આપના રાજ્યસભાના સાંસદ સંજયસિંહ જેલમુક્ત, લિકર કૌભાંડમાં છ મહિના બાદ મળ્યા જામીન
આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ તિહાર જેલથી છૂટ્યા છે. સંજય સિંહ જેલથી સીધા અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને પહોંચશે. ત્યાં સુનીતા કેજરીવાલ સાથે તેઓ મુલાકાત કરશે. આ દરમિયાન સંજય સિંહનો પરિવાર પણ સાથે રહેશે. મહત્વનું છે કે, સંજય સિંહને દિલ્હીના કથિત લિકર પૉલિસી કૌભાંડમાં છ મહિના બાદ જામીન મળ્યા છે. તિહાર જેલની બહાર આવતા જ તેમણે સૌથી પહેલા જેના મુખ્ય ગેટ પર રાહ જોઈ રહેલા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું.
જેલના તાળા તૂટશે અને તમામ નેતા છૂટશે : સંજય સિંહ
છ મહિના બાદ જેલથી બહાર આવ્યા બાદ તેમણે કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું. જેલથી નિકળ્યા બાદ સંજય સિંહે કહ્યું કે, 'આ ઉત્સવ મનાવવાનો સમય નથી. આ સંઘર્ષનો સમય છે. જેલના તમામ તાળા તૂટશે અને તમામ નેતા છૂટશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે જેલના તાળા તૂટશે અને અરવિંદ કેજરીવાલ બહાર આવશે.'
આ પહેલા સુપ્રીમ કોર્ટે મંગળવારે (2 એપ્રિલ) દિલ્હી લિકર પૉલિસી મામલે તેમણે જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશને અનુરૂપ સંજય સિંહ તમામ કાયદાકિય પ્રક્રિયાઓને પૂર્ણ કર્યા બાદ તિહાર જેલથી મુક્ત થયા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જામીનની શરતો નિચલી કોર્ટ નક્કી કરશે.
નિચલી કોર્ટે બુધવારે સંજય સિંહને પાસપોર્ટ જમા કરાવવા, રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (NRC)થી બહાર જતા પહેલા પોતાના કાર્યક્રમ અંગે જણાવવા અને પોતાના ફોનનું લોકેશન હંમેશા ચાલુ રાખવાના પણ નિર્દેશ આપ્યા. સાથે જ કોર્ટે સંજય સિંહને બે લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ અને એટલી જ રકમની સિક્યોરિટી ડિપોઝીટ જમા કરાવવા સૂચના આપી.