બેથી વધુ બાળકો હશે તે જ લડી શકશે ચૂંટણી: ચંદ્રબાબુ નાયડુની જાહેરાત
CM Chandrababu Naidu: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ એક મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'કોઈ વ્યક્તિ સરપંચ, મ્યુનિસિપલ કાઉન્સિલર કે મેયર ત્યારે જ બની શકે છે જો તેના બેથી વધુ બાળકો હોય.' આ દરમિયાન તેમણે સંકેત આપ્યો કે આનાથી વસ્તી ઘટાડાને પણ રોકી શકાય છે.
કાયદો બનાવવાની તૈયારીમાં
મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ નરાવરીપલ્લેમાં પરિવાર અને સંબંધીઓ સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરતી વખતે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 'પહેલાં આપણી પાસે એક કાયદો હતો જેના હેઠળ ફક્ત બેથી વધુ બાળકો ન હોય તેવા લોકોને જ સ્થાનિક સંસ્થા અને મ્યુનિસિપલ સંસ્થાની ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવતી હતી. હવે, હું કહું છું કે ઓછા બાળકો ધરાવતા લોકોને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.'
આ પણ વાંચો: સૈફ અલીના ઘરમાં હુમલાખોર ચોરીના ઈરાદે જ ઘૂસ્યો હતો, પ્રાથમિક તપાસ પછી પોલીસનું નિવેદન
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'ભવિષ્યમાં જો તમારા બે કરતાં વધુ બાળકો હશે તો જ તમે સરપંચ, મ્યુનિસિપલ કાઉન્સિલર અથવા મેયર બની શકશો. હું આને પ્રસ્તાવિત નિયમોમાં સામેલ કરીશ.'
સીએમ નાયડુએ અગાઉ પણ આ અંગે સમર્થન આપ્યું હતું
અગાઉ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે, 'રાજ્યમાં વિકાસ દર વધવો જોઈએ. દરેક વ્યક્તિએ આ વિશે વિચારવું જોઈએ અને પરિવારોએ ઓછામાં ઓછા બે કે તેથી વધુ બાળકો પેદા કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ.' નોંધનિય છે કે, કેન્દ્રના યુથ ઇન ઇન્ડિયા-2022 રિપોર્ટ અનુસાર, આપણા દેશમાં 25 કરોડ યુવાનો 15થી 25 વર્ષની વયના છે. આગામી 15 વર્ષોમાં તે વધુ ઝડપથી ઘટશે.