સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તન થયું હોવાનો ‘આપ’નો સ્વીકાર, બિભવ કુમાર સામે કડક પગલાં લેવાની ખાતરી
Misbehavior with Swati Maliwal : આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તન થયાની વાત સ્વીકારતા કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલે સંજ્ઞાન લીધું છે અને યોગ્ય કાર્યવાહી કરાશે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, 'કાલે એક નિંદનીય ઘટના બની. સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલને મળવા તેમના નિવાસ સ્થાને ગયા હતા. જ્યાં તેઓ ડ્રાઇંગ રૂમમાં તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે બિભવ કુમારે તેમની સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું. મુખ્યમંત્રીએ આ મામલે સંજ્ઞાન લીધું છે અને તેઓ યોગ્ય કાર્યવાહી કરશે.'
'સ્વાતિ માલીવાલે દેશ અને સમાજ માટે મોટા કામ કર્યા'
સંજય સિંહે કહ્યું કે, 'સ્વાતિ માલીવાલે દેશ અને સમાજ માટે મોટા કામ કર્યા છે. સ્વાતિ માલીવાલ પાર્ટીની જૂના અને સીનિયર લીડરમાંથી એક છે. આપણે સૌ તેમની સાથે છીએ. ભાજપે પણ મંગળવારે આ મામલે હોબાળો કર્યો અને કેજરીવાલના રાજીનામાની માંગ કરી છે.'
ભાજપે કર્યો હોબાળો
ભાજપ કોર્પોરેટરોએ દિલ્હી નગર નિગમની બેઠકમાં સ્વાતિ માલીવાલના મુદ્દે આમ આદમી પાર્ટીને ઘેરી હતી. મંગળવારે 11 વાગ્યે દિલ્હી નગર નિગમની બેઠકમાં મેયર શૈલી ઓબેરોય પોતાની સીટ પર પહોંચતા જ ભાજપના કોર્પોરેટરોએ હોબાળો કર્યો હતો અને કેજરીવાલના રાજીનામાની માંગ કરવા લાગ્યા હતા. આ બધુ જોઈને મેયરે બેઠકને સ્થગિત કરી દીધી.