ભાજપના દિગ્ગજને ગુલાબ જામુન ખવડાવનાર કોંગ્રેસ નેતાઓ સામે એક્શન, હાઇકમાન્ડે પૂછ્યું- લોકતંત્રનું હત્યા કરનારનું સ્વાગત કેમ?

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
Surjeet Singh Chadha with Kailash Vijay Vargiya


Indore congress chief Suspension: ઇન્દોરના કોંગ્રેસ અધ્યક્ષને ભાજપના દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીયને ગુલાબ જામુન ખવડાવવા ભારે પડ્યા છે. જિલ્લાના કોંગ્રેસ અધ્યક્ષ  સુરજીત ચઢ્ઢા અને ગ્રામીણ અધ્યક્ષ સદાશિવ યાદવને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બંને નેતાઓ પાસેથી 7 દિવસમાં જવાબ માગ્યો છે.  આ મામલે કોંગ્રેસ હાઇકમાન્ડ બંને નેતાઓથી સખત નારાજ છે. હાઇકમાન્ડે આ મામલે કહ્યું કે, આ બંને નેતાઓએ ગાંધી ભવનમાં લોકતંત્રની હત્યા કરનારા વ્યક્તિનું સ્વાગત કર્યું છે, જે અનુશાસનહીનતાની શ્રેણીમાં આવે છે.

જાણો સમગ્ર ઘટના

હકિકતમાં, મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય 17 જુલાઇના રોજ ઇન્દોરના ગાંધી ભવન કાર્યાલય ખાતે જિલ્લામાં 51 લાખ છોડ રોપવાની અપીલ કર્યા બાદ સહયોગ માગવા ગયા હતા, ત્યારે જિલ્લા અધ્યક્ષ સુરજીત ચઢ્ઢા અને ગ્રામીણ અધ્યક્ષ સદાશિવ યાદવે વિજયવર્ગીયને હાર અને ફૂલની માળા પહેરાવી સ્વાગત કર્યું હતું અને સમોસા તેમજ ગુલાબ જામુન પણ ખવડાવ્યા હતા. સસ્પેન્શન બાદ, શહેર કોંગ્રેસ અધ્યક્ષ ચઢ્ઢા અચાનક દિલ્હી પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે હું આજે દિલ્હીમાં છું. હું રાત્રે પરત ફરીશ અને આ મુદ્દે મારો મુદ્દો રજૂ કરીશ. ગ્રામ્ય પ્રમુખ સદાશિવ યાદવે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.


પ્રદેશ સંગઠન એક્શનમાં

તમને જણાવી દઈએ કે, પાર્ટીના અન્ય જૂથે આ સમગ્ર ઘટનાની ફરિયાદ હાઈકમાન્ડને કરી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. જ્યારે મામલો દિલ્હી સુધી પહોંચ્યો તો પ્રદેશ સંગઠન એક્શનમાં આવ્યું છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. બંને નેતાઓને સસ્પેન્ડ કર્યા બાદ પ્રદેશ પ્રમુખ જીતુ પટવારીએ આ મામલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે.


કોંગ્રેસ પાર્ટીએ પત્ર જારી કર્યો

પાર્ટીએ આ મામલે સોશિયલ મીડિયામાં એક પત્ર જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 'માતા અહિલ્યાની નગરીમાં લોકતાંત્રિક મૂલ્યોની હત્યા કરનાર અને ઈન્દોરના લોકો પાસેથી વોટ આપવાનો અધિકાર ઝડપનારા વ્યક્તિ (વિજયવર્ગીય)એ દેશ-વિદેશમાં ઈન્દોરને શરમ પહોંચાડી, જેની નિંદા કરવામાં આવે છે. આવી વ્યક્તિનું ઈન્દોર જિલ્લા કોંગ્રેસ સમિતિ ગાંધી ભવનમાં સ્વાગત કરવું એ અનુશાસનહીનતાની શ્રેણીમાં આવે છે.


શા માટે છે નારાજગી?

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસે અક્ષય કાંતિ બમને ઈન્દોરથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. 29 એપ્રિલે કૈલાશ વિજયવર્ગીયની હાજરીમાં બામે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. આવી સ્થિતિમાં કોંગ્રેસ ઈન્દોરની લડાઈમાંથી બહાર થઈ ગઈ હતી. જે બાદ કોંગ્રેસે વિજયવર્ગીય પર લોકતંત્રની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે એ જ વિજયવર્ગીયનું કોંગ્રેસના નેતાઓએ સ્વાગત કર્યું છે જેનાથી પાર્ટી નારાજ છે.


Google NewsGoogle News