જેલમાં સજા કાપી રહેલા ખુંખાર આતંકીનું સોગંધનામું, હવે હું ગાંધીવાદી બની ગયો છું
શસ્ત્ર વિરોધ પ્રદર્શનનો ત્યાગ કરીને પોતાને ગાંધીવાદી ગણાવ્યો
મલિકના સંગઠન જેકેએલએફ વાઇ પર 5 વર્ષનો પ્રતિબંધ મુકાયો છે
નવી દિલ્હી,૫ ઓકટોબર,૨૦૨૪,શનિવાર
જમ્મુ અને કાશ્મીરમાં લિબરેશન ફ્રન્ટ યાસીન (જેકેએલએફ-વાઇ)ના અધ્યક્ષ યાસીન મલિકે યુએપીએ કોર્ટમાં એક સોગંધનામું દાખલ કર્યુ છે જેમાં પોતાને શસ્ત્ર વિરોધ પ્રદર્શનનો ત્યાગ કરીને પોતાને ગાંધીવાદી ગણાવ્યો છે. 1994માં હથિયાર અને હિંસા છોડી દીધી હતી અને હવે ગાંધીવાદી બની ગયો છું. યાસીન મલિક ટેરર ફંડિગ બાબતે દિલ્હીની તિહાર જેલમાં આજીવન સજા કાપી રહયો છે.
યાસિન મલિકના સંગઠન જેકેએલએફ વાઇ પર 5 વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. યાસીન તરફથી સોગંદનામું ગત મહિને કોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર રજૂ કરવામાં આવ્યું હતું જે રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. રાજપત્રમાં જણાવાયું છે કે ગેર કાનુની ગતિવિધિ અધિનિયમ 1967 હેઠળ જેકેલએલએફ -વાઇ ને છેલ્લા પાંચ વર્ષો માટે ગેરકાનુની સંગઠન જાહેર કરવાના નિર્ણયને જાળવી રાખવામાં આવે છે.
યાસીન મલિકે 1988માં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ એટલે કે જેકેએલએફ -વાયની રચના કરી હતી. આ સંગઠને 1990માં શ્રીનગરના રાવલપુરામાં ભારતીય વાયુસેનાના ચાર કર્મચારીઓની કરપીણ હત્યા કરી હતી. આ ઘટનામાં સાક્ષીઓના જણાવ્યા મુજબ યાસીન મુખ્ય અપરાધી હતો. ખટલો ચાલતા એનઆઇએ ટેરર ફંડિગના મામલામાં યાસીનને જેલમાં પુરવામાં આવ્યો હતો. મે 2022માં તેને આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી.