અદાણી લાંચ કેસમાં કોંગ્રેસે કરી JPCની માંગ, ભાજપની વધુ પડતા ઉત્સાહિત નહીં થવાની સલાહ
Gautam Adani Bribery Case: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવવામાં આવ્યો છે. ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસમાં તેમના વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં રૂ. 2,029 કરોડ($265 મિલિયન)ની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બાબતે કોંગ્રેસના સીનિયર નેતા અને ચંદીગઢના સાંસદ મનીષ તિવારીએ ઉદ્યોગપતિ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.
આ મામલે JPC દ્વારા તપાસ થવી જોઈએ: મનીષ તિવારી
આ બાબતે કોંગ્રેસના સીનિયર નેતા અને ચંદીગઢના સાંસદ મનીષ તિવારીએ ઉદ્યોગપતિ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સમાચારની લિંક શેર કરીને લખ્યું હતું કે, 'ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય અધિકારીઓ પર ભારતીય સરકારી અધિકારીઓને 25 કરોડ ડૉલરથી વધુની લાંચ આપવા અને તેને અમેરિકન રોકાણકારોથી છુપાવવાનો આરોપ છે. આથી આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) દ્વારા તપાસ થવી જોઈએ.'
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પણ આ મામલે પ્રશ્નો ઉઠાવ્યા
આ મામલે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશનું પણ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, 'ગૌતમ અદાણી અને તેમની સાથે સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ યુએસ એટર્ની ઑફિસ દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપો એ માંગને યોગ્ય ઠેરવી છે.' તેમજ તેમણે કહ્યું હતું કે, 'કોંગ્રેસ જાન્યુઆરી 2023થી વિવિધ કૌભાંડોની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) તપાસ માટે કરી રહી છે.'
આ મામલે જયરામ રમેશે 'હમ અદાણી કે હૈ' સિરીઝનો ઉલ્લેખ પણ કર્યો, જેમાં કથિત કૌભાંડો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો અંગે 100 પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
કોંગ્રેસના આરોપોનો અમિત માલવિયાએ આપ્યો જવાબ
કોંગ્રેસના આરોપો પર ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે, 'કોઈપણ પ્રતિક્રિયા આપતા પહેલા વાંચવું હંમેશા સારું છે. તમે ટાંકેલ દસ્તાવેજ જણાવે છે કે તે હાલ માત્ર આરોપો છે અને પ્રતિવાદીઓ જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે.'
અમેરિકાની કોર્ટમાં રજૂ થયેલા આરોપના મુખ્ય અંશ
- વર્ષ 2020થી 2024ની વચ્ચે અદાણીએ ભારત સરકારનો સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા અધિકારીઓને 25 કરોડ ડૉલર લાંચ આપવા તૈયાર થયા. પછી એક ભારતીય અધિકારી સાથે મુલાકાત કરી. સાગર અદાણી અને વિનીતે સ્કીમ માટે મીટિંગ રાખી.
- બાદમાં લાંચની રકમ ભેગી કરવા માટે અદાણીએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના કોન્ટ્રાક્ટના નામે અમેરિકાના રોકાણકારો પાસેથી ત્રણ બિલિયન ડૉલરનું ફંડ ભેગું કર્યું.
- બાદમાં FBI અને યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશનની તપાસ રોકવાના પણ પ્રયાસ કર્યા. સ્કીમથી જોડાયેલા ઈમેલ, મેસેજ અને એનાલિસિસ ડિલીટ કરી દેવામાં આવ્યા.
- આમ ટૂંકમાં સોલાર એનર્જીની એક યોજનામાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણીએ ભારતના અધિકારીઓને અબજો રૂપિયાની લાંચ આપવાનો વાયદો કર્યો. બાદમાં અમેરિકામાં રોકાણકારોથી ખોટું બોલીને ફંડ ભેગું કર્યું. બાદમાં તપાસમાં અડચણ ઊભી કરવાના પ્રયાસ પણ કર્યા.