Get The App

આરોગ્ય મૈત્રી ક્યુબ : ભારતે બનાવી વિશ્વની પહેલી પોર્ટેબલ હોસ્પિટલ, 200 લોકોને 2 દિવસ સુધી જીવતા રાખવા સક્ષમ

જીવ બચાવવા માટે ટેન્ટ, ભોજન, પાણી, ગેસ, સ્ટવ, પાવર જનરેટર જેવી વ્યવસ્થા પણ મળી જશે

ઓપરેશન થિયેટર, મિનિ આઈસીયુ, વેન્ટિલેટર, બ્લડ ટેસ્ટના સાધનો, એક્સરેના સાધનો વગેરે હશે : લેન્ડસ્લાઈડ, અર્થક્વેક, પૂર અને યુદ્ધ જેવા ક્ષેત્રોમાં વધુ ઉપયોગી

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
આરોગ્ય મૈત્રી ક્યુબ : ભારતે બનાવી વિશ્વની પહેલી પોર્ટેબલ હોસ્પિટલ, 200 લોકોને 2 દિવસ સુધી જીવતા રાખવા સક્ષમ 1 - image

ભારત વૈશ્વિક ધોરણે ઈનોવેશન અને સંશોધનમાં સતત આગળ વધી રહ્યું છે. ખાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં ભારત દ્વારા વૈશ્વિક સ્તરે ઉત્તમ કામ કરવામાં આવી રહ્યું છે. કોરોનાકાળમાં રસીની ઝડપી શોધ તથા સૌથી મોટી સંખ્યામાં લોકોને રસીકરણ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી દીધી હતી. ભારત દ્વારા હવે ફરી એક વખત મેડિકલ વિશ્વમાં મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ભારત દ્વારા તાજેતરમાં પોર્ટેબલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભારત દ્વારા આરોગ્ય મૈત્રી ક્યુબ નામની અનોખી પોર્ટેબલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ એવી હોસ્પિટલ છે જે માત્ર એક બોક્સમાં આવી જાય છે. તેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને ઓપરેટ કરી શકાય છે. ભારત દ્વારા ૭૨ જેટલા ક્યુબ્સ એટલે કે બોક્સ બનાવાયા છે જેને માનવ સર્જિત કે કુદરતી આપત્તીમાં ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને કામચલાઉ હોસ્પિટલ શરૂ કરી શકાય છે. આ હોસ્પિટલમાં બે દિવસ સુધી સારવાર કરી શકાય છે અને લોકોને ભોજન-પાણીની સુવિધા આપી શકાય છે. તેના દ્વારા ઝડપથી પ્રાથમિક સારવાર આપી શકાય છે.

આરોગ્ય મૈત્રી ક્યુબ : ભારતે બનાવી વિશ્વની પહેલી પોર્ટેબલ હોસ્પિટલ, 200 લોકોને 2 દિવસ સુધી જીવતા રાખવા સક્ષમ 2 - image

પ્રોજેક્ટ 'ભિષ્મ' હેઠળ આ ક્યુબ બનાવવામાં આવ્યા

ભારત દ્વારા મેડિકલ ક્ષેત્રમાં આત્મનિર્ભર થવાની દિશામાં મજબૂત રીતે કામ કરવામાં આવી રહ્યું છે. આ ધ્યેયને સિદ્ધ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ભિષ્મ શરૂ કરવામાં આવ્યો છે. ભિષ્મ અર્થ થાય છે, ભારત હેલ્થ ઈનિશિયેટિવ ફોર સહયોગ હિત એન્ડ મૈત્રી. આ પ્રોજેક્ટ હેઠળ અંતરિયાળ વિસ્તારોમાં કુદરતી આપત્તીમાં સપડાયેલા લોકોને, માનવ સર્જિત હોનારતોમાં, યુદ્ધની સ્થિતિમાં લોકોને અને સૈનિકોને ઝડપી અને ગુણવત્તાસભર સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે આ ક્યુબિક બનાવવામાં આવ્યા છે. રૂબિક ક્યુબની પેટર્નના આધારે જ આ મેડિકલ ક્યુબ બનાવવામાં આવ્યા છે. તેમાં એક ફ્રેમમાં ૧૨ ક્યુબ એવી રીતે ૩૬ ક્યુબની મોટી ફ્રેમ બને છે. આવી બે મોટી ફ્રેમ હેઠળ કુલ ૭૨ ક્યુબ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં તમામ પ્રકારની મેડિકલ સહાય રાખવામાં આવી છે જેનો વિવિધ સ્તરે આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરી શકાય છે.

આરોગ્ય મૈત્રી ક્યુબની જરૂર શા માટે ઊભી થઈ?

ભિષ્મ ટાસ્ક ફોર્સમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા એર વાઈસ માર્શલ તન્મય રોયે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ભારત માટે ખૂબ જ મહત્ત્વનો છે. ભારતના ઉત્તરી રાજ્યોમાં તે ઉપરાંત ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વારંવાર ભુસ્ખલન થતું હોય છે. માઈનિંગ દરમિયાન પણ લેન્ડ સ્લાઈડિંગની ઘટનાઓ બનતી હોય છે. આ સિવાય ચોમાસામાં સૌથી વધારે સમસ્યા આવતી હોય છે. આ સંજોગોમાં મોટી દુર્ઘટનામાં લોકોને મદદ અને પ્રાથમિક સારવાર પહોંચાડવામાં મુશ્કેલી પડતી હોય છે. તેના કારણે ભારત દ્વારા મેક ઈન ઈન્ડિયાના ઉદ્દેશ સાથે આવા મેડિકલ ક્યુબ બનાવવામાં આવ્યા. તેને સરળતાથી ગમે તે સ્થળે લઈ જઈ શકાય છે. સિંગલ ક્યુબને પણ ડ્રોનની મદદથી ગમે ત્યાં મોકલી શકાય છે. ૧૨, ૨૪,૩૬ કે ૭૨ ક્યુબના ટોટલ સેગમેન્ટને પણ એર લિફ્ટ કરીને સરળતાથી લઈ જઈ શકાય છે. તેને હેલિકોપ્ટર દ્વારા પણ ગમે તે દુર્ઘટના સ્થળે કે પછી યુદ્ધના મેદાનમાં પણ લઈ જઈ શકાય છે. જાણકારોના મતે સમગ્ર ૭૨ ક્યુબની કિંમત માત્ર ૨.૫ કરોડ રૂપિયાની આસપાસ જ આવે છે. સ્વદેશી નિર્માણ હોવાના કારણે તેની કિંમત ખૂબ જ સસ્તી હોવાનું પણ જાણકારો કહી રહ્યા છે.

આરોગ્ય મૈત્રી ક્યુબ : ભારતે બનાવી વિશ્વની પહેલી પોર્ટેબલ હોસ્પિટલ, 200 લોકોને 2 દિવસ સુધી જીવતા રાખવા સક્ષમ 3 - image

આરોગ્ય મૈત્રી ક્યુબ ઉપર એક નજર

આરોગ્ય મૈત્રી ક્યુબ લોકોને ઝડપી અને પ્રાથમિક સારવાર આપવાની એક પહેલ છે. તેને ઈનોવેટિવ ડિઝાસ્ટર હોસ્પિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેડિકલ સહાયની મહત્ત્વની વસ્તુઓ સાથેના અલગ અલગ મેડિકલ ક્યુબ બનાવવામાં આવ્યા છે. આવા કુલ ૭૨ ક્યુબનો સેટ તૈયાર કરાયો છે. તેને હોનારત અને યુદ્ધની સ્થિતિમાં અતિ મહત્ત્વના સપ્લાય તરીકે ઓળખવામાં આવે છે. આ ક્યુબમાં ઓપરેશન થીયેટર, મિનિ આઈસીયુ, વેન્ટિલેટર, બ્લડ ટેસ્ટિંગ કિટ, એક્સ-રે કિટ જેવા મેડિકલ ઈક્વિપમેન્ટ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત લોકોનો જીવ બચાવવા ઉપરાંત તેમને હોનારતમાં આશરો આપવા કે ભોજન-પાણી આપવાની સમસ્યાનું નિવારણ પણ આ ક્યુબમાં કરાયું છે. તેમાં ટેન્ટ, ગેસ સ્ટવ, કુકિંગ સ્ટેશન, પાણી, ભોજન સામગ્રી અને પાવર જનરેટર પણ રાખવામાં આવ્યા છે. તેના કારણે જ કોઈપણ દુર્ગમ જગ્યાએ અને વિકટ સ્થિતિમાં જીવ બચાવવામાં તેનો ઉપયોગ કરી શકાય છે. 

૧૦મી મિનિટે ઓપરેશન શરૂ કરી શકાય છે

આ ક્યુબની ખાસિયત એ છે કે, વજનમાં હળવા હોવાથી ગમે ત્યાં ઝડપથી લઈ જઈ શકાય છે. આ ક્યુબને એક વખત સેટ અપ કર્યા બાદ માત્ર ૧૦ જ મિનિટમાં સારવાર થઈ શકે છે. જાણકારોના મતે માત્ર બે ક્યુબ ભેગા કરવાથી પોર્ટેબલ ઓપરેશન થિયેટર બનાવી શકાય છે અને તેમાં માત્ર ૧૦ જ મિનિટનો સમય લાગે છે. ડોક્ટર્સ દ્વારા ૧૦મી મિનિટે સારવાર શરૂ કરી શકાય છે. આ પોર્ટેબલ ક્યુબ દ્વારા ગંભીર ઈજાઓમાં ઝડપી સારવાર આપી શકાય છે. તેના દ્વારા ૪૦ બુલેટ ઈન્જરી, ૨૫ મેજર બર્ન ઈન્જરી, ૧૦ હેડ ઈન્જરી, મેજર ફ્રેક્ચર ઈન્જરી, ચેસ્ટ ઈન્જરી અને સ્પાઈનલ ફ્રેક્ચરમાં સારવાર આપી શકાય છે. તેમાં દવાઓ ઉપરાંત ભોજન સામગ્રી પણ પૂરતી માત્રામાં હોવાના કારણે વ્યક્તિને બચાવવાની શક્યતાઓ વધી જાય છે. આ તમામ ક્યુબ્સ રિચાર્જેબલ ઈક્વિપમેન્ટ ધરાવે છે. તેને ઝડપથી ચાર્જ કરી શકાય છે. તે માટે સોલાર જનરેટર અને પારંપરિક જનરેટરનો સેટ પણ ક્યુબમાં જ આવે છે. તેના કારણે ગમે તે પરિસ્થિતિમાં ઉપકરણો ચલાવી શકાય છે અને તેનો ઝડપી ઉપયોગ કરીને જીવ બચાવી શકાય છે.

સામાન્ય વ્યક્તિ પણ ઉપયોગમાં લઈ શકે છે

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક જાણકારે જણાવ્યું કે, કિટની અંદર એક પોર્ટેબલ કમ્પ્યૂટર આવેલું હોય છે તથા તેમાં એક ક્યૂઆર કોડ પણ લગાવેલો હોય છે. તેની સાથે એક સ્કેનિંગ ગન આવે છે. તેને સ્કેન કરવાથી બધી જ માહિતી પોર્ટેબલ કમ્પ્યૂટર ઉપર આવી જાય છે. જે વ્યક્તિ આ કમ્પ્યૂટર ઉપર માહિતી જોઈ અને સમજી શકે તે પોતાની રીતે ક્યુબને સેટઅપ કરી શકે છે. વ્યક્તિ પાસે ક્યુબ આવી ગયું અને ડોક્ટર આવવાની રાહ જોવાની હોય તો વ્યક્તિ જાતે પણ કોઈનો જીવ બચાવી શકે છે. ફ્રેક્ચર થવું, લોહી વહી જવું કે સામાન્ય ઈજાઓમાં ડ્રેસિંગ કરવા જેવી કામગીરીનું માર્ગદર્શન કિટ દ્વારા જ આપી દેવામાં આવે છે. તેમાં પેઈન કિલર, એન્ટિબાયોટિક દવાઓ, બ્લિડિંગ સ્ટોપેજ કિટ, શોક કિટ આપેલી હોય છે જેથી મેડિકલનો અભ્યાસ ન કર્યો હોય તેવા લોકો પણ પ્રાથમિક સારવાર આપવા સક્ષમ બની શકે છે. 

૩૬ ક્યુબ થકી એક મોટું સેટઅપ તૈયાર થાય છે

જાણકારોના મતે આ ક્યુબને એકબીજાની સાથે જોડીને વિશાળ પોર્ટેબલ હોસ્પિટલ તૈયાર કરી શકાય છે. આ ક્યુબ્સ ૧૨ના સેટમાં તૈયાર થાય છે. એક મોટા સેટમાં ૧૨ ક્યુબના ત્રણ સેટ આવે છે. તેના થકી ૩૬ ક્યુબનું એક સ્ટ્રક્ચર તૈયાર કરી શકાય છે. 

આ સ્ટ્રક્ચર દ્વારા ૧૦૦ લોકોને ૪૮ કલાક સુધી મેડકલ સેવા આપી શકાય છે. તેમને એક છત નીચે રાખીને તેમનો જીવ બચાવી શકાય છે. તેવી જ રીતે બે સેટ ભેગા કરવામાં આવે તો મોટા સ્ટ્રક્ચરમાં મોટી હોસ્પિટલ અને લાઈફ સેવિંગ સ્પેસ બનાવી શકાય છે. આ ક્યુબના બે મોટા સેટ દ્વારા બે દિવસ સુધી ૨૦૦ લોકોને સારવાર આપી શકાય છે અને તેમનો જીવ બચાવી શકાય છે. આ એક ક્યુબનું વજન ૨૦ કિલો જેટલું થાય છે. તેથી ૩૬ ક્યુબ ૭૫૦ કિલો વજનના થાય છે. તેના કારણે તેની હેરફેર ઝડપી શક્ય બને છે. 

આરોગ્ય મૈત્રી ક્યુબ એટ-એ-ગ્લાન્સ

  • ૨૦ કિલોના વજન ધરાવતું એક એવા ૭૨ ક્યુબ તૈયાર કરવામાં આવ્યા
  • ૧૨ ક્યુબનું એક સેટ અપ એવા કુલ છ સેટ અપ તૈયાર કરવામાં આવ્યા
  • ૩૬ ક્યુબના સેટઅપ દ્વારા ૧૦૦ લોકોના ૪૮ કલાક સુધી જીવ બચાવી શકાય છે
  • ૭૨ ક્યુબ દ્વારા તેનાથી બમણી સંખ્યામાં લોકોને બચાવી શકાય છે
  • લેન્ડસ્લાઈડ, અર્થક્વેક, પૂર અને યુદ્ધ જેવા ક્ષેત્રોમાં તેનો વધુ અને ઝડપી ઉપયોગ કરી શકાય
  • મિનિ ઓપરેશન થિયેટર, મિનિ આઈસીયુ અને મિનિ વેન્ટિલેટર તેમાં આપેલા છે તેથી જીવ બચાવવાનો જંગ ઝડપથી શરૂ કરી શકાય છે
  • માત્ર ૧૦ જ મિનિટમાં એક ક્યુબને રેડી કરી શકાય છે જેથી જીવ બચાવવા માટે લોકોને પૂરતો સમય અને સાધનો મળી રહે
  • રૂબિક ક્યુબની પેટર્નના આધારે તમામ ક્યુબને એકબીજાની સાથે સેટઅપ કરીને સમગ્ર માળખું તૈયાર કરાયું છે
  • હેડ ઈન્જરી, ફ્રેક્ચર, બોન ઈન્જરી, સ્પાઈનલ ઈન્જરી જેવી હાડકાંની તકલીફોમાં પણ ઝડપથી સારવાર આપી શકાશે
  • પોર્ટેબલ સાધનો રિચાર્જેબલ રાખવામાં આવ્યા છે જેથી ગમે ત્યારે તેને ચાર્જ કરીને ઉપયોગમાં લઈ શકાશે
  • સાધનોને ઉપયોગ કરવા માટે વીજળીનો પુરવઠો મળી રહે તે માટે મિનિ જનરેટર્સ પણ રાખવામાં આવ્યા છે
  • જનરેટર્સ ચલાવવા માટે પારંપરિક વ્યવસ્થા અને સોલાર પેનલની પણ વ્યવસ્થા રાખી છે જેથી જનરેટર્સ અટકી ન જાય 

આરોગ્ય મૈત્રી ક્યુબ : ભારતે બનાવી વિશ્વની પહેલી પોર્ટેબલ હોસ્પિટલ, 200 લોકોને 2 દિવસ સુધી જીવતા રાખવા સક્ષમ 4 - image


Google NewsGoogle News