Get The App

SEBI ચીફ, ભાજપ અને અદાણી વચ્ચે સાંઠગાંઠ, દિવાળી પહેલાં જ કોંગ્રેસની આરોપોની આતશબાજી

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
SEBI ચીફ, ભાજપ અને અદાણી વચ્ચે સાંઠગાંઠ, દિવાળી પહેલાં જ કોંગ્રેસની આરોપોની આતશબાજી 1 - image


Congress vs BJP News | દેશમાં એકબાજુ જનતા દિવાળીના તહેવારની ઊજવણી કરતાં ફટાકડા ફોડી રહી છે, બીજીબાજુ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્ષેપોની આતશબાજી કરી છે. અદાણી જૂથ અને સેબી પ્રમુખ માધબી બૂચ વચ્ચે સાંઠગાંઠના આરોપોને ફગાવીને સરકારે માધબી બૂચને ક્લિન ચીટ આપી હતી. પરંતુ કોંગ્રેસે આ મુદ્દા પર માધબી બૂચ અને મોદી સરકારને ઘેરવાનું ચાલુ રાખ્યું છે. આ સાથે રાહુલ ગાંધીએ મંગળવારે ભાજપ, સેબી પ્રમુખ માધબી બૂચ અને અદાણી જૂથ વચ્ચે સાંઠગાંઠ હોવાના નવેસરથી આક્ષેપો કરવાની સાથે સરકારી તંત્રમાં 'અદાણી બચાઓ સિન્ડિકેટ' ચાલી રહી હોવાનો દાવો કર્યો છે.

સેબી પ્રમુખ માધબી બુચ પર હિતોના ઘર્ષણના આરોપો મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના હુમલા સતત ચાલુ છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેરાની વાતચીતનો એક વીડિયો કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેઓ મોદી સરકાર 'અદાણી બચાઓ સિન્ડિકેટ' ચલાવતી હોવાનો આક્ષેપ કરે છે. આ સિન્ડિકેટ હેઠળ અદાણી જૂથ, અગ્રણી નિયામક સંસ્થાઓ અને ભાજપ વચ્ચે ખતરનાક સાંઠગાંઠ હોવાનો તેમણે દાવો કર્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, એરપોર્ટ્સ, પોર્ટ્સ, સીમેન્ટ, પાવર અને ડિફેન્સમાં અદાણી જૂથને મોનોપોલી આપવામાં મોદી સરકારની સક્રિય ભૂમિકા છે. એટલું જ નહીં અદાણી જે પણ સેક્ટર ઈચ્છે તેમાં તેની મોનોપોલી માટે સિન્ડીકેટ કામે લાગી જાય છે. વધુમાં સંસ્થાગત પતને હવે પરિવારવાદના વધુ ખતરનાકરૂપ 'અદાણી બચાઓ'ને જન્મ આપ્યો છે. મોદી સરકાર હવે માત્ર એકાધિકારને જ પ્રોત્સાહન નથી આપતી પરંતુ સીધે સીધા દેશની સંપત્તિ કેટલાક લોકોના હાથમાં સોંપી રહી છે તેવો રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે.

વીડિયોમાં રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે અદાણી ડિફેન્સની વેબસાઈટ પરથી ખ્યાલ આવે છે કે કેવી રીતે કંપની માત્ર વિદેશમાં ઉત્પાદિત હથિયારોનું રીબ્રાન્ડિંગ કરીને નફો કરે છે જ્યારે યુવાન જવાનો અને તેમના પરિવારોની તાલિમ, પેન્શન અને કલ્યાણ માટે જરૂરી ભંડોળ અગ્નિપથ જેવી યોજનાઓના માધ્યમથી હટાવી દેવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી છે અને સરકાર આપણા યુવાનોનું ભવિષ્ય જોખમમાં નાંખી રહી છે.

કોંગ્રેસ નેતા પવન ખેરાએ આક્ષેપ કર્યો હતો કે, માધબી પુરી બૂચે મુંબઈમાં તેમની પ્રોપર્ટી ઈન્ડિયા બુલ્સ જૂથ સાથે સંકળાયેલી કંપની ગ્રીન વર્લ્ડ બિલ્ડકોન એન્ડ ઈન્ફ્રાને ભાડે આપી હતી. ઈન્ડિયા બુલ્સના અનેક કેસની સેબી તપાસ કરી રહી છે. એટલે કે ઈન્ડિયા બુલ્સના ટોચના મેનેજમેન્ટમાં જે લોકો છે તેમને માધબી બુચ તેમની પ્રોપર્ટી ભાડે આપે છે.

પવન ખેરા ઉમેર્યું કે, માધબી બૂચ પ્રેડિબલ હેલ્થ પ્રાઈવેટ લિ. સાથે પણ જોડાયેલાં છે, જેમાં તેમનો હિસ્સો છે. સેબીના પૂર્ણકાલીન સભ્ય બન્યા પછી પણ આ અનલિસ્ટેડ કંપનીમાં તેમના શૅર હતા. આ કંપનીને સરકાર સ્ટાર્ટઅપ તરીકે ભંડોળ પૂરું પાડી રહી છે. પ્રેડિબલ હેલ્થ પ્રા. લિ.માં રોકાણ કરનારી કંપની જેસેસા ઈન્વેસ્ટમેન્ટ્સ લિ.નું નામ પેરેડાઈઝ પેપર્સ કેસમાં સામે આવ્યું હતું.

આ સિવાય રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોર્પોરેટ જગતમાં ચર્ચા ચાલી રહી છે કે સેબી પ્રમુખ માધબી બૂચ પીએમ મોદી અને સરકારને બ્લેકમેલ કરી રહ્યાં છે. માધબી બુચ અંગે કૌભાંડ જેટલું વિચારવામાં આવ્યું હતું તેના કરતાં વધુ ઊંડું છે. શક્ય છે કે રીટેલ રોકાણકારોની સુરક્ષાની જવાબદારી સંભાળતાં માધબી બૂચ અદાણીના હિતોના રક્ષણ માટે સિસ્ટમમાં હેરાફેરી કરી રહ્યાં હોય.


Google NewsGoogle News