આદિત્ય L1ને લઈને આવ્યા ખુશખબર! અવકાશમાં લગાવી પહેલી છલાંગ, ISROએ આપી મોટી અપડેટ
ઈસરોએ કહ્યું, સૂર્યયાનને 235×19500ની કક્ષામાંથી 245×22459 કિલોમીટરની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો
સૂર્યયાન 5મી સપ્ટેમ્બરે ફરી નવી ભ્રમણકક્ષા પ્રવેશ કરશે : 5 વખત ભ્રમણકક્ષા બદલાયા બાદ L1 પોઈન્ટ તરફ આગળ વધશે
નવી દિલ્હી, તા.03 સપ્ટેમ્બર-2023, રવિવાર
ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતના પીએસએલવી-સી57 રોકેટથી લોન્ચ થયેલ સૂર્યયાને પણ હરણફાળ ભરી છે... ભારતનો પ્રથમ મહત્વકાંક્ષી સૂર્ય મિશન આદિત્ય L1 ગઈકાલે જ પૃથ્વીની ભ્રમણકક્ષાએ નિકળી ગયું છે, ત્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ISROએ સૂર્યયાન અંગે આજે મહત્વનું અપડેટ આપ્યું છે. ઈસરોએ કહ્યું કે, આદિત્ય એલ1ની પ્રથમ કક્ષા બદલાઈ ગઈ છે...
સૂર્યયાનનો નવી ભ્રમણકક્ષા સફળતાપૂર્વક પ્રવેશ
ઈસરોએ સોશિયલ મીડિયા એપ એક્સ પર આ જાણકારી આપી છે. ઈસરોએ કહ્યું કે, સૂર્યયાનને 235×19500ની કક્ષામાંથી 245×22459 કિલોમીટરની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો... બેંગલુરની ISTRACએ ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયાને સફળતાપૂર્વક અંજામ આપ્યો છે.
Aditya-L1 Mission:
— ISRO (@isro) September 3, 2023
The satellite is healthy and operating nominally.
The first Earth-bound maneuvre (EBN#1) is performed successfully from ISTRAC, Bengaluru. The new orbit attained is 245km x 22459 km.
The next maneuvre (EBN#2) is scheduled for September 5, 2023, around 03:00… pic.twitter.com/sYxFzJF5Oq
5મી સપ્ટેમ્બરે ફરી નવી ભ્રમણકક્ષા બદલાશે
ઈસરોએ કહ્યું કે, સેટેલાઈટ સ્વસ્થ છે અને નામમાત્રનું સંચાલન કરી રહ્યું છે... ISTRAC બેંગલુરુ દ્વારા પ્રથમ અર્થ-બાઉન્ડ પ્રક્રિયા (EBN#1) સફળતાપૂર્વક પાર પડાઈ છે. આદિત્ય એલ1 આજે નવી ભ્રમણ કક્ષા 245×22459 કિલોમીટરમાં પહોંચ્યું છે. હવે પછી 5 સપ્ટેમ્બરે સવારે 3 કલાકે નવી કક્ષા બદલાશે.
સૂર્યયાનની 5 વખત ભ્રમણકક્ષા બદલાયા બાદ L1 પોઈન્ટ તરફ આગળ વધશે
ઉલ્લેખનિય છે કે, આદિત્ય એલ1 16 દિવસ દરમિયાન 5 વખત તેની ભ્રમણકક્ષા બદલશે, ત્યારબાદ તે એલ1 પોઈન્ટ તરફ આગળ વધશે... અત્રે યાદ રહે કે, સૂર્ય યાને સેટેલાઈટને અગાઉથી જ તેની નિર્ધારીત કક્ષામાં સ્થાપિત કરી દીધી છે, જ્યાંથી તે 125 દિવસની યાત્રા પર સૂર્ય-પૃથ્વી એલ1 પોઈન્ટ તરફ આગળ વધશે... ત્યારબાદ અવકાશ યાનને આખરે સૂર્ય-પૃથ્વી સિસ્ટમના લૈગરેંજ પોઈન્ટ 1 (એલ1)ની આસપાસ એક પ્રભામંડળની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
ભારતનું પ્રથમ સૂર્યમિશન
આ ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે. આદિત્ય-L1 અવકાશયાન સૂર્યના કોરોનાના દૂરના અવલોકનો માટે અને L1 (સૂર્ય-અર્થ લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનનો વાસ્તવિક અભ્યાસ કરવા માટે બનાવાયો છે. આ સ્થળ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. આ મિશનને લેગ્રાંગિયન પોઈન્ટ-1 (L1) સુધી પહોંચવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે. લેગ્રાંગિયન પોઈન્ટ-1 એ એવી જગ્યા છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સમાન છે.
દરરોજ સૂર્યની ૧,૪૪૦ ઇમેજીસ મળશે
આદિત્ય એલ1માં લગાવાયેલ વીઇએલસી ઉપકરણ દરરોજ-24 કલાકમાં સૂર્યની 1440 ઇમેજીસ પૃથ્વી પર મોકલશે. દર એક મિનિટે સૂર્યની એક ઈમેજ મળશે. ઇસરોના વિજ્ઞાનીઓ સૂરજની આ તમામ ઇમેજીસનો ગહન અભ્યાસ કરીને સૂર્યમાં થતી અકળ અને ભયાનક ગતિવિધિ વિશે પાયારૂપ જાણકારી મેળવશે.
આદિત્ય L1 મિશનનો મુખ્ય હેતુ
આ મિશન હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સૂર્યનો અભ્યાસ કરીને હવામાનની આગાહીની સચોટતામાં પણ વધારો થશે. આનાથી એવી સિસ્ટમ બનાવવામાં મદદ મળશે, જેના દ્વારા વાવાઝોડાની જાણકારી તરત જ મળી જશે અને એલર્ટ જારી કરી શકાશે. સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT), આદિત્ય L1 મિશન માટેનું મુખ્ય સાધન, પુણે સ્થિત ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.