લદ્દાખની નદીમાં ટેન્ક સાથે કવાયત વખતે દુર્ઘટના : જેસીઓ સહિત પાંચ જવાનનાં મોત
- દોલત બેગ ઓલ્ડીમાં નદીમાં અચાનક પાણીનું સ્તર વધી ગયું
- શ્યોક નદીમાં અચાનક પાણીનું સ્તર વધી ગયાની ઘટનાની ભારતીય સૈન્યે તપાસ હાથ ધરી : રાજનાથ
લદ્દાખ : ચીન સાથે પૂર્વીય લદ્દાખમાં વર્ષ ૨૦૨૦માં ઘર્ષણ થયા પછી એલએસી પર મોટાપાયે ભારતીય સૈન્ય તૈનાત છે. ચીનના જોખમનો સામનો કરવા લદ્દાખમાં નિયુક્ત એક જેસીઓ સહિત સૈન્યના પાંચ જવાનો શુક્રવારે મોડી રાતે ટેન્ક સાથે નદી પાર કરવાનો અભ્યાસ કરતી વખતે શહીદ થઈ ગયા હતા. સૈન્યે કહ્યું કે, દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં શ્યોક નદીમાં અચાનક પાણીનું સ્તર વધતા આ દુર્ઘટના થઈ હતી.
લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ટેન્ક અભ્યાસ ચાલી રહ્યો હતો. સૈન્યના અનેક ટેન્ક અહીં હાજર હતા. આ સમયે ન્યોમા-ચુશુલ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક એક ટી-૭૨ ટેન્ક દ્વારા રાતે નદી કેવી રીતે પાર કરી શકાય તેનો અભ્યાસ ચાલી રહ્યો હતો. શુક્રવારે મોડી રાતે દોલત બેગ ઓલ્ડી વિસ્તારમાં નદી પાર કરવાના અભ્યાસ દરમિયાન થયેલા અકસ્માતમાં એક જેસીઓ અને ચાર જવાન સહિત ભારતીય સૈન્યના પાંચ જવાન શહીદ થઈ ગયા. બધા જ પાંચેય જવાનના મૃતદેહ જપ્ત કરી લેવાયા છે.' નદીમાંથી ટેન્ક મેળવા પ્રયત્ન કરાઈ રહ્યો છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારની રાતે પૂર્વીય લદ્દાખના સાસેર બ્રાંગસા પાસે શ્યોક નદીમાં અચાનક જળ સ્તર વધી ગયું હતું, જેના કારણે સૈન્યની એક ટેન્ક ફસાઈ ગઈ હતી. આ જવાનોને બચાવવા એક ટૂકડી ઘટના સ્થળ પર પહોંચી, પરંતુ પાણીના તીવ્ર પ્રવાહ અને વધુ જળ સ્તરના કારણે બચાવ અભિયાન સફળ થઈ શક્યું નહીં.
આ ઘટના અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, શ્યોક નદીમાં અચાનક જળ સ્તર કેવી રીતે વધી ગયું તેની સૈન્ય તપાસ કરી રહી છે. જે જગ્યાએ અકસ્માત થયો ત્યાં ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી તણાવ સર્જાયેલો છે. આપણે દેશ માટે આપણા વીર જવાનોની અનુકરણીય સેવાને ક્યારેય ભૂલી શકીશું નહીં. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. દુ:ખના આ સમયમાં આખો દેશ તેમની સાથે ઊભો છે.
લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ પણ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, લદ્દાખમાં ટેન્કના નદી પાર કરવાના સૈન્ય અભ્યાસ સમયે થયેલા અકસ્માતમાં ભારતીય સૈન્યના પાંચ જવાનોની શહાદતના સમાચાર અત્યંત દુ:ખદ છે. બધા જ શહીદ જવાનોને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શોક સંતપ્ત પરિવારજનો પ્રત્યે ઘેરી સંવેદના વ્યક્ત કરું છું. તેમનું સમર્પણ, સેવા અને બલિદાન દેશ હંમેશા યાદ રાખશે.