કાનપુર : પહેલાથી વિવાહિત ACP એ IITની વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવ્યાનો આરોપ
ACP Mohsin Khan: કાનપુરના એડિશનલ પોલીસ કમિશનર (એસીપી) મોહસિન ખાન ગુનાહિત કેસમાં ગંભીર રીતે ફસાયેલા છે. ઉત્તર પ્રદેશ ટેરિટોરિયલ પોલીસ સર્વિસમાં ડીએસપી રેન્કના અધિકારી મોહસિન ખાન પર એક રિસર્ચ સ્કોલર દ્વારા લગ્નના બહાને સંબંધ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મોહસિન ખાન પરિણીત છે અને એક બાળકનો પિતા પણ છે. જ્યારે યુવતીને આ વાતની ખબર પડી તો મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
કમિશનરના આદેશ પર નોંધવામાં આવી FIR
આ મામલે કમિશનરના આદેશ પર FIR નોંધવામાં આવી છે. મોહસિન ખાનને હાલમાં પોલીસ હેડક્વાર્ટર સાથે જોડીને તેને લખનૌ મોકલવામાં આવ્યો છે. મોહસિન ખાન, 2013 બેચના પીપીએસ અધિકારી, કલેક્ટરગંજ પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઈમ સેલના એસીપી હતા.
IIT કાનપુરમાં થઈ હતી મુલાકાત
મોહસિન ખાન અને પીડિત વિદ્યાર્થી IIT કાનપુરમાં મળ્યા હતા. મોહસિને ક્રિમિનોલોજી અને સાયબર ક્રાઈમમાં પીએચડી કરવા માટે જુલાઈમાં IIT, કાનપુરમાં એડમિશન લીધું હતું. તેઓ પોલીસની નોકરીની સાથે પીએચડી પણ કરી રહ્યા છે. જ્યારે પીડિતા IIT કાનપુરમાંથી સાયબર ક્રાઈમમાં પીએચડી પણ કરી રહી છે અને ચોથા વર્ષની વિદ્યાર્થીની છે. બંનેના પીએચડીમાં સાયબર ક્રાઇમ સામાન્ય છે, તેથી કેમ્પસમાં અભ્યાસની વાત કરીને તેમની વચ્ચેના સંબંધોની શરૂઆત થઈ હતી જેમાં સીમાઓ તૂટી હતી.
લગ્નના બહાને તેનું યૌન ઉત્પીડન કર્યું
પીડિતાનો આરોપ છે કે મોહસિન ખાને લગ્નના બહાને તેનું યૌન ઉત્પીડન કર્યું હતું. બાદમાં યુવતીને ખબર પડી હતી કે એસીપી મોહસિન પહેલેથી જ પરિણીત છે અને તેને એક બાળક પણ છે. પીડિતાનો આરોપ છે કે મોહસિને લગ્નની વાત છુપાવી હતી અને તેની સાથે લગ્નનું ખોટું વચન આપ્યું હતું.
આ પણ વાંચો: વન નેશન-વન ઈલેક્શન કાયદો બની જાય તો પણ 2029માં એકસાથે ચૂંટણી શક્ય નથી, જાણો કેમ?
લગ્નનો વાયદો કરીને પછી પીછેહઠ કરી
પીડિતાનું કહેવું છે કે, 'જ્યારે મોહસિન સાથે લગ્ન અને બાળક અંગેની વાત કરવામાં આવી ત્યારે તેણે તેની પત્નીને છૂટાછેડા આપી મારી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો પરંતુ બાદમાં તેને પીછેહઠ કરી હતી.' આ પછી પીડિતાએ પોલીસ કમિશનર અખિલ કુમારને ફરિયાદ કરી.
SIT દ્વારા કરવામાં આવશે તપાસ
પોલીસ કમિશનર અખિલ કુમારના આદેશ પર, ડીસીપી સાઉથ અંકિતા શર્માએ પ્રારંભિક તપાસ હાથ ધરી હતી અને આરોપોમાં તથ્ય મળ્યા પછી, કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. SIT દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 69 હેઠળ નોંધાયેલા કેસની તપાસ કરવામાં આવશે જેનું નેતૃત્વ ACP ટ્રાફિક અર્ચના સિંહ કરશે.