આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા પર 571 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ, ACBએ હાથ ધરી તપાસ
AAP Former Minister Satyendar Jain: આમ આદમી પાર્ટી પર એક પછી એક સતત મુશ્કેલીઓનો પહાડ તૂટી રહ્યો છે. દિલ્હીની પૂર્વ સરકારના રાજમાં પીડબ્લ્યૂડીના મંત્રી રહી ચૂકેલા AAP નેતા સત્યેન્દર જૈન વિરૂદ્ધ રૂ. 571 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ મૂકાયો છે. આ મામલે એસીબી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.
દિલ્હીના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીબી) મધુર વર્માએ જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 17 (એ) હેઠળ પૂર્વ મંત્રી સત્યેન્દર જૈન વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જૈને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને 1.4 લાખ સીસીટીવી કેમેરા લગાવવા માટે રૂ. 571 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં સીસીટીવી ઈન્સ્ટોલ કરવામાં વિલંબ થતાં કંપની પર આપ સરકારે રૂ. 16 કરોડનો દંડ ફટકાર્યો હતો. જો કે, પછી જૈને રૂ. 7 કરોડની લાંચ લઈ આ દંડ માફ કર્યો હતો.
જૈને લાંચ લીધી
23 ઓગસ્ટ, 2019ના મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરા લગાવવામાં વિલંબ થતાં દિલ્હી સરકારે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. પર રૂ. 16 કરોડનો દંડ ફટકાર્યો હતો. જો કે, ફરિયાદ અનુસાર, જૈને રૂ. 16 કરોડનો દંડ માફ કરવા ઉપરાંત વધુ 1.4 લાખ કેમેરા લગાવવા માટે કંપની સાથે સમાધાન કર્યું હતું. કંપનીને આ રાહત આપવા માટે જૈને રૂ. 7 કરોડની લાંચ લીધી હોવાનો દાવો છે.
PWD દ્વારા ક્લાસરૂમ કૌભાંડ
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા 17 ફેબ્રુઆરી, 2020ના રોજ જારી કરવામાં આવેલા રિપોર્ટમાં પીડબ્લ્યૂડી દ્વારા દિલ્હીની સરકારી સ્કૂલોના બાંધકામમાં ગેરરીતિઓ થઈ હોવાનો ખુલાસો થયો હતો. જુલાઈ, 2019માં ભાજપના નેતા હરીશ ખુરાના અને તે સમયે AAPના બળવાખોર ધારાસભ્ય કપિલ મિશ્રાએ આ કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી.
રૂ. 2000 કરોડનું ક્લાસરૂમ કૌભાંડ
એસીબીના રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં સરકારી શાળાઓના ક્લાસરૂમ અને બિલ્ડિંગના બાંધકામ પાછળ રૂ. 2000 કરોડનું કૌભાંડ થયુ હતું. જેમાં 12748 ક્લાસરૂમના બાંધકામ માટે રૂ. 8800 પ્રતિ ચો.ફૂટના દરે સરકાર પાસેથી કિંમત વસૂલવામાં આવી હતી. જ્યારે સામાન્ય રીતે સરેરાશ બાંધકામ ખર્ચ ચો.ફૂટ દીઠ રૂ. 1500 હતી.