કોંગ્રેસમાંથી કાઢી મુકાયેલા દિગ્ગજ નેતાએ પાર્ટીના અંતની કરી ભવિષ્યવાણી, રાહુલ વિશે પણ જેમ-તેમ બોલ્યા
રાહુલ ગાંધી ‘પાગલ’ થઈ ગયા છે, કોંગ્રેસ પાર્ટીને તેમના કારણે જ નુકસાન થઈ રહ્યું છે : આચાર્ય પ્રમોદ કૃષ્ણમ
આચાર્ય પ્રમોદ એક સમયે રાહુલના વિવાદાસ્પદ નિવેદનોનો બચાવ કરતા હતા, હવે તેમનો જાહેરમાં વિરોધ શરૂ કર્યો
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી-2024 પહેલા વાયનાડના લોકસભા સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ‘ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra)’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના સૂત્ર ‘મોદીની ગેરંટી’ની આકરી ટીકા કરી હતી અને કેન્દ્ર સરકારની પણ ઝાટકણી કાઢી હતી. હવે આ મામલે કોંગ્રેસ (Congress)માંથી કાઢી મુકાયેલા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે (Acharya Pramod Krishnam) રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.
‘વડાપ્રધાનના હાથોથી કલ્કિ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે’
કલ્કિ ધામના પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે, ‘રાહુલ ગાંધી ‘પાગલ’ થઈ ગયા છે. કોંગ્રેસ પાર્ટીને તેમના કારણે જ નુકસાન થઈ રહ્યું છે.’ આચાર્ય પ્રમોદે તાજેતરમાં જ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ પીએમ મોદી પણ કલ્કિ ધામના શિલાન્યાસ માટે સંભલ ગયા હતા. ત્યારે આચાર્ય પ્રમોદે કહ્યું હતું કે, કલ્કિ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ વડાપ્રધાનના હાથોથી જ થશે.’
આચાર્ય પ્રમોદે રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના તાનાશાહ કહ્યા
આચાર્ય પ્રમોદે રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના તાનાશાહ કહી કહ્યું કે, ‘કોંગ્રેસની બરબાદીનું કારણ રાહુલ ગાંધી જ છે. તેમના કારણે પાર્ટીના મોટા નેતાઓનું અપમાન થઈ રહ્યું છે અને જનતા વચ્ચે પાર્ટીનું કદ ઘટી રહ્યું છે. મોટા નેતાઓની આ જ તિરસ્કારની ભાવના કોંગ્રેસને બરબાદ કરી નાખશે.’
રાહુલ પાસે પ્રિયંકાની પણ ચાલતી નથી?
એક સમય એવો હતો કે, ટીવી ડિબેટ્સ દરમિયાન આચાર્ય પ્રમોદ રાહુલ ગાંધીના વિવાદીત નિવેદનોનો બચાવ કરતા હતા, જોકે હવે તેઓ પણ રાહુલ ગાંધી વિરુદ્ધ જાહેરમાં બોલવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, ‘જ્યાં સુધી કોંગ્રેસમાં રાહુલ ગાંધી રહેશે, પાર્ટી ક્યારે ઉભી થઈ શકશે નહીં. કમલનાથ, ગુમાલ મબી આઝાદ, દિગ્વિજય, જિતિન પ્રસાદ, આરપીએન સિંહ, આનંદ શર્મા, સુષ્મિતા દેવ જેવા નેતાઓની વાત કરીએ, તો સત્ય સામે આવી જશે. એટલું જ નહીં પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસની અંદર ટકવાનો પ્રયાસ કરી રહી છે’
આચાર પ્રમોદે વડાપ્રધાનની કરી ભરપૂર પ્રશંસા
તેમણે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસ એક ડૂબતું જહાજ છે અને રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસને અંત પણ આવી શકે છે. રાહુલની તાનાશાહીના કારણે ઘણા નેતા કોંગ્રેસ છોડવા તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપમાં ભાજપ ફરી એકવાર પ્રચંડ બહુમત મેળવશે.’