હલ્દવાની હિંસાના માસ્ટરમાઈન્ડ અબ્દુલ મલિક પર એક્શન, 2.44 કરોડની રિકવરી નોટિસ ફટકારી

- આ હિંસામાં છ લોકોના મૃત્યુ થઈ ગયા હતા અને પોલીસકર્મીઓ અને પત્રકારો સહિત 100થી વધુ લોકો ઘાયલ થયા હતા

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
હલ્દવાની હિંસાના માસ્ટરમાઈન્ડ અબ્દુલ મલિક પર એક્શન, 2.44 કરોડની રિકવરી નોટિસ ફટકારી 1 - image


હલ્દવાની, તા. 13 ફેબ્રુઆરી 2024, મંગળવાર

ઉત્તરાખંડમાં હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશને બનભૂલપુરા હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિક વિરુદ્ધ સરકારી સંપત્તિઓને કથિત રીતે નુકસાન પહોંચાડવા બદલ 2 કરોડ 44 લાખ રૂપિયાની વસૂલી નોટિસ ફટકારી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મલિકના સમર્થકોએ 'મલિક કા બગીચા'માં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી બે ઈમારતોને ધ્વસ્ત કરી દેવા માટે ગયેલી વહીવટી ટીમ પર હુમલો કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું.

2.44 કરોડની રિકવરી નોટિસ ફટકારી

મહાનગરપાલિકા દ્વારા જે નોટિસ મોકલવામાં આવી છે તેમાં 8 ફેબ્રુઆરીના રોજ ઘટનાના દિવસે નોંધાયેલી FIRનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં મલિકનું નામ આપવામાં આવ્યું છે. મલિક દ્વારા કથિત રીતે કરવામાં આવેલા નુકસાનનું પ્રાથમિક મૂલ્યાંકન રૂ. 2.44 કરોડ જણાવતા મ્યુનિસિપલ કોર્પોરેશને તેને આ રકમ 15 ફેબ્રુઆરી સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હલ્દવાનીમાં જમા કરાવવા માટે કહ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો આમ નહીં કરવામાં આવે તો કાયદાકીય માધ્યમથી તેની પાસેથી વસૂલાત કરવામાં આવશે.

મુખ્ય આરોપી અબ્દુલ મલિક પર એક્શન

હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિકે કથિત રીતે સરકારી જમીન પર ગેરકાયદેસર મદરેસા અને નમાઝ સ્થળનું નિર્માણ કરાવ્યું હતું. તેને ધ્વસ્ત કરવા માટે જ્યારે વહીવટી પહોંચી તો ત્યાં હિંસા ફાટી નીકળી હતી. 

8 ફેબ્રુઆરીના રોજ ભડકેલી હિંસામાં ઉપદ્રવીઓએ વહીવટી કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોને સળગાવ્યા બાદ બનભૂલપુરા પોલીસ સ્ટેશનને પણ આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન મોટા પાયે હિંસા ભડકી ગઈ હતી. સેંકડો વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. ઘટના દરમિયાન પોલીસે પણ બળ પ્રયોગ કર્યો હતો. 

આ હિંસામાં છ લોકોના મૃત્યુ થઈ ગયા હતા અને પોલીસકર્મીઓ અને પત્રકારો સહિત 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. સીએમ ધામીએ પહેલા જ આરોપીઓને હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ આરોપીઓ પરથી કરવાનો આદેશ આપી દીધો હતો ત્યારબાદ હવે મુખ્ય આરોપીને 2.44 કરોડ રૂપિયાના જંગી નુકસાનની નોટિસ ફટકારવામાં આવી છે. 


Google NewsGoogle News