ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા મુદ્દે આદિત્યનાથે વિરોધીઓને 'ચેકમેટ' કર્યા
- દુકાનો - લારીઓ પર 'નામના પાટિયા'નો યોગીનો આક્રમક દાવ
- લોકસભાના પરિણામો બાદ મુખ્યમંત્રી બદલવાનો મોરચો ખોલનારા પ્રદેશ- રાષ્ટ્રીય નેતાઓનો પનો યોગી સામે હાલ પૂરતો ટૂંકો પડયો
નવી દિલ્હી : મહાદેવ ભગવાનની પૂજા માટે શરૂ થનારી કાવડ યાત્રા અત્યારે દેશના રાજકારણમાં ચર્ચાતો સૌથી મોટો મુદ્દો છે. કાવડ યાત્રાના માર્ગ ઉપર હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, લારી- ગલ્લાના માલિકોએ પોતાનું નામ યાત્રિકોને વંચાય તે રીતે પ્રદર્શિત કરવાનો હુકમ થયો છે. મુઝફ્ફરનગર જિલ્લા પ્રશાસન અને પછી ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ હુકમનો ફરજીયાત અમલ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી એન.ડી.એ.ના સાથી પક્ષો જનતા દળ (યુ), રાષ્ટ્રીય લોકદળ અને લોક જનશક્તિ પાર્ટીએ વિરોધ કર્યો છે. ખુદ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ આ આદેશ 'અસ્પૃશ્યતાનો રોગચાળો' ફેલાવનાર ગણાવ્યો હતો.
હિન્દુઓ શ્રાવણ મહિનામાં ગંગાજળ એકત્ર કરી વિવિધ મહાદેવના મંદિર સુધી લઈ જાય છે. માત્ર ઉત્તર પ્રદેશ નહીં પણ બિહારના સેંકડો લોકો પણ આ કાવડ યાત્રામાં ભાગ લેવા આવે છે. જો કે, ૧૯૮૦ સુધી માત્ર સાધુ- સંતો સુધી સિમિત આ યાત્રામાંહવે ૧૦થી ૧૫ લાખ લોકો જોડાય છે. લગભગ ૨૭૦ કી.મી.ના પગપાળા પ્રવાસમાં યાત્રાળુઓ વિસામો લે, અલ્પાહાર લે અને ભોજન કરે એ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. યાત્રાના રૂટ પર ભાવિકો માત્ર હિન્દુ માલિકની દુકાનેથી જ ખરીદી કરે એવા ઉદ્દેશથી માલિકોના નામનું પાટિયું મારવાનો આદેશ આપવામાં આવ્યો છે, આ આદેશથી હિન્દુ- મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય ફેલાશે જર્મનીમાં નાઝીઓએ યહૂદી પ્રજાનો જે રીતે બહિષ્કાર કરેલો એવી આ વાત છે એવી પસ્તાળ વિપક્ષો પાડી રહ્યા છે.
પરંતુ, પાટનગર લખનઉ અને રાજધાની દિલ્હી વચ્ચે સત્તાની જે લડાઈ શરૂ થઈ છે એ લડાઈમાં લખનઉ જૂથે કાવડ યાત્રાના આદેશનો દાવ ફેંક્યો હોવાનું કેટલાક રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપે ભારે નુકસાન સહન કર્યું હતું. રાજ્યમાં ભાજપનો મતનો હિસ્સો આઠ ટકા ઘટયો છે અને ૨૦૧૯ કરતા ૨૯ બેઠકો ઓછી આવી છે. આ પરિણામ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પદ ઉપરથી હટાવવા માટે ભાજપના ચોક્કસ નેતાઓ અભિયાન ચલાવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ લોકસભાના પરિણામના કારણોની સમીક્ષા કરતો અહેવાલ તૈયાર કરેલો છે. બન્ને નેતાઓએ દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠકો શરૂ કરી દીધી છે. સમીક્ષામાં ભાજપના નબળા દેખાવના છ કારણો આપવામાં આવેલા છે. સૂત્રો મારફત આ રિપોર્ટ દરેક મીડિયામાં ફરતા કરી દેવાયા છે, દરેક કારણ આદિત્યનાથ સરકાર, તેમની આક્રમકતા અને તેમના સ્થાનિક સંગઠન સાથે તાલમેલ નહી હોવાનું જણાવે છે. જો કે, યોગીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે લોકસભાની ચૂંટણીના પરિણામ માટે કેન્દ્ર સરકારની કામગીરી જવાબદાર છે, રાજ્ય સરકારનો કોઈ દોષ નથી.
વિરોધીઓનો વંટોળ અને એમની મનોકામના પામી ગયેલા યોગી આક્રમક થઈ ગયા છે. સૌથી પહેલાં તેમણે આવી રહેલી ૧૦ બેઠકોની પેટાચૂંટણી માટેની સમિતિમાંથી નાયબ મુખ્યમંત્રી મૌર્યને બાકાત રાખ્યા છે. બીજું, ગવર્નર આનંદીબેન પટેલ સાથે બેઠક કરી રાજ્યના મંત્રીમંડળમાં ફેરફારના સંકેત આપ્યા અને ત્રીજું આક્રમક હિન્દુત્વની વાત કાવડ યાત્રામાં 'નામના પાટિયા'ના આદેશ સાથે રજૂ કરી.
યોગીના ત્રીજા દાવથી કેન્દ્રની નેતાગીરી માટે સાપે છછુંદર ગાળ્યા જેવી સ્થિતિ છે. હિન્દુત્વ અને રાષ્ટ્રવાદને વરેલા ભાજપના કોઈ પણ નેતા આ નામના પાટિયા અને યાત્રિકો હિન્દુ માલિકો પાસેથી જ ખરીદી કરે એવા આદેશનો વિરોધ કરી શકે એમ નથી. ઉત્તર પ્રદેશમાં સતત બીજી વાર મુખ્યમંત્રીપદે બિરાજમાન થવાનો વિક્રમ સ્થાપનાર યોગી હિન્દુત્વવાદી છબી ધરાવે છે અને એટલે જ લોકપ્રિય છે. એમના આ આદેશથી વિરોધીઓ જમીનદોસ્ત થઈ ગયા છે.
મહત્ત્વની વાત એ પણ છે કે, આસામમાં હિમંતા બિસ્વા શર્મા, ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામી અને પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી ખુલ્લેઆમ હિન્દુત્વની વાત કરી રહ્યા છે. ધામીની સરકારમાં ઉત્તરાખંડમાં મુસ્લિમોની દુકાનેથી ખરીદી નહીં કરવી, તેમનો બહિષ્કાર કરવાનું અભિયાન ચાલે છે. શર્મા આસામમાં હિન્દુઓ ખતરામાં છે અને મુસ્લિમોની વસતી ઘટવી જોઈએ એવા નિવેદન કરે છે. અધિકારી એમ જણાવે છે કે, જે આપણી સાથે (એટલે કે ભાજપ) તેમનો જ વિકાસ થવો જોઈએ.
બધા નેતા ભાજપના છે. આસામ અને ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી અને બંગાળમાં વિરોધ પક્ષના નેતા આ વાતો કરી રહ્યા હોય ત્યારે યોગીએ હિન્દુત્વની વાત કરી બધાને પછાડી દીધા છે. યોગીના આક્રમક સ્વરૂપથી અત્યારે તો તેમની ગાદી ટકી ગઈ હોય તેમ લાગે છે.