કેનેડામાં વસતા કે જનારા ભારતીયોને 'એડવાઈઝરી' સતત સાવધાન રહેજો : કેટલાક વિસ્તારોમાં જતા નહીં

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
કેનેડામાં વસતા કે જનારા ભારતીયોને 'એડવાઈઝરી' સતત સાવધાન રહેજો : કેટલાક વિસ્તારોમાં જતા નહીં 1 - image


- એ વિસ્તારો કે જ્યાં સરળતાથી તમો 'નિશાન' બની શકો ત્યાં જવું નહીં, જરૂર પડે આપણા હાઈકમિશન કે કોનસ્યુલેટનો સંપર્ક સાધવો

નવી દિલ્હી : જો તમો કેનેડામાં રહેતા હો કે જવાની યોજના ઘડતા હો, તો સતત સાવધાન રહેજો. એવા વિસ્તારોમાં કદી ન જતા કે જ્યાં તમોને સરળતાથી નિશાન બનાવી શકાય. ભારત સરકારે કેનેડા સ્થિત કે કેનેડા જનારા લોકો માટે આ એડવાઈઝરી (સલાહ) પ્રસિદ્ધ કરી છે. વિદેશ મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં જણાવાયું છે કે કેનેડામાં ડીપ્લોમેટસ્ અને ભારતી સમુદાયના લોકો ઉપર હુમલાઓ થવાની ઘટનાઓ બને છે. ખાસ કરીને જેમણે એન્ટી-ઈંડીયા-એજન્ડાનો વિરોધ કર્યો હતો, તેઓને તો નિશાન બનાવાય જ છે. તેથી ભારત-વંશીય લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એવા સ્થળોએ ન જતા કે જ્યાં આવી ઘટનાઓ બની છે. જોકે, આપણું હાઈકમિશન અને કોન્સ્યુલેટસ ભારત વંશીઓના સંપર્કમાં રહે જ છે. સામે તમારે પણ જરૂર પડે. તેમનો સંપર્ક સાધવો.

આ સાથે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય ડીપ્લોમેટસ અને ભારતીય સમુદાયના લોકોને, ભારતીય સમુદાયના જ એકવર્ગે (ખાલીસ્તાનવાદીઓએ) ધમકી આપી હતી. તેથી તેવા વિસ્તારમાં જવું જ નહીં કે જ્યાં આવી ગુંડાગીરીની આશંકા હોય.

આ પૂર્વે મંગળવારે કેનેડાએ તેના નાગરિકોને ભારતની યાત્રા અંગે એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરમાં ન જવા કહેવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે ત્યાં સલામતીની સ્થિતિ અનિશ્ચિત છે.

ઉલ્લેખનીય છે કે કેનેડામાં અત્યારે ૨ લાખ ૩૦ હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે. ૭ લાખ જેટલા એન.આર.આઈ. છે. ભારત અને કેનેડા વચ્ચે તંગદિલી વધી રહી છે. ત્યારે ખાલીસ્તાની સંગઠન 'શિખ્સ-ફોર-જસ્ટિસ' દ્વારા હિન્દુ સમુદાયને કેનેડા છોડવાની ધમકી અપાઈ રહી છે. આથી આશંકા વધે છે કે ભારતીય મુળના લોકોને આતંકવાદીઓ ટાર્ગેટ કરી શકે.


Google NewsGoogle News