'લગ્ન પવિત્ર સંસ્કાર, દારુ-ડાન્સ પાર્ટીનો કાર્યક્રમ નથી..' સર્ટિ માટે લગ્ન કરનાર કપલને 'સુપ્રીમ' ફટકાર
add caption |
Supreme Court news | છૂટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હિન્દુ ધર્મમાં લગ્નના મહત્વ અંગે અવલોકન કર્યું હતું. સાથે જ એવા લોકોને ટકોર કરી હતી જેઓ લગ્નનો ઉપયોગ માત્ર સર્ટિફિકેટ મેળવવા માટે કરતા હોય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હિન્દુ લગ્ન કોઇ નાચવા, ગાવા કે દારુ પિવા માટેની ઇવેન્ટ નથી, આ એક પવિત્ર સંસ્કાર છે, જ્યાં સુધી હિન્દુ વીધી મુજબ લગ્ન ના થયા હોય ત્યાં સુધી તેને માન્ય ના ગણી શકાય.
મહિલા અને પુરુષ બન્ને પાયલોટ છે અને હિન્દુ લગ્ન વીધી પુરી કર્યા વગર જ લગ્નનું સર્ટિફિકેટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ બન્નેએ કોર્ટમાં છૂટાછેડાની અપીલ કરી હતી જે સમયે એવી દલીલ કરી હતી કે અમે હિન્દુ લગ્નની વીધી કરી ના હોવાથી આ લગ્નને અમાન્ય જાહેર કરવામાં આવે. દલિલો દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજાદારોને ટકોર કરતા કહ્યું હતું કે તમે લગ્ન સંસ્થાનો ઉપયોગ માત્ર સર્ટિફિકેટ મેળવવા માટે ના કરી શકો. ભારતીય સમાજમાં આ એક પવિત્ર સંસ્કાર છે, લગ્ન એ કોઇ સોંગ-ડાંસ, વાઇનિંગ કે ડાઇનિંગની ઇવેન્ટ અથવા તો દહેજ લેવાનો કોઇ કાર્યક્રમ નથી.
સુપ્રીમના ન્યાયાધીશ બી વી નાગરત્ના અને ઓગસ્ટિન જ્યોર્જ માસિહની બેંચે કહ્યું હતું કે લગ્ન કોઇ વ્યવસાયિક આપલે નથી, એક મહિલા અને પુરુષ વચ્ચેના મિલાપ અને પતિ-પત્નીનો દરજ્જો આપતી સંસ્થા છે. યુવક યુવતીઓ કાયદેસરની લગ્ન પ્રક્રિયા કર્યા વગર જ પોતાને પતિ અને પત્ની માનવા લાગ્યા છે જે યોગ્ય નથી. હિન્દુ લગ્ન કાયદા મુજબ હિન્દુ લગ્ન માટે વીધીમાંથી પસાર થવું જરૂરી છે. આ પહેલા ૧૯મી એપ્રીલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ફેરાની વીધી કરવામાં ના આવી હોય તો હિન્દુ લગ્ન કાયદા મુજબ તેને હિન્દુ લગ્ન ના ગણી શકાય. હિન્દુ કાયદા મુજબ લગ્ન એ સંસ્કાર છે, જે નવા પરિવારનો પાયો નાખે છે.
અમારી સામે ઘણા એવા કેસો આવ્યા છે જેમાં પ્રેક્ટિકલ કારણોસર એક પુરુષ અને સ્ત્રી એ દસ્તાવેજોના આધાર પર ભવિષ્યમાં લગ્ન સંપન્ન કરવાના ઇરાદાથી કાયદાની કલમ આઠ હેઠળ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા માગે છે, જે લગ્ન સંપન્ન થયા હોવાના પુરાવા તરીકે જારી કરી શકાય. આ કેસમાં પણ આવુ જ સામે આવ્યું છે. રજિસ્ટ્રાર ઓફ મેરેજિસ પાસે આ પ્રકારનું કોઇ રજિસ્ટ્રેશન અને અને બાદમાં જારી થનારા સર્ટિફિકેટ એ વાતની પુષ્ટી નથી કરતા કે બન્નેએ હિન્દુ લગ્ન સંપન્ન કર્યા છે. કપલે કેટલાક સંજોગોને કારણે વૈદિક જનકલ્યાણ સમિતિ પાસેથી લગ્ન સંપન્ન થયા હોવાનું સર્ટિફિકેટ લઇ લીધુ હતું, વિદેશી કામમાં તેનો ઉપયોગ કરવાનો હોવાથી તેઓ આવુ કરવા મજબૂર થયા હોવાનો દાવો કોર્ટમાં કર્યો હતો. જોકે કોર્ટે તેમને લગ્નનો ઉપયોગ કોઇ ફાયદા લાભ કે કમર્શિયલ હેતુ માટે ના કરવાની ટકોર કરી હતી.
એક જુઠા સર્ટિફિકેટના આધારે લગ્નની નોંધણી થઇ હતી
સુપ્રીમ કોર્ટમાં કપલે દાવો કર્યો હતો કે સંજોગોને કારણે અમે જન કલ્યાણ સમિતિ પાસેથી લગ્નની વિધિ કરી હોવાનું સર્ટિફિકેટ લઇ લીધુ હતું, આ સર્ટિફિકેટના આધારે અમે બાદમાં ઉત્તર પ્રદેશ રજિસ્ટ્રેશન નિયમ ૨૦૧૭ હેઠળ નોંધણી કરાવી લીધી હતી અને મેરેજ રજિસ્ટ્રાર દ્વારા અમને લગ્નનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
કપલના છૂટાછેડાનો કેસ નીચલી કોર્ટમાં ચાલી રહ્યો છે, જેને ટ્રાન્સફર કરાવવાની માગ કરતી અરજી મહિલા દ્વારા કરવામાં આવી હતી. જેમાં બાદમાં પુરુષ પણ જોડાયો હતો. બન્નેએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે અમે લગ્નની વિધિ કરી જ ના હોવાથી લગ્ન માન્ય ના ગણાય. જેને પગલે બાદમાં સુપ્રીમ કોર્ટે આ લગ્નને અમાન્ય જાહેર કર્યા હતા.