મતદાનની ટકાવારી વધતાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યું ADR, CJIની પીઠે કહ્યું- જરૂર પડી તો આખી રાત કરીશું સુનાવણી
-મતદાનની ટકાવારી વધતાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યું ADR, CJIની પીઠે કહ્યું- જરૂર પડી તો આખી રાત કરીશું સુનાવણી
ચૂંટણી પૂર્ણ થયાના 48 કલાકની અંદર મતદાનના આંકડા ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવાની માગ કરતી એનજીઓની અરજી અંગે ખુલાસાની સાથે સર્વોચ્ચ ન્યાયાલયે અંતિમ મતદાન ટકાવારીમાં વધારા અંગે પણ ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરેલ અરજીમાં આશંકા વ્યક્ત કરી હતી કે, અંતિમ વોટિંગ ટકાવારી બદલવા માટે EVM મશીનો બદલીને ધાંધલી કરી શકાય છે તેથી કોર્ટે સંજ્ઞાન લેવું આવશ્યક છે.
આખી રાત સુનાવણી માટે બેસીશું : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટની ઉનાળાની રજાઓ સોમવારથી જ શરૂ થઈ રહી છે પરંતુ વેકેશન બેચ આ અરજી પર સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેચે ચૂંટણી પંચને 24 મે સુધીમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય કોર્ટે કહ્યું કે, જો જરૂર પડશે તો અમે આખી રાત કેસની સુનાવણી માટે બેસીશું.
ADRએ તેની અરજીમાં મતદાનની ટકાવારી અંગે આશંકા વ્યક્ત કરી છે. તેમણે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પણ શંકા વ્યક્ત કરી છે. આ સિવાય ADRએ બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવાની અપીલ કરી છે. જોકે સામે પક્ષે ચૂંટણી પંચના વકીલે ADR અરજી પર સવાલો ઉઠાવ્યા હતા.
સુપ્રીમના ECને સવાલો :
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું કે, વેબસાઈટ પર વોટિંગ ડેટા અપલોડ કરવામાં શું સમસ્યા છે ? તેના પર ચૂંટણી પંચના વકીલે કહ્યું કે, તેમાં સમય લાગે છે કારણ કે ઘણો ડેટા ભેગો કરવો પડે છે. ત્યારબાદ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, ચૂંટણી પંચને અરજીનો જવાબ આપવા માટે થોડો સમય આપવો આવશ્યક છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ જ થશે પરંતુ આ મામલે સુનાવણી 24 મેના રોજ થવાની છે.
ચૂંટણી પંચના વકીલે કહ્યું કે એડીઆરે સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા આરોપો લગાવ્યા છે. એડીઆર વતી અન્ય કોઈ નહિ પરંતુ એડવોકેટ પ્રશાંત ભૂષણ જ હાજર થયા કારણકે તેઓ કોર્ટમાં કંઈક લાવવા માગતા હતા. કોર્ટે આ અરજીના આક્ષેપોને ધ્યાન પર ન લેવા જોઈએ.
ખડગેએ પણ લખ્યો હતો પત્ર :
આ અગાઉ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ઈન્ડિયા એલાયન્સના નેતાઓને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે, અંતિમ મતદાનની ટકાવારી 5થી 6 ટકા વધી ગઈ છે. તેમણે તમામ પક્ષોને આ મુદ્દે સવાલો ઉઠાવવા કહ્યું હતું. જોકે, ચૂંટણી પંચે ખડગેના પત્ર પર જવાબ આપતા બાદમાં કહ્યું હતું કે આ માત્ર ભ્રમ ફેલાવાઈ રહ્યો છે અને નિષ્પક્ષ મતદાનને અવરોધરૂપ બની રહ્યાં છે.
સવાલ એ છે કે દર કલાકે બહાર આવતા મતદાનના આંકડા બાદ છેલ્લા એકાદ કલાકની વોટિંગના આંકડામાં ભારે ઉછાળો આવે અને સામાન્ય સરેરાશ વોટિંગની સરખામણીએ અંતિમ વોટિંગ ટકાવારીમાં 5-7%નો મોટો ફેર જોવા મળી રહ્યો છે. મતદાન ટકાવારીમાં આટલો મસમોટો ઉછાળો બોગસ વોટિંગ, ઈવીએમ મશીનોમાં ધાંધલી, વધારાના મશીનોનો ઉમેરો સહિતની અનેક શંકા-કુશંકા વિરોધ પક્ષના નેતાઓમાં ઉપજાવે છે.