નીતિશ કુમારને લાલુના નેતાએ આપી ખૂલી ઓફર, તેજસ્વીએ કહ્યું- ભાજપ બહુમતથી દૂર
Lok Sabha Elections Result 2024: લોક સભા ચૂંટણીના પરિણામો સામે આવતા જ સરકાર બનાવવા માટેની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. પટનાથી દિલ્હી સુધી મિટિંગ શરુ થઈ ગઈ છે. આજે સાંજે દિલ્હીમાં યોજાનારી બેઠક પહેલા પટનામાં સીએમ નીતિશ કુમારના ઘરે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એલજેપી રામવિલાસ પાર્ટીના ચિરાગ પાસવાન સહિત જેડીયુના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન નીતિશ કુમારને પણ ઓફર મળવા લાગી.
આરજેડીના નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ આપ્યું નિવેદન
આરજેડીના નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ કહ્યું હતું કે, નીતિશ કુમાર કડક નિર્ણય લેવો જોઈએ. નીતિશે ભાજપને રોકવા માટે સાથે આવવું જોઈએ. જયારે તેજસ્વી યાદવે કહ્યું કે, ભાજપ બહુમતથી દૂર થઈ ગઈ છે. ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવાની પહેલ કરે. ગઈકાલે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ સરકાર બનાવવાના સવાલ પર કોઈ નક્કર જવાબ આપ્યો ન હતો.
ભાજપ બહુમતીથી દૂર થઈ ગઈ છે - તેજસ્વી
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પહેલા હું ગઠબંધનના તમામ પક્ષ સાથે વાત કરીશ અને ત્યારબાદ જ કંઈક કહી શકીશ. પરંતુ આજે તેજસ્વી યાદવે સરકાર બનાવવાની વાત કરી હતી અને કહ્યું હતું કે, અમારું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધનને રામના આશીર્વાદ મળ્યા છે. ભાજપ બહુમતીથી દૂર થઈ ગઈ છે. હવે સહયોગી પર જ આધાર રાખે છે. અમને ખુશી છે કે અમારા પ્રયત્નોમાં અમે સફળ રહ્યા છીએ. તેમજ અમને આશા છે કે જે નવી સરકાર બને તે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપે.
ચિરાગ પાસવાને કહ્યું લોકોએ NDAને જનાદેશ આપ્યો
નીતિશ કુમારના ઘરે યોજાયેલી બેઠક બાદ ચિરાગ પાસવાને કહ્યું કે, 'જનતાએ એનડીએને જનાદેશ આપ્યો છે. સીએમ નીતિશ કુમારે ગઠબંધનને મજબૂત કરવાનું કામ કર્યું છે. તેમજ બિહારમાં એનડીએનું જે પ્રદર્શન રહ્યું છે તેનો શ્રેય પીએમ મોદીને તેમજ મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ જાય છે. આજે હું અને મારી પાર્ટીના તમામ સાંસદો તેમને મળ્યા, તેમનો આભાર માન્યો, તેમને અભિનંદન આપ્યા અને તેમના આશીર્વાદ લેવા આવ્યા. અમે બધા આજે આગામી સરકાર બનાવવા માટે દિલ્હી જઈ રહ્યા છીએ.'