Get The App

ગૌતમ અદાણી વિરુદ્ધ 2000 કરોડની લાંચ અને છેતરપિંડીના કેસમાં યુએસ કોર્ટના મહત્ત્વના આદેશ

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
Adani bribery Case


US Court On Adani Bribery Case: અમેરિકામાં અદાણી ગ્રૂપ વિરુદ્ધ ચાલી રહેલા ગુનાહિત અને લાંચના કેસની સુનાવણી અને ચુકાદો એક જ જજ સમક્ષ રજૂ કરાશે. યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન તેમજ ન્યૂયોર્કની ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે અદાણી ગ્રૂપના કેસની અસરકારક અને સચોટ ચુકાદા માટે એક જ જજ સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે.

અદાણી ગ્રૂપની અદાણી ગ્રીન એનર્જી બોર્ડના સભ્યો, પ્રમોટર્સ વિરુદ્ધ 265 મિલિયન ડૉલર(રૂ. 2000 કરોડ)ની લાંચનો આરોપ મૂકાયો છે. તેમજ અમેરિકાના રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાનો પણ કેસ દાખલ થયો છે. આ બંને સિવિલ અને ક્રિમિનલ કેસની સુનાવણી એક જ જજ સમક્ષ રજૂ કરવાનો આદેશ અપાયો છે. જેથી બંને કેસોની અલગ-અલગ તારીખની પ્રતિકૂળ અસરો ન પડે તેમજ અસરકારક નિર્ણય લઈ શકાય.

ડિસ્ટ્રિક્ટ જજ આપશે ચુકાદો

અદાણી ગ્રૂપ વિરુદ્ધ સિવિલ અને ક્રિમિનલ કેસનો ચુકાદો અને સુનાવણી યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ગરૌફીસ સંભાળશે. પરંતુ બંને કેસને અલગ અલગ સાંભળવામાં આવશે. બંને કેસના ચુકાદા અને આદેશ પણ અલગ અલગ રહેશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે સ્પષ્ટતા કરી છે કે, બંને કેસોની સંયુક્ત સુનાવણી કે ચુકાદો અપાશે નહીં. 

નવેમ્બરમાં અદાણી ગ્રૂપ વિરુદ્ધ કેસ

ગત વર્ષે નવેમ્બરમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા વિરુદ્ધ છેતરપિંડી તેમજ અદાણી ગ્રીન એનર્જી માટે નવો કોન્ટ્રાક્ટ મેળવવા ભારતના અમુક સરકારી અધિકારીઓને 265 મિલિયન ડૉલરની લાંચ આપી હોવાનો આરોપ મૂકાયો હતો. જો કે, અદાણી ગ્રૂપે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

ચંદ્રાબાબુ નાયડુનો કાર્યવાહીનો ઇન્કાર 

265 મિલિયન ડૉલરની લાંચના આરોપમાં આંધ્રપ્રદેશનું નામ પણ બહાર આવ્યું હતું. જો કે, રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ગત ગુરુવારે જ આ મુદ્દે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે, અદાણી ગ્રૂપ વિરુદ્ધ મૂકવામાં આવેલા આરોપોના કોઈ પુરાવા મળ્યા નથી. તેથી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં. વધુમાં અદાણી ગ્રૂપ વિરુદ્ધ આરોપો મૂકનારા યુએસ એટર્ની બ્રેઓન પીસે થોડા સપ્તાહ પહેલાં જ રાજીનામું આપી દીધું હતું.

અદાણી ગ્રૂપના શેર્સ કડડભૂસ

અદાણી ગ્રૂપ વિરુદ્ધ યુએસ કોર્ટની કાર્યવાહીના પગલે અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 19 નવેમ્બરની તુલનાએ 8 ટકા તૂટ્યા છે. અદાણી ગ્રીન એનર્જી 26 ટકા તૂટ્યો હતો. 

ગૌતમ અદાણી વિરુદ્ધ 2000 કરોડની લાંચ અને છેતરપિંડીના કેસમાં યુએસ કોર્ટના મહત્ત્વના આદેશ 2 - image


Google NewsGoogle News