આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસ છોડશે? વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ કહ્યું- 'તોફાન આવશે'
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પર્યટન ગણાવી
Acharya Pramod Krishnam Met PM Modi: કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. હવે ભાજપ સાથે તેમની વધતી નિકટતા અંગે અટકળો લગાવવામાં આવી રહી છે. જો કે આ અંગે આચાર્ય પ્રમોદ કે ભાજપ દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસના નેતાઓ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને નકારવા પર નારાજગી વ્યક્ત કરી છે.
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરી હતી. તેમણે લખ્યું, 'મને 19મી ફેબ્રુઆરીના રોજ આયોજિત 'શ્રી કલ્કિ ધામ'ના શિલાન્યાસ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવાનું સૌભાગ્ય મળ્યું. મારા પવિત્ર ભાવને સ્વીકારવા બદલ વડાપ્રધાનના હૃદયપૂર્વક આભાર માનું છું.' સાથે જ અટકળો વચ્ચે તેણે લખ્યું છે કે, 'તોફાન પણ આવશે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જવાબ આપતા લખ્યું, 'આસ્થા અને ભક્તિ સાથે જોડાયેલા આ શુભ અવસરનો ભાગ બનવું મારા માટે સૌભાગ્યની વાત છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ જી, આમંત્રણ બદલ આપનો હૃદયપૂર્વક આભાર.'
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પીએમ મોદીના વખાણ કર્યા
કોંગ્રેસના નેતાઓએ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને ફગાવી દીધું હતું. જ્યારે આચાર્ય પ્રમોદે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે રામ મંદિર નિર્માણનો શ્રેય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો.