VIDEO : અધીર રંજને યોગી બાલકનાથને પૂછી લીધું કે 'તમે જ નવા મુખ્યમંત્રી બની રહ્યા છોને'
Image Source: Twitter
- 39 વર્ષના બાલકનાથ યોગી મઠના મહંત, યુનિવર્સિટીના ચાન્સલર, અલવરથી સાંસદ અને હવે તિજારાથી ધારાસભ્ય છે
નવી દિલ્હી, તા. 05 ડિસેમ્બર 2023, મંગળવાર
Parliament Winter Session 2023: સંસદના શિયાળા સત્રમાં આજે રાજસ્થાનથી વિધાનસભા ચૂંટણી 2023માં જીતનારા બીજેપી સાંસદ યોગી બાલકનાથ (BJP MP Yogi Balaknath)નો કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરી સાથે આમનો-સામનો થયો. બંને એકદમ હળવા મૂડમાં નજર સામે આવ્યા.
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને બીજેપી સાંસદ યોગી બાલકનાથે સંસદ પરિસરમાં એક હળવી ક્ષણ શેર કરી છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજને યોગી બાલકનાથને પૂછી લીધું કે, રાજસ્થાનના નવા સીએમ બની રહ્યા છો ને.. હવે આ ક્ષણનો વીડિયો સામે આવ્યો છે.
રાજસ્થાનમાં મુખ્યમંત્રીની રેસમાં યોગી બાલકનાથને પણ માનવામાં આવી રહ્યા છે. 39 વર્ષના બાલકનાથ યોગી મઠના મહંત, યુનિવર્સિટીના ચાન્સલર, અલવરથી સાંસદ અને હવે તિજારાથી ધારાસભ્ય છે.
જ્યારે બાલકનાથને ચૂંટણી પરિણામો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સંસદ પરિસરમાં પત્રકારોને કહ્યું કે, આ બધું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનને કારણે છે. ભાજપને તમામ મત તેમના નામે મળ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ બનશે તો તેમણે સીધો જવાબ ન આપ્યો અને કહ્યું કે તમારી બધાની કૃપા છે. રાજ્યમાં પાર્ટી જે જવાબદારી આપશે તે તેઓ સ્વીકારશે કે કેમ તેવા સવાલ પર તેમણે કહ્યું કે, મેં મારું જીવન લોકસેવા માટે સમર્પિત કરી દીધુ છે. હું પાર્ટીની સેવા કરી રહ્યો છું. હું લોકોની સેવા કરી રહ્યો છે.
બીજેપી સાંસદ યોગી બાલકનાથને ફાયર બ્રાન્ડ નેતા માનવામાં આવે છે. ભાજપે તેમના સાંસદ યોગી બાલકનાથને અલવર જિલ્લાની તિજારા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવાર મહંત બાબા બાલકનાથે કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનને 6,173 મતોથી હરાવ્યા હતા. બાબા બાલકનાથને 110209 મત, કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનને 104036 મત, બસપા ઉમેદવાર હેમકરણને 567 મત, આઝાદ સમાજ પાર્ટીના ઉમેદવાર ઉદમીરામ પોસવાલને 8054 મત મળ્યા હતા.