યુપીમાં યોગીનો બુલડોઝર 'અન્યાય', 15 મહિલા ફેરિયાની શાકભાજી-આજીવિકા પર જેસીબી ફેરવ્યું
Bulldozer Run on Vegetables: ઉત્તર પ્રદેશમાં બુલડોઝર ન્યાયની તો બહુ ચર્ચા થાય છે પરંતુ હવે બુલડોઝર અન્યાયની એક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં રોડની બાજુમાં શાકભાજી વેચતી 15થી વધુ મહિલાઓની ખુલ્લી દુકાનો પર નિષ્ઠુર તંત્રએ બુલડોઝર ફેરવી નાખ્યું હતું. રોજનું રળીને રોજ ખાનારા ગરીબોની રોજીરોટી પર બુલડોઝર ફેરવવાની આ ઘટનાના વીડિયો અને તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ પ્રશાસન પર ભારે રોષ ઠાલવી આ પ્રકારની કાર્યવાહીની ટિકા કરી હતી.
શાકભાજી હટાવવાનો પણ સમય ના આપ્યો
વીડિયોમાં મહિલાઓ અધિકારીઓને હાથ જોડીને વિનંતી કરી રહી છે અને કહી રહી છે કે અમને શાકભાજી ઉઠાવી લેવા દો પરંતુ અધિકારીઓએ થોડો પણ સમય ના આપ્યો અને તમામ શાકભાજી પર જેસીબી ફેરવી નાખ્યું હતું. આ પ્રકારની કાર્યવાહીને પગલે મહિલાઓના સમર્થનમાં અન્ય સ્થાનિક લોકો આવ્યા હતા અને તમામે રસ્તો બ્લોક કરીને વિરોધ પ્રદર્શન કરી રોષ ઠાલવ્યો હતો.
સ્થાનિકોએ કલાકો સુધી રોડ જામ કર્યો
આ સમગ્ર મામલો ઝાંસી મહાનગરના નવાબાદના ચિત્રા ચૌરાહાનો છે, આ વિસ્તારમાં ઘણા સમયથી 15થી વધુ મહિલાઓ રોડની બાજુમાં કોઈને નડે નહીં તે રીતે નીચે પાથરણા પાથરીને શાકભાજી વેચે છે. જે થોડીઘણી આવક થાય તેનાથી પોતાના પરિવારનું પેટ ભરે છે. ગુરુવારે પણ મહિલાઓ રાબેતા મુજબ શાકભાજી વેચવા માટે પાથરણા લગાવીને બેસી ગઈ હતી અને વ્યવસ્થિત શાકભાજી ગોઠવી દીધુ હતું. એવામાં અચાનક જ ડિમોલિશન ડ્રાઈવ ચલાવનારી ટુકડી બુલડોઝર લઈને પહોંચી ગઈ હતી અને દાદાગીરી કરીને શાકભાજી પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું.
ઘટનાનો વીડિયો વાયરલ
જેને પગલે તમામ પાથરણાની શાકભાજીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બાદમાં મહિલાઓ રણચંડી બની અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને રોડ જામ કરી દીધો હતો. જેને પગલે ડિમોલિશન ડ્રાઇવવાળી ટુકડી સ્થળ પરથી ભાગી ગઈ હતી. બાદમાં પોલીસ સ્થળે પહોંચી હતી જેમને મહિલાઓએ આપવીતી વર્ણવી હતી. દરમિયાન સમગ્ર મામલાના વીડિયો બહાર આવ્યા બાદ લોકોનો રોષ જોઈને જવાબદાર અધિકારી બૃજેશ વર્માને પદ પરથી હટાવવામાં આવ્યો છે. સાથે જ તેની સામે કાર્યવાહીની પણ ખાતરી અપાઈ હતી, જે મહિલાઓની શાકભાજી કચડાઈ તેને વળતરની જાહેરાત પણ કરાઈ છે.