રક્ષક જ ભક્ષક! વર્તમાન 151 સાંસદો-ધારાસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસ, જુઓ રિપોર્ટ
Crime Against Women: કોલકાતા, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં મહિલાઓના દુષ્કર્મના કેસ પછી મહિલાઓની સુરક્ષાને લઈને માંગ કરવામાં આવી રહી છે, ત્યારે વર્તમાન 151 સાંસદો-ધારાસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસનો એક રિપ્રોર્ટ પ્રકાશમાં આવ્યો છે. મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારા ભાજપના સૌથી વધુ 54 સાંસદો-ધારાસભ્યો છે.
ડોક્ટરોની સુરક્ષાને લઈને કાયદો બનાવવાની કેન્દ્ર સરકારમાં માંગ
કોલકાતાના દુષ્કર્મ-હત્યા કેસ પછી ડોક્ટરોએ તેમની સુરક્ષાને લઈને કાયદો બનાવવાની માંગ કેન્દ્ર સરકારને કરી હતી. કેન્દ્ર અને રાજ્યોમાં આ કાયદાઓ સંબંધિત બિલ પાસ કરાવવાની જવાબદારી સાંસદો અને ધારાસભ્યોની છે. પરંતુ, જો સાંસદો અને ધારાસભ્યો સામે જ મહિલાઓ વિરુદ્ધ ગુનો કરવાના કેસ નોંધાયેલા હોય તો તમે કોની પાસેથી આશા રાખશો. જેને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.
આ પણ વાંચો : હવે અંધશ્રદ્ધા ફેલાવનારાને સાત વર્ષ સુધીની કેદ, જામીન પણ નહીંઃ ગુજરાત વિધાનસભામાં બિલ રજૂ
સાંસદો-ધારાસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસનો ચોંકાવનારો રિપોર્ટ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના (ADR Report) રિપોર્ટ પ્રમાણે, દેશમાં વર્તમાન 151 સાંસદો અને ધારાસભ્યોએ તેમના ચૂંટણી એફિડેવિટમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ સંબંધિત મામલાઓની માહિતી આપી છે. જેમાં પશ્ચિમ બંગાળના સાંસદો અને ધારાસભ્યની સંખ્યા સૌથી વધુ છે.
151 સાંસદો-ધારાસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસ
ADR એ 2019 અને 2024ની વચ્ચે ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને સબમિટ કરેલા વર્તમાન સાંસદો અને ધારાસભ્યોના 4809 એફિડેવિટ્સમાંથી 4693ની તપાસ કરી હતી. આ પછી 16 સાંસદો અને 135 ધારાસભ્યોની ઓળખ કરતાં 151 સાંસદો-ધારાસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસ હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : VIDEO: છતરપુરમાં વાંધાજનક ટિપ્પણી મામલે હોબાળો, પોલીસ પર પથ્થરમારામાં ત્રણને ઈજા
મહિલાઓ વિરુદ્ધ અપરાધના પશ્ચિમ બંગાળ સૌથી વધુ કેસ
રિપોર્ટ પ્રમાણે, 25 સાંસદો અને ધારાસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધ અપરાધના પશ્ચિમ બંગાળ સૌથી વધુ કેસ છે. આ પછી આંધ્ર પ્રદેશમાં 21 અને ઓડિશામાં 17 સાંસદ-ધારાસભ્યો સામે કેસ નોંધાયેલા છે. કોલકાતાની એક સરકારી હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ-હત્યા અને થાણેમાં બે છોકરીઓના જાતીય શોષણની ઘટનાઓને લઈને દેશભરમાં વિરોધ વચ્ચે આ રિપોર્ટ સામે આવ્યો છે, ત્યારે 16 એવા સાંસદો અને ધારાસભ્યો છે કે જેમને ભારતીય દંડ સંહિતની (IPC) કલમ 376 મુજબ બળાત્કારના કેસની જાણકારી આપી છે. આ કેસમાં ઓછામાં ઓછી 10 વર્ષથી આજીવન કેદની સજાની જોગવાઈ છે. જેમાં બે સાંસદો અને 14 ધારાસભ્યો છે.
મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારા ભાજપના સૌથી વધુ 54 સાંસદો-ધારાસભ્યો
આરોપોમાં એક જ પીડિતા સામે વારંવાર ગુનાની ઘટનાઓ પણ સામેલ છે. રિપોર્ટ પ્રણાણે, મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારા ભારતીય જનતા પાર્ટીના (BJP) સૌથી વધુ 54 સાંસદો-ધારાસભ્યો છે. આ પછી કોંગ્રેસના 23 સાંસદો-ધારાસભ્યો અને તેલુગુ દેશમ પાર્ટીના (TDP) 17 સાંસદ-ધારાસભ્ય છે. જ્યારે વર્તમાનમાં ભાજપ અને કોંગ્રેસના પાંચ-પાંચ સાંસદો-ધારાસભ્યો દુષ્કર્મનો કેસનો સામનો કરી રહ્યાં છે. ચૂંટણી સુધારણા માટે કામ કરતી એડીઆર સંસ્થાએ રાજકીય પક્ષોએ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપવાથી દૂર રાખવા પર ભાર મૂક્યો છે, ખાસ કરીને જેઓ દુષ્કર્મ અને મહિલાઓ વિરુદ્ધ અન્ય ગુનાઓના આરોપી છે. આ ઉપરાંત, રિપોર્ટમાં સાંસદો અને ધારાસભ્યો સામેના કોર્ટ કેસોની ઝડપી સુનાવણી અને પોલીસ દ્વારા વ્યાવસાયિક અને સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.