કેરળમાં પાંચ લોકોની હત્યા કરી આરોપી પોલીસ સમક્ષ હાજર થયો
- આરોપીએ ડ્રગ્સનું સેવન કર્યુ હોવાના પુરાવા : પોલીસ
- 23 વર્ષીય અફફાને 13 વર્ષીય ભાઇ, દાદી, મામા, માસી અને પ્રેમિકાની હત્યા કરી : માતાની સ્થિતિ ગંભીર
નવી દિલ્હી : કેરળમાં દર્દનાક ઘટના સામે આવી છે. આ કેસ કેરળના તિરુવનંતપુરમમાં સામૂહિક હત્યા સાથે જોડાયેલો છે. આ કેસમાં ૨૩ વર્ષના એક યુવકે પોલીસ સ્ટેશનમાં જઇને આત્મસમર્પણ કર્યુ અને જણાવ્યું હતું કે તેણે પોતાની માતા, સગીર ભાઇ અને પ્રેમિકા સહિત છ લોકોની હત્યા કરી છે.
જો કે પોલીસે અત્યાર સુધી પાંચ લોકોની હત્યાને સમર્થન આપ્યું છે. આ હત્યા સોમવાર સાંજે કેટલાક કલાકો દરમિયાન ત્રણ અલગ અલગ જગ્યાએ કરવામાં આવી હતી.
પોલીસે આરોપીના ૧૩ વર્ષીય ભાઇ અહસાન, દાદી સલમા બીવી, મામા લતીફ, માસી શાહિદા અને પ્રેમિકા ફરશાનાના મોતને સમર્થન આપ્યું છે. જ્યારે અફફાનની માતાની સ્થિતિ ગંભીર છે અને તેમનું તિરુવનંતપુરમની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આરોપીએ પોલીસને એ પણ જણાવ્યું હતું કે તેણે ઝેર પી લીધુ છે. ત્યારબાદ તેને સારવાર માટે મેડિકલ કોલેજ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પોલીસ અત્યાર સુધી હત્યાનું કારણ જાણી શકી નથી. સામૂહિક હત્યાકાંડની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આરોપીના આત્મસમર્પણ પછી પોલીસે તેના ઘરની તપાસ કરી હતી. ઘરમાંથી પરિવારજનોના મૃતદેહો મળી આવ્યા હતાં. અફફાન તાજેતરમાં વિદેશથી વિઝિટર વિઝા પર પરત ફર્યો હતોે. તેના પિતા હાલમાં વિદેશમાં જ છે. પોલીસના જણાવ્યા અનુસાર ૨૩ વર્ષીય આરોપી ડ્રગ્સનું સેવન કરતો હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીના પાડોશીઓ અને સંબધીઓએ દાવો કર્યો છે કે તે સારા સ્વભાવનો યુવક હતો અને તે લોકો માનવા માટે તૈયાર નથી કે તેણે આવુ કૃત્ય કર્યુ હશે. આરોપીના ઘર પાસે ચાની દુકાન ચલાવતી મહિલાએ પણ જણાવ્યું હતું કે આરોપી તેના ભાઇને ખૂબ પ્રેમ કરતો હતો અને તેની ખૂબ જ કાળજી રાખતો હતો. તે પણ માનવા માટે તૈયાર નથી કે તેણે આવું કૃત્ય કર્યુ હશે.