એક્ટરથી નેતા બનેલા આ દિગ્ગજ હવે આંધ્ર પ્રદેશમાં ઉપ-મુખ્યમંત્રી બનવા આતુર

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
એક્ટરથી નેતા બનેલા આ દિગ્ગજ હવે આંધ્ર પ્રદેશમાં ઉપ-મુખ્યમંત્રી બનવા આતુર 1 - image

Image:Twitter 

આંધ્રપ્રદેશમાં ટૂંક સમયમાં નવી સરકાર બનવા જઈ રહી છે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના નેતા ચંદ્રબાબુ નાયડુ આ મહિનાની 12 તારીખે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમજ ચંદ્રબાબુ નાયડુ સરકારમાં કયા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે તેના પર સૌની નજર ટકેલી છે. 

આ દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે, જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણને સરકારમાં મોટી જવાબદારી મળી શકે છે. તેમના વિશે સ્થિતિ સ્પષ્ટ જણાય છે.

એક તરફ પવન કલ્યાણના હાથમાં ઘણી ફિલ્મો છે અને બીજી તરફ તેમણે જનતાને આપેલા વચનો છે, આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું પવન કલ્યાણને ચંદ્રબાબુ નાયડુના નવા મંત્રીમંડળમાં સામેલ કરવા જોઈએ કે નહીં?

 પવન કલ્યાણ પોતે આને લઈને મૂંઝવણમાં છે, પરંતુ તાજેતરમાં તેણે એક ઈન્ટરવ્યુમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી. પવન કલ્યાણે કહ્યું હતુ કે, તેઓ આંધ્ર પ્રદેશની નવી સરકારમાં સામેલ થવા ઇચ્છુક છે. 

પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ બની શકે

બીજી તરફ ટીડીપીના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, ડેપ્યુટી સીએમ પદ માટે પવન કલ્યાણનું નામ લગભગ ફાઈનલ થઈ ગયું છે. આ સિવાય એવુ દેખાઇ રહ્યું છે કે, ચંદ્રબાબુએ પવન કલ્યાણને એક મહત્વપૂર્ણ પોર્ટફોલિયો આપવાનું નક્કી કર્યું છે. ભૂતકાળમાં, બંને નેતાઓએ વારંવાર કહ્યું છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને YRCP સરકારે સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને યોગ્ય રીતે ભંડોળ ફાળવ્યું નથી. આ સાથે ટીડીપી અને જનસેના પાર્ટીના વર્તુળોમાં એવી ચર્ચા છે કે, પવન કલ્યાણને ગૃહ વિભાગ અને ગ્રામીણ વિકાસ વિભાગ આપવામાં આવે તેવી શક્યતા છે. જોકે, આગામી બે દિવસમાં સત્તાવાર જાહેરાત થવાની આશા છે.

જાણીતું છે કે તાજેતરમાં યોજાયેલી આંધ્રપ્રદેશની ચૂંટણીમાં ટીડીપી, ભાજપ અને જનસેના પાર્ટીના ગઠબંધનને જંગી જીત મળી છે. જ્યાં સુધી વિધાનસભા બેઠકોની વાત છે, TDPને 135 બેઠકો, ભાજપને 8 અને જનસેના પાર્ટીને 21 બેઠકો મળી છે. તે જ સમયે, લોકસભા ચૂંટણીમાં ટીડીપીએ 16 બેઠકો, ભાજપે 3 અને જનસેનાએ 2 બેઠકો જીતી હતી. અહીં YSRCPએ 11 વિધાનસભા સીટો અને 4 લોકસભા સીટો જીતી છે.


Google NewsGoogle News