અમેરિકામાં ભ્રષ્ટાચારના આરોપો પછી અદાણી ગ્રૂપની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- તમામ આરોપો પાયાવિહોણા
Adani Group First Reaction On US Bribery Allegation: અદાણી ગ્રૂપે યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને યુએસ સિક્યુરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ કમિશન દ્વારા મૂકવામાં આવેલા લાંચ અને છેતરપિંડીના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
અદાણી ગ્રૂપની પેટા કંપની અદાણી ગ્રીન પર રૂ. 265 મિલિયન ડૉલરની લાંચ અને છેતરપિંડીના આરોપ અદાણી ગ્રૂપે ફગાવી દીધા છે. અદાણી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને SEC દ્વારા અદાણી ગ્રીનના ડિરેક્ટર્સ વિરુદ્ધ મૂકાયેલા તમામ આરોપો પાયાવિહોણા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે લખ્યું છે કે, તમામ આરોપો શંકાસ્પદ છે. આરોપીને ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે, જ્યાં સુધી તે દોષિત સાબિત ન થાય. હવે અમે કાયદાકીય ઉકેલોના વિકલ્પના માર્ગે આગળ વધીશું. અદાણી ગ્રૂપે હંમેશા તમામ કાયદા અને નીતિનિયમોનું પાલન કર્યું છે.’
અદાણી ગ્રૂપે ખાતરી આપતાં કહ્યું છે કે, ‘અમે તમામ બિઝનેસ કામગીરીમાં પારદર્શકતા રાખી છે, નિયામકની જોગવાઈઓના પાલન પ્રત્યે હંમેશા પ્રતિબદ્ધ છીએ. અમે અમારા તમામ સ્ટેકહોલ્ડર્સ, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે, અમે કાયદાનું પાલન કરતું ઑર્ગેનાઇઝેશન છીએ. અમે તમામ કાયદાને અનુસરીને જ કામગીરી કરીએ છીએ.’
અદાણી જૂથ પર શું આરોપ છે?
યુએસ સિક્યોરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ તેમજ અમેરિકાના પ્રોસિક્યુટરે અદાણી ગ્રીનના બોર્ડ સભ્યો પર અમેરિકાના રોકાણકારો સાથે 250 મિલિયન ડૉલરની છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. અદાણી ગ્રૂપ પર આરોપ છે કે, તેઓ 265 મિલિયન ડૉલરનો બૉન્ડ ઇશ્યૂ લાવીને ફંડ ભેગું કરવા માંગતા હતા. આ ફંડનો ઉપયોગ તેઓ કથિત રીતે ભારતના અધિકારીઓને લાંચ આપવા કરવાના હતા કારણ કે, અદાણી ગ્રીનને એક પ્રોજેક્ટ મેળવવો હતો. આ ફંડ ભેગું કરવામાં પણ અદાણી ગ્રૂપે નીતિનિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
અમેરિકામાં પોતાની કંપનીને સૌર એનર્જી પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ અપાવવા ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડૉલર(આશરે રૂ. 2236 કરોડ)ની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. આ માટે અદાણી ગ્રૂપે અમેરિકાના રોકાણકારોને આ કોન્ટ્રાક્ટના માધ્યમથી 20 વર્ષમાં બે અબજ ડૉલરથી વધુ નફાના વચન અને ખોટા દાવા કરીને લોન-બૉન્ડ્સ દ્વારા ફંડ ઉઘરાવ્યા હતાં.