જનતાનો નિર્ણય સ્વીકાર્ય, તેમના સુખ દુ:ખમાં અમે સાથે રહીશું : કેજરીવાલ
- ભાજપને જીતની શુભકામનાઓ : આપવડા
- ભાજપની ગુંડાગર્દી-તાનાશાહી સામે લડાઇ ચાલુ રહેશે, મારી જીત નહીં પણ જંગનો સમય : આતિશી
નવી દિલ્હી : દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને પોતાની હાર પર પ્રતિક્રિયા આપતા આપવડા અરવિંદ કેજરીવાલે હારનો સ્વીકાર કર્યો હતો સાથે ભાજપને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે અમને જનતાનો નિર્ણય સ્વીકાર્ય છે, અમે જનતાના સુખ-દુ:ખમાં કામ આવતા રહીશું.
એક વીડિયો સંદેશો જાહેર કરીને કેજરીવાલે કહ્યું હતું કે પુરી વિનમ્રતાથી જનતાનો નિર્ણય સ્વીકારીએ છીએ, હું ભાજપને જીતની શુભેચ્છા પાઠવું છું, આશા રાખુ છું કે જે આશા સાથે લોકોએ ભાજપને જીત અપાવી તે ખરી ઉતરશે. જનતાએ દસ વર્ષ માટે અમને જે તક આપી તેમાં અમે ઘણા કામ કર્યા છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી અને પાણીના ક્ષેત્રમાં ઘણા કાર્ય કર્યા છે.
કેજરીવાલે કહ્યું હતું કે અમે લોકોના સુખ-દુ:ખમાં સહભાગી થઇશું, અમે રાજકારણને જનતાની સેવા માટેનું એક પગથીયું માનીએ છીએ, અમે ન માત્ર એક મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવીશું સાથે સાથે સમાજ સેવા પણ કરતા રહીશું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સારી રીતે ચૂંટણી લડયા તેમને શુભેચ્છા પાઠવું છું. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું હતું કે હું મારી બેઠક પર જીતી છું પરંતુ આ જીતનો સમય નથી, જંગનો સમય છે. ભાજપની ગુંડાગર્દી અને તાનાશાહી સામે અમારી જંગ જારી રહેશે.