Get The App

મોસમનો બગડ્યો મિજાજ! દેશમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીની ચેતવણી, જાણો IMDનું અપડેટ

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
મોસમનો બગડ્યો મિજાજ! દેશમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીની ચેતવણી, જાણો IMDનું અપડેટ 1 - image


Monsoon Seanson in India : દેશભરમાં ચોમાસું ધીરે-ધીરે મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. કેરળ બાદ મહારાષ્ટ્ર અને હવે ગુજરાત બાદ ઉત્તર ભારતમાં પણ ઈન્દ્રદેવની પધરામણી થઈ રહી છે. જોકે દિલ્હી-NCR સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે તો કેટલીક જગ્યાએ વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે, તો દેશના અમુક શહેરોમાં તો હીટવેવના એલર્ટ ઈશ્યુ થઈ રહ્યાં છે.

વર્ષાઋતુની સીઝન જામી રહી છે તેવામાં હવે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે કોસ્ટલ કર્ણાટક, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળ, માહે, તમિલનાડુ, પુંડુચેરી, કરાઈકલ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, ઓડિશા અને આંદામાન નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

26 જૂન સુધી વરસાદની શક્યતા :

આ રાજ્યો ઉપરાંત સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 26 જૂન સુધી ભારે વરસાદની સંભાવના વ્યકત કરાઈ છે. આ રાજ્યોમાં જોરદાર પવન સાથે અંદાજે 115.5-204.4 મીમી વરસાદની સંભાવના છે.

અનેક રાજ્યોમાં હીટવેવનું પણ એલર્ટ :

દિલ્હીમાં હજી વરસાદની મોસમ નથી જામી. રાજધાનીમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 28 જૂન સુધી ગાજવીજ સાથે આંશિક વાદળછાયું આકાશ અને હળવા વરસાદની આગાહી કરી છે. જોકે અનેક રાજ્યોમાં વિભાગે હીટવેવ એલર્ટ પણ જારી કર્યું છે. પંજાબ અને બિહારના જુદા જુદા ભાગોમાં હીટ વેવની સ્થિતિ જોવા મળી શકે છે. 

ગત 24 કલાકમાં સમગ્ર દેશમાં જેસલમેર (પશ્ચિમ રાજસ્થાન)માં સૌથી વધુ મહત્તમ તાપમાન 45.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગનું કહેવું છે કે હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, એનસીઆર, પૂર્વ યુપી અને બિહારના વિવિધ ભાગોમાં 38-40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજસ્થાનના પ્રાદેશિક હવામાન વિભાગેબ જણાવ્યું છે કે આગામી 72 કલાક દરમિયાન જોધપુર, બિકાનેર વિભાગ અને શેખાવતી ક્ષેત્રના ભાગોમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે અને આગામી 72 કલાકમાં મહત્તમ તાપમાન 43થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે અને કેટલીક જગ્યાએ ગરમીનું મોજું ફેલાઈ શકે છે. જોકે ગુરૂવાર અને શુક્રવારે ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે.


Google NewsGoogle News