણ કાઢવામાં આવી રહ્યો છે. તાજેતરમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજ્યના વન વિભાગે વનીકરણ માટે ફાળવાયેલા ભંડોળનો ઉપયોગ અસંબંધિત ચીજવસ્તુઓ ખરીદવા માટે કર્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે આઈફોન, લેપટોપ, રેફ્રિજરેટર્સ અને કૂલર ખરીદવામાં આવ્યા હતા. ઉપરાંત, વન વિભાગની ઈમારતોના રિનોવેશનમાં અને કાનૂની ફીની ચૂકવણીમાં પણ વનીકરણ માટેનું ભંડોળ નિયમોનો ભંગ કરીને વાપરવામાં આવ્યું હતું. 

શું કહે છે CAG ની અહેવાલ?

‘કોમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ’ (CAG) દ્વારા હાથ ધરવામાં આવેલા ઑડિટમાં આ સત્ય સામે આવ્યું છે. અહેવાલમાં વર્ષ 2019થી 2022 સુધીની ‘કોમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી’ (CAMPA) ની કામગીરીને આવરી લેવામાં આવી છે. અહેવાલ ગુરુવારે વિધાનસભામાં સબમિટ કરવામાં આવ્યો હતો.

કરોડો રૂપિયાનો ગેરવહીવટ થયો

CAGના અહેવાલ મુજબ, કુલ 13.86 કરોડ રૂપિયા વનીકરણ પર ખર્ચવાને બદલે ભળતી જ પ્રવૃત્તિઓમાં વેડફવામાં આવ્યા હતા. જોકે, અહેવાલમાં આ ખર્ચાઓનું વિગતવાર વિવરણ આપવામાં આવ્યું નથી.

CAMPA આ કામ કરે છે

CAMPA કેન્દ્રિય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ આવે છે. CAMPA નું કામ જંગલની જમીનને બિન-જંગલ હેતુઓ માટે રૂપાંતરિત કરનાર વિકાસકર્તાઓ પાસેથી એકત્રિત ભંડોળનું સંચાલન કરવાનું છે. જંગલની જેટલી જમીન રૂપાંતરિત થઈ હોય એટલી જમીનમાં બીજે કશે વનીકરણ કરવાની જવાબદારી CAMPA ની હોય છે.

આ પણ વાંચોઃ વર્ક રિપોર્ટ આપો નહીંતર ઘરભેગા થાઓ: અમેરિકામાં હજારો સરકારી કર્મચારીઓને ઈલોન મસ્કનો આદેશ

વનીકરણની સફળતાનો દર ઓછો

CAGના અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે નવી જગ્યાએ જે વનીકરણ કરવામાં આવે છે એના વૃક્ષોનો ટકી જવાનો દર ખાસ્સો નીચો છે. વૃક્ષોની બચવાની સરેરાશ ટકાવારી ફક્ત 33.51 % જ છે. એનો અર્થ એ કે જેટલા નવા વૃક્ષો રોપાય છે એમાંના ફક્ત ત્રીજા ભાગના વૃક્ષો જ ટકી જાય છે અને વિકસીને મોટા થાય છે. ઉત્તરાખંડના પાટનગર દેહરાદૂનમાં આવેલ ‘ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ (FRI) દ્વારા નિશ્ચિત કરાયું છે કે વનીકરણની સફળતાનો દર 60 થી 65 % હોવો જોઈએ. 33.51 % એટલે અપેક્ષિત દર કરતાં અડધો જ થયો! મતલબ કે પર્યાવરણને સીધો પચાસ ટકા ફટકો પડી રહ્યો છે!

જરૂરી મંજૂરીઓ વિના જ જંગલો કાપી નંખાયા!

અહેવાલમાં લખ્યું છે કે, રાજ્યભરમાં 188.62 હેક્ટર જંગલ સફાચટ કરીને રસ્તા બનાવાયા છે. આવા કામ માટે ‘ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ’ હેઠળ કેન્દ્ર સરકારની પરવાનગી જરૂરી હોય છે, જે ઉત્તરાખંડમાં લેવામાં આવી નથી! જરૂરી મંજૂરીઓ વિના જ જંગલો કાપીને રસ્તા બનાવી દેવાયા છે. આઘાતજનક વાત એ છે કે, વન વિભાગે પણ જંગલની જમીનના આવા અનધિકૃત ઉપયોગ સામે કોઈ જ પગલાં લીધા નથી, અને તેને વન-ગુનામાં ગણ્યા નથી. ઉત્તરાખંડમાં ભાજપા સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપા જ છે, એટલે કોઈને આવી પરવાનગીઓ લેવાની કે પછી ગુનાઓ નોંધવાની જરૂર નહીં લાગી હોય, એવું લાગે છે.

વનીકરણની મંજૂરીમાં વિલંબ, કરોડોની ખોટ

CAGના અહેવાલમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે કેટલાક કિસ્સાઓમાં વળતરકારી વનીકરણ માટેની અંતિમ મંજૂરી મળ્યા પછી તેનો અમલ કરવામાં આઠ વર્ષ કરતાં વધુ સમય લાગ્યો છે. આ વિલંબને કારણે વનીકરણના ખર્ચમાં 11.54 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

જવાબદારી CAMPA પર નાખીને રાજ્ય સરકાર સરકી

અહેવાલમાં જણાવાયું છે કે ઉત્તરાખંડની રાજ્ય સરકારે ‘માટી અને જળ સંરક્ષણ’, ‘ઘાસના મેદાનોની જાળવણી’, તથા ‘વન વિભાગની ઈમારતોના બાંધકામ અને નવીનીકરણ’ જેવી વિવિધ વનસંવર્ધન પ્રવૃત્તિઓમાંથી હાથ ખંખેરીને એ બધી જવાબદારી CAMPA ને સોંપી દીધી છે. જેને પરિણામે, વર્ષ 2019 થી 2022 દરમિયાન રાજ્યની યોજનાઓ પરનો ખર્ચ તો 16.81 % ઘટ્યો હતો, પણ એની સામે CAMPA ના ખર્ચમાં 379.63 % નો તોતિંગ વધારો થઈ ગયો હતો.

ભ્રષ્ટાચારની ગંધ?

CAGના અહેવાલમાં એમ પણ દર્શાવવામાં આવ્યું છે કે, CAMPA ના CEOએ જુલાઈ 2020 માં વન વિભાગના મુખ્ય સચિવના નિર્દેશ પર ફોરેસ્ટ ફોર્સના વડાની મંજૂરી વિના જ વન વિભાગો અને વિવિધ અમલીકરણ એજન્સીઓને ભંડોળ ફાળવી દીધું હતું. નિયમોની ઐસીતૈસી કરીને છૂટે હાથે વહેંચાયેલા ભંડોળને લીધે આ સમગ્ર મામલામાં વ્યવસ્થિત ભ્રષ્ટાચાર થયાની ગંધ આવી રહી છે.

CAG નું સૂચન અને સરકારી આશ્વાસન

આ મુદ્દે CAG દ્વારા ભલામણ કરવામાં આવી છે કે રાજ્ય સરકારે વનીકરણ માટે ફાળવાયેલા ભંડોળના દુરુપયોગને રોકવા માટે યોગ્ય અંદાજપત્રીય નિયંત્રણ પગલાં અમલમાં મૂકવા જોઈએ. સમગ્ર મામલો જાહેર થયા બાદ ઉત્તરાખંડના વન-મંત્રી સુબોધ ઉન્યાલે કહ્યું છે કે, ‘કેગના અહેવાલમાં ભંડોળના ડાયવર્ઝન જેવા કેટલાક મુદ્દાઓ ઊભા થયા છે. મેં વન વિભાગના મુખ્ય સચિવને આ બાબતની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.’

તપાસ થાય ત્યારે સાચી!

ઉત્તરાખંડમાં વનીકરણ ભંડોળમાંથી આઈફોન, લેપટોપ ખરીદાયા: CAG રિપોર્ટમાં ખુલાસો 2 - image


Google NewsGoogle News