Get The App

સંજય સિંહની ધરપકડ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈમાં AAPનું વિરોધ-પ્રદર્શન

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
સંજય સિંહની ધરપકડ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈમાં AAPનું વિરોધ-પ્રદર્શન 1 - image

Image Source: Twitter

- બીજેપીએ પણ દિલ્હીની કેજરીવાલ સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો હતો અને આજે રાજઘાટ પર શાંતિપૂર્વક ધરણા કર્યા

નવી દિલ્હી, તા. 05 ઓક્ટોબર 2023, ગુરૂવાર

દિલ્હીમાં કથિત લીકર પોલિસી કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ છે. ગઈ કાલે લીકર પોલિસી કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. હવે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને નેતાઓ તેમની ધરપકડના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. દિલ્હી, મુંબઈ અને પૂણેમાં અનેક સ્થળોએ ધરણા અને પ્રદર્શન જોવા મળ્યુ હતું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને નેતાઓએ ED વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ બીજેપીએ પણ દિલ્હીની કેજરીવાલ સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો હતો અને આજે રાજઘાટ પર શાંતિપૂર્વક ધરણા કર્યા હતા. આ અગાઉ કાલે બીજેપીએ ગઈ કાલે AAP કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યું હતું.

મુંબઈમાં અનેક કાર્યકર્તાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. દિલ્હીમાં AAP કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને વિરોદ કર્યો હતો. ત્યાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આજે સવારથી જ AAP મુખ્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓના પહોંચવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અહીં AAP નેતાઓએ સંજય સિંહની ધરપકડ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. નેતાઓના સંબોધન બાદ પ્રદર્શનકારીઓએ ભાજપ મુખ્યાલય તરફવ માર્ચ કરી હતી. પ્રદર્શનકારીઓના હાથમાં 'સંજય સિંહ નહીં ઝૂકેગા' અને 'I.N.D.I.A'ના પોસ્ટર હતા. સંજય સિંહના પિતા પણ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા.

કાયદો અને વ્યવસ્થા જાળવી રાખીશું: દિલ્હી પોલીસ

દિલ્હીમાં AAPના વિરોધ પ્રદર્શન પર સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર ડેપેન્દ્ર પાઠકનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન છે. ધીમે ધીમે ભીડ એકઠી થઈ રહી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અહીં પોલીસ હાજર છે. અમે આયોજકોના સંપર્કમાં છીએ. અમે સુનિશ્ચિત કરીશું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. અમે પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરીશું.

મુંબઈમાં ધરણા માટે મંજૂરી ન મળી

મુંબઈના બલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં ED કાર્યાલય પાસે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ત્યાં વિરોધ કરવાની મંજૂરી આપવામાં નથી આવી. આપ કાર્યકર્તાઓનું કહેવું છે કે, સંજય સિંહને જલ્દી મુક્ત કરવામાં આવે. પાર્ટીએ આરોપ લગાવ્યો કે, EDએ સંજય સિંહની ધરપકડ એટલા માટે કરી કારણ કે, તેમણે સંસદમાં અડાણી ગ્રુપ સાથે સબંધિત મુદ્દે ઉઠાવ્યો હતો. 



Google NewsGoogle News